ખાસ-ખબર સંવાદદાતા
મોરબી શહેરના ભક્તિનગર સર્કલ નજીક બહેન સાથે ફોનમાં વાત કરવા મામલે ત્રણ શખ્સોએ યુવાન સાથે બાઈક અથડાવી મારી નાખવાના ઈરાદે છરી વડે ઘા મારી જીવલેણ ઈજા પહોંચાડી ધમકી આપી હતી જે બનાવમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું 14 દિવસની સારવાર બાદ મોત થતાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ ચલાવી છે. મોરબીના કેનાલ રોડ પર યદુનંદન ત્રણમાં રહેતા ભરતભાઈ લક્ષ્મીચંદ પુજારાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો ભાવિક આરોપી ઇલ્યાસ ઈશ્માઈ બ્લોચની બહેન સાથે ફોન પર અવારનવાર વાતો કરતો હતો અને આરોપીની બહેન પણ ભાવિકને ફોન કરતી હતી જે બાબતે શંકા રાખીને આરોપી ઈલ્યાસ, નવાજ બ્લોચ અને શહેઝાદ શબ્બીર સિપાઈ રહે. બધા મોરબીવાળાએ ભક્તિનગર સર્કલ શનાળા બાયપાસ રોડ પાસે ભાવિકના બાઈક સાથે પોતાનું એક્સેસ મોટરસાયકલ ભટકાડી ભાવિકને પછાડી દીધો હતો. ઉપરાંત તેને જાનથી મારી નાખવાના ઈરાદે છરી કાઢી ખંભા તેમજ છાતીમાં છરીના આઠેક ઘા મારી દઈને જીવલેણ ઈજા પહોંચાડી હતી તેમજ આરોપી ઇલ્યાસ બ્લોચે હવે પછી મારી બહેન સાથે ફોનમાં વાત કરતો નહિ નહીંતર સારાવાટ નહીં રહે તેમ કહી નાસી ગયા હતા. આ હિંચકારા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભાવિક પુજારાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં 14 દિવસની સારવાર બાદ ભાવિકનું મોત થયું છે જેથી બનાવ હત્યામાં પલટાયો છે. અગાઉ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો ત્યારે હવે બનાવ મામલે હત્યાની કલમનો ઉમેરો કરાયો છે અને આરોપીઓ વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.