ખેડૂતોનાં મૂળભૂત અધિકારોનુ હાઇવે ઓથોરિટીએ ઉલ્લંઘન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં નવા બાયપાસનું કામ ચાલી રહ્યું છે. બાયપાસનાં કારણે અનેક ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાયાં છે. તેમજ હાઇવે ઓથોરીટીએ ખેડૂતોનાં મુળભુત અધિકારોનું ઉલ્લંઘન કર્યાનાં આક્ષેપ કરવામાં આવ્યાં છે. આ અંગે ખેડૂત હિત રક્ષક સમિતીનાં ઉપપ્રમુખ હમીરભાઇ રામે કહ્યું હતું કે, જૂનાગઢ બાયપાસ માટે ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં ખેડૂતોનાં મુળભુત અધિકારો જેવા કે, ખેતરમાં જવાનાં રસ્તા, કુદરતી પાણીનાં વહેણ, ખાસ કિસ્સામાં અને ખતેરમાંથી બીજા ખેતરમાં જવાનાં રસ્તા તથા લઇ જવાનું સિંચાઇનું પાણી આ બધા મુળભુત અધિકારોનું એનએચએઆઇ દ્વારા ઉલ્લંઘન થઇ રહ્યું છે. આ અંગે સંપાદકીય સંસ્થાઓ પણ કોઇ ખેડૂતોનું સાંભળવા તૈયાર નથી. અનેક રજુઆતો કરવા છતા કોઇ ઉકેલ આવ્યો નથી. બે દિવસ સામાન્ય વરસાદ પડ્યો ત્યાં ખેડૂતોનાં ખેતરમાં પાણી ભરાયુ છે. વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતોનાં મકાનમાં પાણી ભરાયું છે. વાડી જવાનાં રસ્તામાં પાણી ભરાતા ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે. ખેડૂતોને સાથે રાખી એક સયયુક્ત ટીમ બનાવી એનએચએઆઇ દ્વારા કરેલા બીનતાંત્રીક કામોનો તાત્કાલીક સર્વે કરવાની માંગ છે.