જામનગર, રાજકોટ, કચ્છ અને દ્વારકા જિલ્લો સૌથી અસરગ્રસ્ત!
ખાસ-ખબર સંવાદદાતા
મનુષ્યોમાં ગત વર્ષે એપ્રિલ-મે માસમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો તેવી સ્થિતિ હવે પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ (એલએસડી) નામના વાયરલ અને મચ્છર,માખી,ઈતરડીથી ફેલાતા રોગચાળાએ મચાવ્યો છે અને ગૌમાતાના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે. રાજકોટમાં આજે 47 અને જામનગરમાં 57 ગાયો અને ગૌવંશના મૃત્યુ થતા મૃતદેહોને બન્ને શહેરની મહાપાલિકા દ્વારા દાટવામાં આવ્યા હતા. જો કે આ મૃત્યુમાં કેટલા લમ્પીથી અને કેટલા અન્ય બિમારીથી તે વિગતો જારી થઈ નથી. જ્યારે સરકારના સત્તાવાર રિપોર્ટ મૂજબ આજે રાજ્યમાં 7 જિલ્લામાં 76 પશુઓના મોત લમ્પી વાયરસથી નીપજ્યા તેમાં 75 પશુઓ સૌરાષ્ટ્રના છે.
- Advertisement -
રાજકોટ મનપામાં બે દિવસમાં ગૌવંશના મૃત્યુની 100 જેટલી ફરિયાદો આવી હતી અને આ મૃતદેહોને શહેરભરમાંથી ઉપાડવા જે.સી.બી. સહિત છ વાહનો તૈનાત કરાયા છે. માલિયાસણ પાસે 8 એકર જમીનમાં આ પશુઓને દાટવા માટે રાઉન્ડ ધ ક્લોક રાત્રિના પણ જે.સી.બી. દ્વારા ખાડા ખોદવામાં આવી રહ્યા છે. જામનગરમાં અગાઉ બે દિવસમાં 80 અને ગઈકાલે એક દિવસમાં 57 ગૌવંશના મૃત્યુ થતા તેની અંતિમવિધિ કરાઈ હતી. આમ, આ બન્ને જિલ્લામાં લમ્પીએ ભયાનક રૂપ લીધુ છે.
રાજકોટ જિલ્લામાં ગોંડલ, લોધિકામાં 2 મોત, એક જ દિવસમાં વધુ 363 કેસ
રાજ્યના 20 જિલ્લાઓના 2189 ગામોમાં લમ્પી વાયરસ પ્રસર્યાનું સત્તાવાર નોંધાયું છે. આજે વધુ 1727 સહિત 57,677 પશુઓ આજે સાંજ સુધીમાં લમ્પીગ્રસ્ત થયાનું શોધાયું છે જેમાં 41,065 પશુઓ સાજા થયા છે અને 1641ના મોત નીપજ્યા છે. આજે નોંધાયેલ મૃત્યુમાં સૌથી વધુ મૃત્યુ કચ્છ જિલ્લામાં 54 છે જ્યારે ભાવનગર જિલ્લામાં 5, જામનગરમાં 4, દ્વારકામાં 3, બોટાદ, અમરેલીમાં ત્રણ-ત્રણ, રાજકોટ જિલ્લામાં આજે રાત્રે 2, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાં એક એક મૃત્યુ નોંધાયેલ છે. રાજ્યના કૂલ નોંધાયેલા લમ્પી કેસોમાં 66 ટકા કેસો એકમાત્ર કચ્છ જિલ્લામાં છે. પરંતુ, આજે નોંધાયેલા નવા કેસોમાં હવે જામનગર જિલ્લામાં સૌથી વધુ 413 કેસ, રાજકોટમાં 363, કચ્છમાં 301 અને દેવભુમિ દ્વારકામાં 291 કેસ નોંધાયા હતા.