ખાનગીમાં લેવા કોઈ તૈયાર ન હતું, હવે મફતમાં રસી મળતાં કતારો લાગી
કોરોનાનાં વધતા કેસો વચ્ચે રાજકોટમાં વૅક્સિનની અછત
- Advertisement -
આરોગ્ય કેન્દ્રમાં લાગ્યા વૅક્સિનેશન બંધના બોર્ડ
રાજકોટ જિલ્લા માટે 60,000 ડોઝની ડિમાન્ડ, આજે જથ્થો આવે તો રાતે જ વિતરણ માટે તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારે 15 જુલાઈથી 15 થી 59 વર્ષની વય જૂથનાં લોકોને મફતમાં પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કર્યા બાદ ગઈકાલે અને આજે ડોઝ લેવા કેન્દ્રો પર કતારો લાગી હતી.
- Advertisement -
રાજકોટ સહિતનાં જિલ્લા પાસે વેકસીનનાં પેન્ડીંગ ડોઝ હતા તે બે દિવસમાં ખલાસ થઈ ગયા છે હવે રવિવારે જો નવો જથ્થો નહિ આવે તો સોમવારે કેટલાક કેન્દ્રો પર રસીકરણ બંધ રાખવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.
દરમિયાન રાજકોટ રિજીયન હેઠળ આવતા જિલ્લાઓ દ્વારા નવા જથ્થા માટેની ડિમાન્ડ સરકારમાં મોકલી દેવામાં આવી છે પરંતુ આજે સાંજ સુધીમાં વેકસીનનો જથ્થો આવ્યો નથી. કાલે રવિવારે મુંબઈ કે અન્ય શહેરોમાંથી ફલાઈટમાં જથ્થો રાજકોટ આવે તેવી શકયતા છે. જો કાલે બપોર સુધીમાં વેકસીન આવી જશે તો રાત્રે જ જુદા જુદા જિલ્લાઓમાં ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાની તૈયારી સ્થાનિક આરોગ્ય તંત્રએ કરી છે.
રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્ર પાસે આશરે 15000 ડોઝનો જથ્થો હતો તેમાંથી ગઈકાલે પ્રથમ દિવસે જ 8000 નું વેકસીનેશન થયુ હતુ અને આજે પણ ગ્રામ્યમાં રસીકરણ સારૂ થતા પેન્ડીંગ જથ્થો હતો તે મોટાભાગનો વપરાઈ ગયો છે.
આજે બપોર સુધીમાં જ 2500 નું રસીકરણ કરવામાં આવ્યુ હતુ. રાજકોટ જિલ્લાનાં આરોગ્ય વિભાગે નવા આશરે 60,000 ડોઝની માગણી કરી છે તેમાંથી કેટલો જથ્થો મળશે તેના પર આવતા સપ્તાહનાં રસીકરણનું પ્લાનીંગ કરવામાં આવશે. સૌરાષ્ટ્રનાં દરેક જિલ્લામાં આવી સ્થિતિ છે. ખાનગીમાં પ્રિકોશન ડોઝ મળતો હતો પરંતુ કોઈ લેવા તૈયાર થતુ ન હતુ હવે સરકારે ફ્રીમાં જાહેરાત કરતા ડોઝ માટેની ડિમાન્ડ નીકળી છે. રાજકોટ જિલ્લામાં સાત લાખ લોકોને પ્રિકોશન લેવાનો બાકી છે. કોરોના ફરી વકરી રહયો હોવાથી લોકો બુસ્ટર ડોઝ લેવા ઉતાવળા બન્યા છે.