ACFએ પંચનામું કર્યું તો ફરિયાદ દાખલ કરવામાં કોની લાજ શરમ?
અભયારણ્યની જમીન પર ગેરકાયદે ખડકાયેલાં મીઠાના ગંજ અને વે-બ્રિજનાં બાંધકામો દૂર કરવા બે માસ પૂર્વે તપાસ થઈ હતી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ તાલુકાના કીડી ગામ પાસે અભયારણ્યની જમીન પર બિનઅધિકૃત રીતે ખડકાયેલા મીઠાના ગંજ તેમજ વે-બ્રિજ સહિતના બાંધકામો દૂર કરવા એસીએફ દ્વારા સ્થળ ચકાસણી કરીને અરજદારની સાક્ષીમાં પંચનામું કરવામાં આવ્યું હતું જેને અંદાજીત બે મહિના જેટલો સમય વિતવા છતાં બિનઅધિકૃત બાંધકામો દૂર કરવા તેમજ કચરાના ગંજમાંથી લેવાયેલા સેમ્પલોની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આ ગેરકાયદેસર ખડકાયેલા બાંધકામો પર વન વિભાગ કેમ કંઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સમજાતું નથી.
હળવદ નજીક આવેલ ઘુડખર અભયારણ્યમાં કીડીથી જોગડ તરફ જવાના રસ્તે સુમેરાના તળાવ પાસે ગેરકાયદેસર કોઈપણ જાતની પાસ પરમિટ કે એનઓસી મેળવ્યા વગર વે બ્રિજ તેમજ મીઠાના ગંજ ખડકાયેલા છે જેને અટકાવીને જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જે અનુસંધાને ધ્રાંગધ્રા રેન્જના એસીએફ રાઠવાએ અરજદારને સાથે રાખી સ્થળ ચકાસણી કરી હતી અને પંચરોજકામ પણ કર્યું હતું અને મીઠાની કોથળીઓના સેમ્પલો લીધા હતા જોકે આ સેમ્પલોને લગભગ ત્રણેક માસ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને કીડી પાસે અભયારણ્યમાં બિનઅધિકૃત બાંધકામોને વન વિભાગે જ પીળો પરવાનો આપી દીધો હોય તેમ કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી અને વન વિભાગ ઘોર નિંદ્રામાં હોય કાર્યવાહી કરવામાં આવશે કે કેમ ? તે પણ એક સવાલ છે.
આ બાબતે ‘ખાસ-ખબર’ દ્વારા વન વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ છે કે કેમ તેવું પૂછવામાં આવ્યું હતું જોકે અધિકારીઓ તેઓની નિમણુંક હજુ નજીકના સમયમાં થઈ હોવાથી ખ્યાલ ન હોવાના ગાણાં ગાઈ રહ્યા છે.
- Advertisement -
ગેરકાયદે બાંધકામ અંગે તપાસ ચાલું છે: ઈન્ચાર્જ ACF
કીડી ગામ નજીક સુમેરાના તળાવ સામે દબાણ બાબતે ઈન્ચાર્જ એસીએફ ગૌસ્વામી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હળવદ રેન્જમાં એસીએફ તરીકેનો મને હજુ એક મહિના પહેલા જ ચાર્જ મળેલ છે જેથી સંપૂર્ણ માહિતી મારી પાસે નથી. આ અંગે સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં જો બાંધકામ ગેરકાયદેસર જણાશે તો નિયમ મુજબ વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.