વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષોએ પોતાનું શક્તિ પ્રદર્શન શરુ કરી દીધું છે. વિવિધ પક્ષ દ્વારા પોતાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના ઈતિહાસમાં પ્રથમવાર સાત કાર્યકારી પ્રમુખની નિમણૂંક કરવામાં આવી છે જેમાં જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને આ કાર્યકારી પ્રમુખોને પસંદ કરવામાં આવ્યાં છે.
જેમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય અને મોરબી જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ લલિત કગથરાની પણ કાર્યકારી પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે ત્યારે આજે મોરબીમાં લલિત કગથરાને આવકારવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી મહેન્દ્રનગરના રામધન આશ્રમ પાસેથી શરુ થઈને રવાપર રોડ પર આવેલ દ્વારકેશ પાર્ટી પ્લોટ સુધી પહોંચી હતી અને આ રેલીમાં કોંગી ધારાસભ્યો પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત, ઋત્વિજ મકવાણા, કિરીટ પટેલ અને લલિત વસોયા સહીત કોંગ્રેસના અનેક કાર્યકરો જોડાયા હતા.