ગેરેન્ટીવાળા રોડનું ધોવાણ થઈ હાડપિંજર થયા, નુકસાનીનો સર્વે અને તપાસનું નાટક ભજવવાનું શરૂ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં છેલ્લા ત્રણ વર્ષથી કરોડોના ખર્ચે ગેરંટી વાળા રસ્તા બને છે આમ છતાં દર ચોમાસે આ રસ્તા તૂટી જાય છે જો કે, આ મુદ્દે મેયર પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, ગેરંટીવાળા રોડ પર જ્યા તૂટી ગયા છે ત્યાં હાલમાં મેટલ, બ્લોક અથવા માટી નાખીને બૂરી દેવામાં આવશે અને જ્યારે ડામર રોડ કરાશે ત્યારે આનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલાશે તેવું જણાવ્યું હતું.
- Advertisement -
મહાપાલિકા દ્વારા વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે થતા ડામર રોડના કામમાંથી મસમોટી મલાઇ તારવી લેવામાં આવતી હોવાની વર્ષો જૂની છાપ છે. વોર્ડના કોર્પોરેટરથી માંડી ઇજનેર અને ઉપરી અધિકારીઓ સુધી ફિક્સ ટકાવારીનો ચાલતા વહીવટમાં કહેવાતા ગેરેંટેડ રોડ પણ આ વખતે ધોવાઇને હાડપીંજર થઇ જાય છે.
આ વર્ષે પણ નવાનકોર રોડમાંથી ભ્રષ્ટાચારરૂપી પોપડાં ઉખડ્યા છે. બીજીબાજુ દર વર્ષની જેમ નુકસાનીનો સર્વે અને તપાસનું નાટક ભજવવાનું શરૂ થઇ ગયુ છે.
કોન્ટ્રાક્ટરના ખર્ચે રિપેરીંગ કરાશે એ વાત બરોબર, પણ પેનલ્ટીનું શું?
ત્રણ કે પાંચ વર્ષ સુધી કંઇ પણ ન થવુ જોઇએ અને જો રોડ ધોવાણ થઇ જાય તો કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેરિંગ કરવાનું રહેશે તેવી શરત સાથે મનપાએ કહેવાતા ગેરેંટેડ રોડ બનાવ્યા છે. આવા રોડ પણ પ્રથમ ચોમાસામાં જ ધોવાઇને હાડપીંજર થઇ ગયા છે. કમિશનર અમિત અરોરા એવુ જાહેર કર્યુ છે કે, ગેરેંટીવાળા રોડ ટાઇમ પરિયડમાં હશે તો કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેરિંગ થશે. આ બાબત તો કોન્ટ્રાક્ટની શરતમાં છે જ. સવાલ એ છે કે, રોડની આવી હાલત શા માટે થઇ? તેના માટે સીધી રીતે કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે. તેને પેનેલ્ટી ફટકારવાના કોઇ પગલાં ન લઇને ઉલ્ટાનું તેને થાબડભાણા થઇ રહ્યા છે.
- Advertisement -