ખાસ-ખબર સંવાદદાતા
હળવદની એ ગોઝારી ઘટના જે હળવદ ક્યારેય નહીં ભૂલે જેમાં ૠઈંઉઈમાં મીઠાની ફેક્ટરીમાં પેકિંગ દરમિયાન દીવાલ ધસી પડતા 12 માનવજીંદગી મોતના ખપ્પરમાં હોમાઈ હતી. આ દુર્ઘટનામાં આઠ આરોપીઓ સામે ગુન્હો નોંધાયો હતો જેમાંથી 6 આરોપીઓની ધરપકડ થઈ હતી અને બે આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે ત્યારે આ ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓના કોર્ટે જામીન મંજૂર કર્યા છે જોકે ધરપકડમાં બાકી બે આરોપી આગોતરા જામીન માટે હવાતિયા મારતા હોવાની માહિતી મળી રહી છે.
હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર સોલ્ટ નામની ફેકટરીમાં ગત તા. 18 મે ના રોજ બનેલ દુર્ઘટનામાં આરોપી અફઝલ ઉર્ફે જીવો અલ્લારખા ધોણિયા, વારિસ ઉર્ફે દેવો અલ્લારખા ધોણિયા, આત્મારામ કિશનરામ ચૌધરી, સંજય ચુનીલાલ ખત્રી, મનુભાઇ ઉર્ફે મનોજ રેવાભાઈ સનુરા, આસિફભાઈ નુરમહમદ ઉર્ફે નુરાભાઇ સોઢા એમ છ શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી વારિસ અલ્લારખા ધોણિયા, મનોજ ઉર્ફે મુનાભાઇ રેવાભાઇ સનુરા અને સંજય ચુનીલાલ ખત્રીનો જામીન પર છૂટકારો થયો છે જોકે હજુ ત્રણ આરોપી જેલમાં બંધ છે અને આ બંને શખ્સો આગોતરા જામીન માટે હવાતિયા મારતા હોય ત્યારે આવા ગંભીર ગુનાના આરોપીઓની ધરપકડ કરીને જેલભેગા કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.