ભારતના ત્રિમાસિક આર્થિક વિકાસ દર 13.પ ટકા નોંધાયાના પગલે અર્થતંત્ર દોડવા લાગ્યા હોવાના સંકેત વચ્ચે આંતરરાષ્ટ્રીય રેટીંગ એજન્સી મુડીઝે ભારતનો વિકાસ અંદાજ ઘટાડીને 7.7 ટકા કરી નાખ્યો છે. ઉંચા વ્યાજદર, અનિયમિત ચોમાસુ અને વિશ્વ સ્તરે આર્થિક સ્લો ડાઉન જેવા કારણોથી ભારતીય અર્થતંત્રને અસર થવાની ભીતિ દર્શાવી છે.
મુડીઝ દ્વારા ચાલુ નાણાકીય વર્ષ માટે વિકાસ અંદાજ 8.8 ટકાથી ઘટાડીને 7.7 ટકા કરવામાં આવ્યો છે. ગત વર્ષે ભારતનો વિકાસ દર 8.3 ટકા હતો. જયારે 2020માં 6.7 ટકા નોંધાયો હતો. મુડીઝના નવા રીપોર્ટમાં એમ જણાવવામાં આવ્યું છે કે, મોંઘવારીના ભરડામાંથી મુકિત મેળવવા માટે ભારતીય રીઝર્વ બેંક આકરી ધીરાણ નાણા નીતિ જારી રાખે તેવી શકયતા છે અને વ્યાજદર હજુ વધી શકે તેમ છે.
- Advertisement -
અનિયમિત વરસાદ અને વૈશ્વિક મંદીની અસર પણ ભારતના વિકાસ દરમાં અવરોધક સાબિત થઇ શકે છે. જુલાઇ-ડિસેમ્બરના 6 મહિનામાં મોંઘવારીમાં થોડી રાહત મળી શકવાનો આશાવાદ પણ રીપોર્ટમાં દર્શાવવામાં આવ્યો છે. વિશ્વ સ્તરે કોમોડીટીના ભાવો નીચા આવવાના સંજોગોમાં વિકાસ માટે સાનુકુળ ચિત્ર ઉભુ થઇ શકે અને તેનો લાભ ર0ર3માં મળી શકશે.



