ૠ-20 દેશોના વિદેશ મંત્રીઓની બાલીમાં બેઠક
ખાસ-ખબર સંવાદદાતા
બાલીમાં જી-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠક મળી છે. એ દરમિયાન ભારત-ચીનના વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક પણ યોજાઈ હતી. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી વાંગ યી સમક્ષ લદાખ સરહદ સહિતના મુદ્દે ચર્ચા કરી હતી. બાલીમાં યોજાયેલી બેઠક દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી બંને દેશો વચ્ચે ચાલતા વિવાદો શાંતિથી ઉકેલવા સહમત થયા હતા. ભારતે એલએસી સરહદનો વિવાદ સત્વરે ઉકેલવાની માગણી કરી હતી. એ બાબતે ચીનના વિદેશ મંત્રીએ બંને દેશોના લશ્કરી અધિકારીઓ વચ્ચે આગામી સ્તરની બેઠક યોજીને સમાધાન કરવાની તૈયારી બતાવી હતી. એક કલાક લાંબી બેઠક દરમિયાન બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે ચર્ચા થઈ હતી એ પ્રમાણે બંને દેશો પરસ્પર સહકાર, સન્માન અને સંવેદનશીલતાથી વિવાદ ઉકેલે તેના પર ભાર મૂકાયો હતો. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પૂર્વીય લદાખનો વિવાદ ઉકેલવા માટે આગામી લશ્કરી અધિકારીઓ વચ્ચે બેઠક યોજવા તૈયારી બતાવી હતી. ભારતના વિદેશ મંત્રીએ દ્વિપક્ષીય મુદ્દાઓમાં તુરંત સમાધાન લાવીને બંને દેશો વચ્ચે અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા જણાવ્યું હતું. જ્યાં સુધી સળગતા મુદ્દે સમાધાન નહીં થાય ત્યાં સુધી પરસ્પર સહકાર વધશે નહીં. એ સિવાય જયશંકરે ભારતીય સ્ટૂડન્ટનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો, જે કોરોનાકાળ પછી ફરીથી તેમનો અભ્યાસ શરૃ કરી શક્યા નથી. ચીને એ બાબતે ઘટતું કરવાની ખાતરી આપી હતી.
બંને દેશો વચ્ચે સરહદે સ્થિતિ સ્થિર છે એવું ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ બેઠક પછી જણાવ્યું હતું.