4.50 લાખનો ઘઉં, ચોખાનો જથ્થો સીઝ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા દેશના ગરીબોને સસ્તામાં ઘઉં, ચોખા સહિતનો જથ્થો પૂરો પાડવામાં આવે છે જોકે આ જથ્થો બારોબાર પગ કરી જતો હોવાની અનેકવાર ફરિયાદ ઉઠતી હોય છે ત્યારે મોરબી સીટીના ઈન્ચાર્જ મામલતદાર એન.એચ. મહેતાને ખાનગી બાતમી મળી હતી કે, મોરબીના શનાળા રોડ પર મોમ્સ હોટેલના પાછળના ભાગે આવેલ એક કરીયાણાની દુકાનમાં આ રીતે જથ્થો છુપાવવામાં આવ્યો છે જે બાદ શનિવારે મોડી રાત્રે ઈન્ચાર્જ સિટી મામલતદાર એન એચ મહેતા અને તેની ટીમ દ્વારા રમેશ રવજી કંઝારિયા નામના વ્યક્તિની કરીયાણાની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.
- Advertisement -
આ દરોડામાં તપાસ દરમિયાન 5214 કિલો ઘઉં અને 3780 કિલો ચોખા મળી અંદાજીત કુલ રૂપિયા 4.50 લાખની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો જેનું બિલ માંગતા તેની પાસે કોઈ બિલ ન હોય અને આ જથ્થો ફેરિયા પાસેથી લીધા હોવાનું કબૂલ કર્યું હતું. વેપારીની કબૂલાતના આધારે મામલતદારની ટીમ દ્વારા તમામ જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો તેમજ દુકાનદાર રમેશ રવજી કંઝારીયા વિરુદ્ધ પુરવઠા વિભાગમાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં જીલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે તેમ ઈન્ચાર્જ મામલતદાર એન એચ મહેતાએ જણાવ્યું હતું.