178 આસિસ્ટન્ટ સરકારી વકીલોની બદલી કરતાં મોટાભાગે હજુ ચાર્જ સંભાળ્યો નથી, પરિણામે સંખ્યાબંધ કેસોમાં સુનાવણી અટકી
અદાલતોમાં વિવિધ કેસોના ભરાવા વચ્ચે હવે નવી સમસ્યા ઉભી થઇ હોય તેમ રાજ્ય સરકારે આસિસ્ટન્ટ સરકારી વકીલોની મોટાપાયે બદલી કર્યા બાદ તેઓ નવા કાર્યસ્થળે હાજર નહીં થતા નીચલી અદાલતોમાં કેસ વધવા લાગ્યા છે. સરકારી વકીલની ગેરહાજરીમાં સુનાવણી અટકવા સાથે કેસોમાં મુદત પડતી હોવાથી કેસનો ભરાવો વધી રહ્યો છે.
રાજ્ય સરકારે ગત મહિને 178 આસિસ્ટન્ટ સરકારી વકીલોની બદલી જાહેર કરી હતી. તે સામે વ્યાપક વિરોધ પણ થયો હતો. સરકારે 36 જેટલી બદલી અટકાવી હતી. મૂળ સ્થાનથી ઘણા દૂરના સેન્ટરમાં બદલી પામેલા કેટલાક આસિ. સરકારી વકીલોને નજીકના શહેરોમાં મુકવામાં આવ્યા હતા.
- Advertisement -
અમદાવાદ ગ્રામ્યના આસિ. સરકારી વકીલને લોધીકા મુકાયા હતા. નીચલી અદાલતોમાં ક્રિમીનલ કેસોના નિષ્ણાંત એક સિનિયર એડવોકેટે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આસિ. સરકારી વકીલોની મોટાપાયે ટ્રાન્સફર કરી હોવાથી અદાલતની કામગીરીને ગંભીર અસર થઇ છે. પોતે જ જે કેસમાં સામેલ છે તેવા છ કેસો ગત સપ્તાહે હાથ પર લઇ શકાયા ન હતા. બે કેસોમાં તો ફાઇનલ હિયરીંગ હતું પરંતુ સરકારી વકીલ હાજર ન હોવાથી બે સપ્તાહની મુદત પડી ગઇ હતી. પરિણામે કેસોનો ભરાવો વધે તે સ્વાભાવિક છે.સાથોસાથ સામાન્ય લોકોને હેરાનગતિમાં મુકાવું પડે છે.