તહેવારનાં સમયે અનેક રસ્તા બંધ હાલતમાં: માટીનાં ઢગલાં જાણે ઉપાડવાનું તંત્ર ભુલી ગયું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ભુગર્ભ ગટરની લાઇન નાખ્યા બાદ હાલ તેનું રીપેરીંગ કરવામાં આવી રહ્યું છે. રસ્તાનાં રીપેરીંગનાં કામ વખતે લોકો વાહન ન ચલાવે તેના માટે માટીનાં ઢગલા કરી રસ્તા બંધ કર્યા હતાં. પરંતુ અનેક રસ્તાનું કામ પૂર્ણ થઇ ગયું છે. સિમેન્ટનાં કામને સાત-સાત દિવસ થઇ ગયા છે. છતા અનેક જગ્યાએ માર્ગ ઉપર જેમનાં તેમ ઢગલા પડ્યાં છે. આ ઉપરાંત દાતાર રોડ ઉપર ફાયર સ્ટેશનની સામે મોટો માટીનો ઢગલો છે.
- Advertisement -
અહીં દીવાલનું કામ ચાલતું હોય માટી રોડ ઉપર નાખવામાં આવી છે. જેના કારણે રસ્તો બંધ થયો છે. તેમજ શહેરમાં ગીરનાર દરવાજા પાસે, રાજલક્ષ્મી પાર્કનાં રસ્તાનાં નાકે, અક્ષર મંદિરથી કલેકટર કચેરીનાં રોડ સહિતનાં માર્ગો પર માટીનાં ઢગલા છે. બીજી તરફ તહેવારો નજીક આવી રહ્યાં છે. રસ્તા બંધ છે. તેમજ માટીનાં ઢગલા છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે માટીનાં ઢગલા દુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.તંત્રની ધીમી ગતીએ કામગીરીનાં કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્રની બેદરકારીનાં કારણે જૂનાગઢ જાણે ઢગલાગઢ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.
- Advertisement -
કામ પૂર્ણ થયું હોય ત્યાંથી તો માટીનાં ઢગલાં દૂર કરો
લોકોની માંગ છે કે, જે જગ્યા ઉપર કામ ચાલતું હોય ત્યાં રસ્તો બંધ કરવામાં આવે તે સ્વાભાવીક છે. પરંતુ જે જગ્યાએ કામ પૂર્ણ થઇ ગયું છે. લાંબો સમય પસાર થઇ ગયો છે,તેવી જગ્યાએથી માટીનાં ઢગલા દુર કરી રસ્તા ખુલ્લા કરવા જોઇએ. શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમજ તહેવારો નજીક આવી રહ્યાં છે.ત્યારે માટીનાં ઢગલા દુર કરવા જરૂરી બન્યાં છે.