35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા, 45 ગુમ
ખાસ-ખબર સંવાદદાતા
અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 16 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 35 ઘાયલ લોકોને એરલિફ્ટ કરાયા છે. આ તરફ માઉન્ટ રેસ્ક્યૂ ટીમ ગુમ થયેલા લોકોને શોધી રહી છે. હાલ અમરનાથ યાત્રાને રોકી દેવાઈ છે. પવિત્ર ગુફા પાસે રેસ્ક્યુ પૂરું થયા પછી અને માર્ગનું સમારકામ થયા પછી યાત્રા શરૂ કરાશે. મળતી માહિતી મુજબ શુક્રવાર રાતથી જ યાત્રા સ્થગિત કરાઈ છે. પહલગામ અને બાલટાલમાં બનેલા બેઝ કેમ્પથી કોઈ વ્યક્તિને આગળ જવાની પરવાનગી નથી. અમરનાથ યાત્રા માટે જનારા શ્રદ્ધાળુઓની હિંમત યથાવત્ છે. શુક્રવારની રાતે અમરનાથની યાત્રા માટે શ્રદ્ધાળુઓનું એક નવું ગ્રુપ જમ્મુ બેઝ કેમ્પથી કાશ્મીરના બાલતાલ અને પહલગામ બેઝ શિબિર માટે રવાના થયું હતું. શ્રદ્ધાળુઓએ કહ્યું હતું કે અમે પહલગામ તરફ જઈ રહ્યા છીએ, ભગવાન ભોળાનાથ બધાની રક્ષા કરશે. જોકે બાલતાલ અને પહલગામના શ્રદ્ધાળુઓને રોકી દેવાયા છે.વાદળ ફાટવાની ઘટના પવિત્ર ગુફાથી એક-બે કિલોમીટરના વિસ્તારમાં બની છે, અમરનાથ ગુફા પાસે શુક્રવાર સાંજે 5.30 વાગ્યે વાદળું ફાટ્યું હતું.ઘટનામાં મરનારમાં ત્રણ મહિલા પણ છે. ઈંઝઇઙએ જણાવ્યું હતું કે 15 હજાર લોકોને પવિત્ર ગુફા પાસે સુરક્ષિત પંચતરણીમાં લઈ જવાયા છે.વાદળ ફાટવાને કારણે પર્વત પરથી આવતા પાણીના વહેણમાં શ્રદ્ધાળુઓ માટે લગાવાયેલા 25 ટેન્ટ અને બેથી ત્રણ લંગર તણાયાં હતાં. વરસાદને કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને અનેક લોકો ફસાયા હતા. ઘણા શ્રદ્ધાળુઓ લાપતા છે, જેઓ આ પ્રવાહમાં તણાઈ ગયા હોવાની આશંકા છે. અમરનાથ શ્રાઈન બોર્ડ, જમ્મુ-કાશ્મીર પોલીસ તથા ગઉછઋ દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે. 0194 2313149, 0194 2496240, 9596779039, 9797796217, 01936243233, 01936243018
- Advertisement -
અમરનાથ ગુફા પાસે વાદળ નહોતું ફાટ્યું : IMD
અમરનાથ ગુફા પાસે થયેલા અકસ્માત માટે વાદળ ફાટવાની ઘટનાને જવાબદાર ગણવામાં આવી રહી છે પરંતુ હવામાન વિભાગનું કહેવું છે કે, તે આ ઘટના સાથે સહમત નથી. સાથે જ હવામાન વિભાગે આ એક સ્થાનિક ઘટના ગણાવી હતી.શ્રીનગરના પ્રાદેશિક હવામાન કેન્દ્રના પ્રમુખ સોનમ લોટસે કહ્યું હતું કે, પવિત્ર ગુફા પર વાદળ હતું જેના કારણે અચાનક ભારે વરસાદ થયો હતો પરંતુ આ અચાનક પૂર નહોતું. તેઓ કહે છે કે, અવું શક્ય બની શક્યું હોય કે,ગુફાની ઉપરની બાજુએ ક્યાંક ભારે વરસાદ થયો હોય અને તેનું પાણી નીચે સુધી વહી ગયું હોય. ભારતીય હવામાન વિભાગ દ્વારા શુક્રવારે ગુફાની આસપાસ કોઈ ચોક્કસ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી નથી. સામાન્ય રીતે જિલ્લા માટે દરરોજ આગાહીમાં યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું. જેનો અર્થ એ છે કે, એલર્ટ પર રહેવું. વિભાગની વેબસાઈટ પર શુક્રવારે સાંજે 4.07 વાગ્યે જાહેર કરવામાં આવેલી આગાહીમાં પહલગામ અને બાલટાલ બંને માર્ગો પર વાદળછાયું આકાશ અને હળવો વરસાદની આગાહી કરવામાં આવી હતી.
જાણો ક્યારે-ક્યારે સર્જાઈ હતી ગોઝારી ઘટનાઓ
- Advertisement -
16 જુલાઈ 2017ની ઘટના
અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બસ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર રામબન જિલ્લા નજીક ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 17 શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને 19થી વધુ ઘાયલ થયા હતા.
12 જુલાઈ 2018નો અકસ્માત
બાબા બર્ફાનીના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓનું વાહન જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાયું હતું. આ દરમિયાન 13 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સાથે જ અમરનાથ યાત્રા દરમિયાન 1 થી 26 જુલાઈની વચ્ચે 30 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા હતા.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલો
અમરનાથ યાત્રા પર કુદરતી આફત સિવાય હંમેશા આતંકી હુમલાનો ખતરો રહે છે. આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં અનેક શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.
વર્ષ 1993માં હરકત-ઉલ-અંસારે ત્રણ શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 1994માં બે તીર્થયાત્રીઓ આતંકવાદીઓનો ભોગ બન્યા હતા
વર્ષ 2000માં પહલગામ બેસ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 35 લોકો માર્યા ગયા હતા.
વર્ષ 2001માં આતંકવાદીઓએ 12 શ્રદ્ધાળુઓની હત્યા કરી હતી
વર્ષ 2002માં આતંકવાદી હુમલામાં 10 શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા
વર્ષ 2006માં એક ભક્તનું અવસાન થયું હતું
વર્ષ 2017માં શ્રદ્ધાળુઓની બસ પર થયેલા ગોળીબારમાં 7ના મોત થયા હતા અને 32 લોકો ઘાયલ થયા હતા.
ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા પર પણ રોક
શુક્રવારે સાંજે ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રૂદ્રપ્રયાગ જિલ્લા વહીવટીતંત્રનું કહેવું છે કે, યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અપ્રિય ઘટનાની આશંકા વચ્ચે કેદારનાથ યાત્રાને સોનપ્રયાગથી રોકી દેવામાં આવી છે.