ભયભીત વિદ્યાર્થીઓ રડી પડ્યા, અફડાતફડી: વાલીઓમાં રોષ
શાળામાં ફાયરસેફ્ટીના પૂરતા સાધનોનો અભાવ? ફાયરબ્રિગેડને બદલે ઈલેક્ટ્રીશયનને બોલાવીને ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ
- Advertisement -
કેન્ટિન પ્રકરણ બાદ નવો વિવાદ, ઉચ્ચ કક્ષાએ રજૂઆતની તજવીજભ
ખાસ-ખબર સંવાદદાતા
કાલાવડ રોડ ઉપર આવેલી સેન્ટમેરી સ્કૂલના ઓડિટોરિયમમાં ચાલુ કાર્યક્રમે શોર્ટ સર્કિટ થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ભયભીત બાળકો રડવા લાગ્યા હતા. આ અંગે મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર આવેલી જાણીતી સેન્ટમેરી સ્કૂલમાં આગામી દિવસોમાં યોજાનાર એક સોલો ડાન્સ કોમ્પિટીશનમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ માટે આજે ઓડિટોરિયમમાં સિલેકશન રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. નાના-મોટા વિદ્યાર્થીઓથી ભરચક્ક ઓડિટોરિયમમાં ચાલુ કાર્યક્રમમાં જ શોર્ટ સર્કિટથી પંખામાંથી અચાનક ધૂમાડા નીકળવા લાગતાં વિદ્યાર્થીઓ ભયભીત બનીને રડી પડ્યા હતા. ભારે અફડાતફડી બાદ તમામ વિદ્યાર્થીઓને ઓડિટોરિયમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને શાળાના સંચાલકો દ્વારા કાર્યક્રમને રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. વિદ્યાર્થીઓ અને વાલીઓના જીવ ઉંચક કરી દેનાર આ ઘટનાને દબાવવાના પ્રયાસો સેન્ટમેરી સ્કૂલના ફાધર તથા અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવ્યા હોવાનું અને આ ઘટનાની ફાયરબ્રિગેડને જાણ કરવાના બદલે ઈલેક્ટ્રીશયન બોલાવવામાં આવ્યાનું પણ ચર્ચાય છે.
રાજકોટની આ જૂની શાળામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે આ ઘટનાથી શાળામાં પૂરતા પ્રમાણમાં ફાયરસેફ્ટીના સાધનો છે કે નહીં? શાળાનું વાયરીંગ કેટલા વર્ષ જૂનું છે? આવી ઘટના સમયે વિદ્યાર્થીઓની સલામતીની વ્યવસ્થા શું? આવા અનેક સવાલો ચિંતાતુર વાલીઓના મનમાં ઘુમરાઈ રહ્યા છે. સેન્ટ મેરી સ્કૂલ અને વિવાદ એક બીજાના પર્યાય હોય તેમ કેન્ટિનના વિવાદ બાદ આ નવા વિવાદે ચર્ચા જગાડી છે. મસમોટી ફી ઉઘરાવતી શાળાઓ વિદ્યાર્થીઓની સલામતીના મામલે યોગ્ય છે કે નહીં, તે બાબતની તપાસ ડી.ઈ.ઓ. કચેરી દ્વારા પણ કરવાની જરૂર છે.