જબરદસ્ત શરૂઆત… અંતરિક્ષ… આકાશ પર ફરતો કેમેરો… ગ્રહો/તારા/ નક્ષત્રો… ધીરે ધીરે ધરતી પર.. ભારતનું એક શહેર.. શહેરની સોસાયટીની ગલી… ગલીમાં બેઠા ઘાટનું નાનકડું સુંદર ઘર… ઘરમાં પરિવારજનોના ગુંજતાં અવાજ… અચાનક પોલીસ… ટોળા… બુમરાણ.. અફડાતફડી..
ઇસરોના આશાસ્પદ વૈજ્ઞાનિક, એન્જીનિયર નંબી નારાયણ કે જેમણે લંડનની પપ્રિસ્ટન યુનિવર્સિટીની સ્કોલરશિપ મળી અને ત્રણ વર્ષનું થિસીસ વર્ક માત્ર દસ મહિનામાં પૂરું કર્યું, જેમને નાસાએ સામેથી ફેલોશીપ ઓફર કરી અને જેમણે ભારતમાં રહીને, ભારતને અંતરિક્ષ ક્ષેત્રમાં સદ્ધર કરવાની ભાવનાને લઈને નાસામાં કામ કરવા જેવી કલ્પનાતીત પ્રપોઝલ ઠુકરાવીને ઇસરોને પોતાનું કર્મક્ષેત્ર બનાવ્યું. પોતાની કારકિર્દી દરમ્યાન ફ્રાન્સ-રશિયા જેવા વિકસિત દેશો પાસેથી કુનેહથી સિફતાઈથી ટેકનોલોજી શીખવામાં, ભારત લઈ આવવામાં સફળતા મેળવીને ફિલ્મી હીરો જેવા સાહસિક મિશન્સ પાર પાડ્યા હોય અને અંતરિક્ષ ક્ષેત્રે જેમને, દુનિયાભરમાં ભારતનો ડંકો વાગી જાય એવડી મોટી સિદ્ધિ મેળવવી હાથવગી જ હતી ત્યાં જ તેની કારકિર્દીને અવરોધી દે, એના મોરલને તાર તાર કરી નાખે એવડો મોટો 360 ડિગ્રીનો ટર્ન… એ કઈ અંદરની કે આંતરાષ્ટ્રરિય તાકાત કે તત્વો હતાં જે અંતરિક્ષ ક્ષેત્રે ભારતની વિક્રમજનક સિદ્ધિ નહોતા ઇચ્છતા? રાજકારણ, આંતરરાષ્ટ્રીય રમતો, અથવા વ્યવસાયિક ક્ષેત્રની કૂટનીતિનો ભોગ બનેલી એક વ્યક્તિ, દેશના ખ્યાતનામ વૈજ્ઞાનિક, લોકલ-તાલુકા પોલીસે ઉભા કરેલા(!) કેસ માત્રથી એના પર જાસૂસ-દેશદ્રોહી હોવાનું કલંક લાગે,
- Advertisement -
એન્ટરટેઇનમેન્ટ વેલ્યુ ઝીરો કહી શકાય છતાં જરાપણ બોરિંગ નહિ, ફિલ્મ પુરી થાય ત્યારે સંતોષ સાથે ગ્લાનિ ઘેરી વળે…
ડોક્યુમેન્ટરી એટલે કહી શકાય કે સત્યકથામાં એકપણ ડ્રામેટિક સિચ્યુએશન ઉમેર્યા વગર સત્યને યથાવત રજુ કરાયું
અલબત્ત, ડોક્યુમેન્ટરી ટાઈપ હોવા છતાં બોઝીલ નહિ…
સાયન્સ ફિક્શન નથી છતાં સાયન્સ ફિક્શન જેવી જ ગ્રાફીકલ
સસ્પેન્સ/થ્રિલર નથી છતાં દીલધડક… રોમાંચક…
શરૂઆતની ફ્રેમ અને
બીજી અનેક ફ્રેમ, કેમેરા વર્કનાં માસ્ટરપીસ.. સિનેમેટોગ્રાફી ગજ્જ્બ…. ભારેખમ મશીનરી.. રોકેટ પ્લેટફોર્મ… અફલાતૂન ડિઝાઇન અને અફલાતૂન કેમેરા વર્ક… બેકગ્રાઉન્ડ સ્કોર ઘટનાઓમાં પ્રાણ પૂરે એવો અફલાતૂન…
- Advertisement -
જેલમાં તેમના પર પચાસ પચાસ દિવસ સુધી લગાતાર, પોતે પાકિસ્તાની જાસૂસ હોવાનું સ્વીકારી લેવાનું મેન્ટલ ટોર્ચર કરવામાં આવે . થર્ડ ડીગ્રી ટ્રીટમેન્ટ… અને પતિ પર થઇ રહેલા જુલમ, સામાજિક બદનામી…આ બધું સહન ન થવાને કારણે માનસિક સંતુલન લગભગ ગુમાવી ચુકેલી પત્ની.. કુટુંબના સભ્યોની લોકો દ્વારા થતી હેરાનગતિ…. ખોરંભે ચડેલી મહત્વકાંક્ષાઓ… અને લાંબા અરસા પછી બાઈજ્જત… નિર્દોષ સાબિત થઈ અને પદ્મભૂષણનું સન્માન….! આટઆટલાં ટ્વિસ્ટ વાળું જીવન જ જાણે કે, કહાની ફિલ્મી હૈ…..
આર. માધવન સ્ટોરી રાઇટર, ડિરેકટર, ડાયલોગ્સ, એક્ટર…. બધામાં બાજી મારી જાય છે. સ્ટોરી એક રિયલ લાઈફ હીરો, નંબી નારાયણના જીવન પર છે, એ સતત યાદ રાખીને રાઇટર માધવને નંબી નારાયણ પર જ ફોક્સ રાખ્યું છે, નંબીની આસપાસ રચાયેલા ષડ્યંત્રને કે એ સમયના દેશના રાજકારણ, રાજકીય પક્ષોની રમતો વગરેને ફ્રેમડ કે ડ્રામેટાઇઝડ ન કરીને માત્ર વાર્તા સાથે નહિ પણ એ રિયલ લાઈફ હીરો સાથે ન્યાય કર્યો છે. એક્ટર શાહરુખાન, એઝ એ, શાહરુખાન જ એક ચેનલના સ્ટુડિયોમાં નંબી નારાયણનો ઇન્ટરવ્યૂ લે છે જે જીવનની શરૂઆતથી લઈને એક પછી એક પ્રશ્ર્ન નંબી નારાયણ સામે મૂકે છે, જેના જવાબરુપે નંબી નારાયણ(માધવન) જીવનની વાતો રજૂ કરે છે અને એમ વાર્તા આગળ વધે છે જે સ્ટોરીના ફ્લોને બોન્ડિંગ આપે છે. વળી, પિક્ચરના અંતમાં, શાહરૂખ ખાન સામે રિયલ નંબી નારાયણને જ રજૂ કરી, વાસ્તવિકતાનો રંગ આપવામાં માધવને કમાલ કરી છે.
જેના વિશે અઢી કલાકની ફિલ્મ જોઈ એ જ પાત્ર, વર્તમાનમાં જીવંત હોય અને આંખ સામે પ્રત્યક્ષ હોવાથી દર્શકોનું બોન્ડિંગ વધી જાય છે. પાત્રને ગ્લોરીફાય કરવા કે કલેરીફિકેશનના ભાગરૂપે આ ફિલ્મ નથી બની. ફિલ્મમાં ક્યાંય હીરોને સારો ચિતરવાના ડ્રામેટિક એટેમ્પટ નથી થયા. ક્યાંય પણ બિનજરૂરી લંબાણ નથી, એકપણ ફ્રેમ વધારાની ન કહી શકો એટલી ચોક્સાઇ, એક શબ્દ વધારાનો નહિ… ગીત નથી કે ઇમોશનના ઓવરડોઝ જેવા સંવાદ/ સિક્વન્સ નથી. છતાં ગૂંથણી એટલી મજબૂત કે દર્શકને સતત જકડી રાખે એ ત્યાં સુધી કે ફિલ્મ પુરી થાય અને બહાર નીકળી ગયા પછી પણ કલાકો સુધી ફિલ્મ પુરી નથી થતી!
બધા જ કલાકારોની એક્ટિંગ સહજ અને મજબૂત છે. ક્યાંય એક્શન કે ઇમોશનનો ઓવરડોઝ નથી. આ બાબત ડાયરેકટ માધવનની કુનેહ છે. એક્ટર માધવન, નંબી નારાયણનો લિડિંગ રોલ કરે છે. ખૂબ જ પ્રભાવી બોડી લેંગ્વેજ, બહુ ઓછું બોલીને હાવભાવ અને આંખોથી કામ લીધું છે. પ્રખર બુદ્ધિપ્રતિભા, મક્કમ મનોબળ સાથોસાથ સાલસ, માસૂમ વ્યક્તિત્વ માધવને અસલ સાકાર કર્યું છે. વળી ગેટઅપ/મેકઅપ જાણે આબેહૂબ નંબી નારાયણ! ઓવર એક્ટિંગ વગર પણ દર્શકોને સ્પર્શી શકાય, જો કલાકાર પાત્રને આત્મસાત કરી લે તો, અને જો સ્ટોરી ક્ધટેન્ટ જ ખૂબ મજબૂત હોય તો.
પણ અહીં સ્ટોરીને હું માત્ર ફિલ્મી ક્ધટેન્ટ નહિ કહું, આ એક વ્યક્તિવિશેષની વાસ્તવિક, દર્દનાક સંઘર્ષકથા છે.
આ તો થઈ ફિલ્મની વાત….પણ,
રિયલ લાઈફ હીરો,ઇસરો વૈજ્ઞાનિક નંબી નારાયણના જીવનમાં જે જે ઘટનાઓ બની એ અંતરાષ્ટ્રરિય રાજકારણની વિકૃત, વરવી છબી છે એમ માની લઈએ તો પણ વ્યક્તિના જીવનના પરિમાણો બદલાવાની સાથોસાથ અવકાશ ક્ષેત્રે દેશની પ્રગતિ જો વીસ વીસ વર્ષ પાછળ ધકેલાઈ જતી હોય તો, એ વ્યક્તિ કોઈ સામાન્ય વ્યક્તિ નહીં જ હોય ને! છતાં મોટાભાગના લોકો આ ફિલ્મ થકી જ નંબી નારાયણને ઓળખતાં થયાં અથવા થશે, એ આપણા દેશની વરવી- કડવી વાસ્તવિકતા છે…
તમિલ, હિંદી અને ઈંગ્લીશ તેલુગુ એમ વિવિધ ભાષામાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. કલાસ માટેની ફિલ્મ બની હોવાને કારણે તથાકથીત મનોરંજનના માપદંડમાં ખરી ન ઉતરે તો પણ ફિલ્મ સહેજ પણ બોરિંગ કે સ્ટીરિયોટાઈપ ડોક્યુમેન્ટરી નથી જ નથી ..
બે અઠવાડિયાથી રિલીઝ થયેલી આ ફિલ્મની જાજી નોંધ નથી લેવાઈ. હવે કદાચ ઘણા શહેરોના સિનેમાઘરોમાં ચાલતી પણ નહિ હોય, પણ ગમે તે પ્લેટફોર્મ પરથી મેળવીને, એકવાર જોવી જ જોઈએ એવી ફિલ્મ…