ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે લોંગ વીઝા પર રહેતા 25 પાકિસ્તાની હિંદુઓને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સ્વતંત્રતા દિવસ પૂર્વે ભારતનું નાગરિકત્વ આપવામાં આવતા લોકોમાં ખુશી જોવા મળી હતી. આ સાથે ગૃહમંત્રીએ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના નવા લોગોનું અનાવરણ કર્યું હતું અને તાજેતરમાં ધાડપાડુ ગેંગના સભ્યો સામે હિંમતપૂર્વક બાથભીડીને આરોપીને જીવના જોખમે ઝડપી પાડ્યા હતા. તે બદલ પોલીસકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. રાજકોટ જિલ્લામાં વસવાટ કરતા પાકિસ્તાની હિંદુઓએ ભારતીય નાગરિકત્વ માટે અરજી કરેલી હતી. જે સંદર્ભે કાર્યવાહી કરીને કલેકટર દ્વારા 25 જેટલા લોકોની અરજી મંજૂર કરવામાં આવેલી છે. અને આજે કલેકટર કચેરી ખાતે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ લોકોને ભારતીય નાગરિકત્વ આપવામાં આવ્યું છે. નાગરિકતા અધિનિયમ પ્રમાણે 7 વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે.જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે.
રાજકોટમાં 25 પાકિસ્તાની હિંદુઓને ગૃહમંત્રી દ્વારા ભારતીય નાગરિકતા પત્ર એનાયત
