- ATM માંથી નાણા ઉપાડવા, સ્મશાન સેવાઓ તથા બેંકોના ચેકબુક ચાર્જ પર GST વસુલાતો નથી
નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે રાજયસભામાં ફુગાવા પરની ચર્ચાનો જવાબ વાળતા સમયે સ્પષ્ટ કર્યુ હતું કે એટીએમ મારફત બેંકમાંથી નાણાં ઉપાડવા કે નવી ચેકબુક ઈશ્યુ કરવાના ચાર્જ પર કોઈપણ પ્રકારનો જીએસટી વસુલાતો નથી. આ ઉપરાંત સ્મશાનની સેવાઓ, હોસ્પીટલની આઈસીયુ બેડ તથા રૂા.5 હજારની હોસ્પીટલ રૂમના દૈનિક ભાડા પર પણ જીએસટી વસુલાતો નથી.
નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે કેટલીક ગેરસમજ ફેલાવાઈ રહી છે પરંતુ બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડવા નવી ચેકબુક ઈશ્યુ કરવા સહિતની સેવાઓમાં બેંક ચાર્જ લે તો પણ તેના પર જીએસટી વસુલાતો નથી. બેંક જે પ્રિન્ટેડ ચેકબુક ખરીદે છે તેના બીલ પર જીએસટી વસુલાય છે પરંતુ સામાન્ય બેંક ગ્રાહકોને જે ચેકબુક ઈશ્યુ કરવામાં આવે છે તેના ચાર્જ પર જીએસટી વસુલાતો નથી.
- Advertisement -
તેમણે એ પણ કહ્યું કે સ્મશાનની કોઈપણ સેવાઓ પર જીએસટી નથી. રૂા.5 હજારથી ઉપરના દૈનિક ભાડા વાળા હોસ્પીટલ રૂમના ચાર્જ પર જ જીએસટી વસુલાય છે. પરંતુ આઈસીયુ બેડમાં જે ચાર્જ લેવાય તેના પર જીએસટી વસુલાતો નથી.