કરોડો રૂપિયાની વધુ એક સરકારી જગ્યા પર દબાણ
ભૂમાફિયાઓ દ્વારા નાગેશ્ર્વર જૈન દેરાસર પાછળની કરોડોની જમીન પર દબાણ કરાયું, બોગસ પુરાવાઓ ઉભા કરી લાઈટ કનેક્શન પણ મેળવી લેવાયું
- Advertisement -
રાજકોટ નજીક આવેલા માધાપર ગામમાં સર્વે નં.111ની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ ઊભું કરી દેવામાં આવ્યું છે. માધાપર ગામમાં આવેલા નાગેશ્ર્વર જૈન દેરાસર સામે પાણીના સમ્પની પાછળ ભૂમાફિયાઓ દ્વારા કરોડોની કિંમતી જમીન ઉપર દબાણ કરી પચાવી પાડવામાં આવી છે. માધાપર ગામની સર્વે નં.111ની સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરી ફેન્સીંગ પણ મારી દેવામાં આવી છે એટલું જ નહીં, આ જમીન પર દબાણ કરેલા ભૂમાફિયાઓએ બોગસ પુરાવાઓ આપી લાઈટ કનેક્શન પણ મેળવી લીધું છે. રાજકોટ નજીક આવેલા માધાપર ગામની સર્વે નં.111ની સરકારી જમીન પર ભૂમાફિયાઓ દ્વારા થયેલા ગેરકાયદે દબાણ અંગે જિલ્લા વહિવટી તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે પરિણામ સ્વરૂપે કરોડોની કિંમતી જમીન ભૂમાફિયાઓએ પચાવી પાડી છે અને બાંધકામ પણ શરૂ કરી દીધું છે.
દબાણો દૂર કરવામાં જિલ્લા વહિવટી તંત્રની નિરસતા
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સરકારી-ખાનગી જમીન પર થયેલા દબાણ દૂર કરવા અંગે નિરસતા દાખવવામાં આવી રહી છે. રૈયારોડથી લઈ માધાપર ગામ સુધી આવેલી સરકારી જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓથી ગેરકાયદે દબાણ વધી રહ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વાર કડક કાર્યવાહી કરવામાં ન આવતા ભૂમાફિયાઓએ વધુ સરકારી જમીનનું દબાણ કરી લીધું છે. સરકારી કે ખાનગી જમીન પર થતા દબાણ દૂર કરવામાં જિલ્લા વહિવટી તંત્રને રસ ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
સરકારી જમીન પર ખોડા ભરવાડ નામનાં શખ્સે દબાણ કર્યું હોવાની માહિતી
માધાપર ગામે સર્વે નં.111ની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનારનું નામ ખોડા ભરવાડ જાણવા મળે છે. ખોડા ભરવાડે નાગેશ્વર પાર્ક, જૈન દેરાસર સામે પાણીના સમ્પની પાછળ આશરે 10 હજાર વાર જેટલી સરકારી જમીન પર દબાણ કરીને ફેન્સિંગ મારી દીધી છે, સાથે જ તેણે બોગસ પુરાવાઓ ઉભા કરી લાઈટ કનેક્શન પણ મેળવી લીધું છે.