જિલ્લા પંચાયતમાં પણ ભ્રષ્ટાચાર આચર્યો હતો
સ્કૂલ બેગનો 2 કરોડનો કોન્ટ્રાક્ટ પોતાનાં સગા એવાં સાવ નાનાં વેપારીને આપ્યો
- Advertisement -
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા શાસનાધિકારી કિરીટસિંહ પરમાર તથા શિક્ષણ સંઘના પ્રમુખ દિનેશ સાદદિયા અને દિપક સાગઠિયા સાથે મળી કરવામાં આવેલા યુનિફોર્મ, પુસ્તકો, વિજ્ઞાન – રમતગમતના સાધનો સહિતની સ્કૂલ સ્ટેશનરી ખરીદી, પ્રવાસી શિક્ષકોની ભરતી, કાયમી શિક્ષકોની બદલી વગેરે કૌભાંડોનો પર્દાફાશ થઈ ગયો છે. પંડિત, પરમાર, સાદદિયા અને સાગઠિયા દ્વારા રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આચરવામાં આવેલા આંતરિક કૌભાંડો અને તેમનું વ્યક્તિગત ચારિત્ર ઉઘાડું પડી જતા ચેરમેન અતુલ પંડિત વિદેશ નાસી ગયા છે. અતુલ પંડિત અને કિરીટસિંહ પરમાર અને દિનેશ સદાદિયા વચ્ચે પણ ફૂટફાટ પડી ગઈ છે. આ દરમિયાન ખાસ-ખબરને કિરીટસિંહ પરમારનું યુનિફોર્મ ઉપરાંત દફતર કૌભાંડમાં સંડોવણી હોવાની જાણ થઈ છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં આચાર્યો-શિક્ષકોને ગણવેશ આપવાનો કોઈ નિયમ નથી છતાં રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે ખુદને અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સડાદિયાને લાભ ખટાવવા માટે 18 જેટલી સ્કૂલ ઓફ એક્સલન્સના 310 જેટલા આચાર્યો – શિક્ષકોને 5500 રૂપિયાના બે જોડી ગણવેશ એમ આશરે 19 લાખના 620 જેટલા ગણવેશ આપવાનો ઠરાવ પસાર કર્યો હતો અને સરકારી શાળાના આચાર્યોને આ ગણવેશ ફરજીયાત મવડીમાં આવેલી દિનેશ સદાદિયાની આર્ય એન્ટરપ્રાઈઝમાંથી જ ખરીદવો એવી સૂચના આપેલી હતી. ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અતુલ પંડિત અને કિરીટસિંહ પરમારના આ ગણવેશ કૌભાંડની હાલ તપાસ ચાલી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગમાં કિરીટસિંહ પરમાર ફરજ પર હતા ત્યારે તેમણે ગણવેશ કૌભાંડ જેવું દફતર કૌભાંડ આચર્યું હતું. રાજકોટ જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓના હજારો વિદ્યાર્થીઓને આશરે 2 કરોડ રૂપિયાના દફતર આપવાનું કૌભાંડ કરી લાખો રૂપિયાની ઉચાપત કિરીટસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે. જ્યારે કિરીટસિંહ પરમાર રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અગાઉ રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગમાં ફરજ પર હતા ત્યારે તેમણે પોતાના ઉના-કોડીનાર બાજુના એક સગા-સંબંધીને લાભ ખટાવવા તેમજ પોતે પૈસા કટકટાવવા માટે આશરે 2 કરોડ રૂપિયાનો દફતરનો ઓર્ડર આપી દીધો હતો! જો રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આચરેયલા લાખોના યુનિફોર્મ કૌભાંડની જેમ જ રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગમાં થયેલા કરોડોના દફતર કૌભાંડની તપાસ થાય તો કિરીટસિંહના વધુ કેટલાંક કાળા કારનામા બહાર આવશે.
શાસનાધિકારી કિરીટ પરમાર અને દિનેશ તથા અતુલ વિરૂદ્ધ નિષ્પક્ષ તપાસ જરૂરી
રાજકોટ-અમદાવાદમાં કોઈ સપ્લાયર ન મળ્યાં? : ઝૂંપડી જેવી દુકાનને આવો તોતિંગ કોન્ટ્રાક્ટ શા માટે?
- Advertisement -
2 કરોડનાં દફતરનો ઓર્ડર કિરીટસિંહના સગાની એજન્સીને અપાયો!
રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગમાં કિરીટસિંહ પરમાર ફરજ પર હતા ત્યારે તેમણે દફતર ખરીદી સરકારી નિયમ મુજબ ટેન્ડર – ઈ-પોર્ટલ દ્વારા જ કરી હતી, ઓનપેપર તેઓ ફસાઈ નહીં તેની કાળજી રાખી હતી પરંતુ આશરે 2 કરોડ રૂપિયાના દફતર આપવાનો ઓર્ડર ઉના-કોડિનાર બાજુની એક તદ્દન બિનલાયક એજન્સીને મળ્યો અને આ એજન્સી કિરીટસિંહ પરમારના સગા-સંબંધીની હોય એવું જાણમાં આવતા સમગ્ર કૌભાંડ ઉઘાડું પડ્યું હતું. આ કૌભાંડ એ સમયે તો ભીનું સંકેલાય ગયું હતું અને કિરીટસિંહની બદલી રાજકોટ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં કરી દેવામાં આવી હતી. જોકે અહીં આવીને પણ તેમણે પોતાના લખણ છોડ્યા ન હતા અને અતુલ પંડિત તથા દિનેશ સદાદિયા સાથે મળી યુનિફોર્મ સહિતના કેટલાંક કૌભાંડો આચાર્યા છે. કિરીતસિંહ પરમારના દફતર કૌભાંડની વધુ વિગતો હાલ મેળવાઈ રહી છે.