રાજકોટની એક યુવતી, પાંચ યુવક ઉપરાંત ભાવનગર પંથકના ટ્રાન્સપોર્ટર સહિત કુલ 15ની ધરપકડ કરતી પડધરી પોલીસ
પોલીસે દારૂની બોટલો સહિત 6.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ફાર્મ હાઉસ, વાડી અને બંધ કારખાનાઓમાં રેવ પાર્ટી, જુગાર અને શરાબ-શબાબની મહેફિલો મંડાતી હોવાની ખુલ્લેઆમ ચર્ચા થાય છે. આવી મહેફિલો અંગે માહિતી મેળવવામાં પોલીસનું નેટવર્ક કાચુ પડે છે કે આંખ મિચામણા થઇ રહ્યા છે એ તો કોઇ કહી નથી શકતું પરંતુ આવી પાર્ટીઓ ચાલતી હોવાની ચર્ચાને ગઇ કાલે મેટોડા ગામમાં બંધ કારખાનામાં એક યુવતી સહિત 15 શખ્સની બરાબર જામેલી દારૂની મહેફલી પર પડધરી પોલીસે દરોડો પાડીને પ્રર્યવાહીથી સમર્થન મળી રહ્યું છે. દારૂની મહેફિલમાંથી રાજકોટની એક યુવતી, પાંચ યુવક ઉપરાંત ભાવનગર પંથકના ટ્રાન્સપોર્ટર સહિત કુલ 15 ની ધરપકડ કરીને દારૂની ખાલી, ભરેલી બોટલો સહિત કુલ રૂ. 6 લાખ 21 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, પડધરીના મેટોડા ગામમાં પ્લાસ્ટિકની એક બંધ ફેક્ટરીમાં ઘરૂની મોટા પાયે મહેફિલનું આયોજન થયું છે જેમાં યુવતીઓ પણ હોવાની બાતમી મળતા મહિલા પીએસઆઇ એમ.ડી.મકવાણાએ સ્ટાફને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. પોલીસને જોઇને જામથી જામ ટકરાવી રહેલા લોકોના પગતળેથી જમીન સરકી ગઇ હોય તેવી સ્થિતી સર્જાઇ હતી. પોલીસે સ્થળ પરથી એક યુવતી સહિત 15 શખ્સને અટકાયતમાં લીધા હતા. સ્થળ પરથી દારૂની ત્રણ ખાલી બોટલ અને એક ભરેલી બોટલ ઉપરાંત 19 મોબાઇલ ફોન અને બે ફોર વ્હીલ તેમજ રોકડા રૂપિયા 85,460 કબજે કર્યા હતા. સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ, દારૂની મહેફિલમાંથી યુવતી, યુવકો પકડાયા બાદ પોલીસ પર ભલામણનો ધોધ શરૂ થયો હતો પરંતુ પોલીસે મક્કમ રહીને કેસ કરી તમામની ધરપકડ કરી હતી. આ મહેફિલનું આયોજન કોણે અને કયા કારણોસર કર્યું હતું? એ અંગે તપાસ ચાલી રહી છે.