– ડ્રગ્સ, એન્ટીક ચીજ વસ્તુઓ તથા સિગારેટની જેમ કિંમતી ધાતુઓ પણ ખાસ અલાયદા લિસ્ટમાં
– આયાત-જકાત બાદ સરકારે પરિપત્ર જાહેર કર્યુ
કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયાના ધોવાણને રોકવા માટે સોના-ચાંદી સહિતની આયાતો ઘટાડવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં આયાત-જકાતમાં મોટો વધારો જાહેર કરી દીધો હતો. છતાં હવે તેની આયાત-નિકાસ પર સતત વોચ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- Advertisement -
સોના-ચાંદીની બેફામ આયાત રોકીને વિદેશી હુંડીયામણ બચાવવાના ઇરાદે સરકારે આયાત-જકાતમાં 5 ટકાનો વધારો કરી દીધા બાદ હવે બંને કિમતી ધાતુઓને ‘કંટ્રોલ ડીલીવરી લિસ્ટ’માં મૂકી દેવામાં આવી છે. જેનો અર્થ એવો થાય છે કે સોના-ચાંદીની આયાત નિકાસ હવે કંટ્રોલ ઓફીસરની સીધી દેખરેખ હેઠળ થશે. આ ખાસ અધિકારીને પૂર્વ માહિતી આપવાની રહેશે અને તેઓ સતત સુપરવીઝન રાખશે. આ મામલે સરકાર દ્વારા ખાસ પરિપત્ર ઇસ્યુ કરવામાં આવ્યો છે જેને પગલે જ્વેલરી ઉદ્યોગમાં ઉહાપોહ સર્જાયો છે.
સુત્રોના કહેવા પ્રમાણે કેટલાક ઝવેરીઓ સંગઠીત રીતે સોના-ચાંદીનાં બોગસ આયાત-નિકાસ વ્યવહારો કરતાં હોવાનુંં સરકારના ધ્યાનમાં આવ્યુંહતું જેને પગલે સરકારે સોના-ચાંદીને કંટ્રોલ ડીલીવરી લિસ્ટમાં નાખી દીધા છે જેથી આયાત-દાણચોરીથી માંડીને અન્ય માર્ગો પરના વ્યવહારોને અટકાવી શકાય અને વિદેશી હુંડીયામણને બહાર જતું રોકી શકાય. ઝવેરી બજારનાં સુત્રોએ એવી દલીલ કરી કે સોના-ચાંદી-ડાયમંડ અને જ્વેલરીને ડ્રગ્સ એન્ટીક ચીજો અને સિગારેટની જેમ કંટ્રોલ ડીલીવરી લિસ્ટમાં નાખી દેવામાં આવ્યા છે તેને કારણે વેપારીઓ તથા માર્કેટમાં બિનજરુરી ભય ઉભો થવાની આશંકા છે.
તહેવારો ટાણે જ સરકારે સોનાની આયાત જકાતમાં વધારો કરી દેતા ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. ઉંચા ભાવના કારણે તહેવારોમાં ખરીદીને મોટી અસર થવાની ભીતિ વ્યકત થવા લાગી હતી. સરકાર સમક્ષ રજુઆત પણ કરવામાં આવી હતી. પરંતુ એવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે કરન્સી માર્કેટમાં રૂપિયાને તુટતો બચાવવા માટે સોનાની બેફામ આયાતને બ્રેક મારવાનું અનિવાર્ય છે અને તેના કારણે ડયુટી વધારવામાં આવી છે.
- Advertisement -
ઝવેરીઓ દ્વારા એવી પણ દલીલ પેશ કરવામાં આવી હતી કે આ ધરખમ ડયુટીના કારણે સોનાની દાણચોરીમાં વધારો થશે પરંતુ સરકારમાં ડયુટી વધારાના નિર્ણયમાં કોઇ બાંધછોડ કરવાનો કોઇ મૂડ જણાયો ન હતો. હવે સરકારે સોના ચાંદી ડાયમંડના કંટ્રોલ ડિલેવરી લીસ્ટમાં મુકી દીધા છે. જેના માર્કેટમાં કેવા અને કેટલા પ્રત્યાઘાતો પડે તેના પર મીટ માંડવામાં આવી રહી છે.