ખંધા ખોડુ મુંધવા સામે ‘પાસા’ હેઠળ કાર્યવાહી કેમ નહીં ?
અરજદારોની અરજીને 15 દિવસ જેટલો સમય વીત્યો હોવા છતા ખોડુ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી નહીં
- Advertisement -
વ્યાજખોર ખોડુ વિરૂદ્ધ અનેક રજૂઆત, પગલા લેવામાં કેમ ઢીલાશ?
રાજકોટમાં અનેક વ્યાજખોરો સક્રિય છે પરંતુ ખોડુ જેવા ખંધા કોઈ નહીં. તેની વ્યાજ સિસ્ટમ, લોકોને હેરાન કરવાની વૃતિ રાક્ષસ જેવી છે. ખોડુ મુંધવાએ પોતાના વ્યાજના કુચક્રમાં ફસાવી અનેકની જિંદગીને બરબાદ કરી નાખી છે. જ્યારે કેટલાકે તો તેના ત્રાસથી કંટાળીને આત્મહત્યા પણ કરી નાખી છે. ત્યારે તેને લઈને ખોડુ વિરૂદ્ધ બિલ્ડર જીતેન્દ્ર મારૂ, આત્મહત્યા કરનાર નિલેશ રાજપરાના પત્ની દિપ્તીબેન તથા શ્રીપાલ ખજૂરીયાએ પોલીસ કમિશનરને ખોડુ મુંધવા સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. જેને આજે 15 દિવસ જેટલો સમય થયો હોવા છતા કે પાસાના કાયદા હેઠળ કાર્યવાહી નથી થઈ.
ત્યારે સવાલ એ થાય કે આટઆટલી અરજી થઈ હોવા છતા હજુ સુધી કેમ દંડાત્મક કાર્યવાહી નહીં. શું સાચે જ પોલીસ સાથે તેની સાંઠગાંઠ છે. તેવો એક પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. વિગત મુજબ વિદ્યાનગર રોડ પર રહેતા અને ઈલેક્ટ્રીક અને સોલારનો વેપાર કરતા ડો. શ્રીપાલ ખજૂરીયાએ ખોડુ પાસેથી 2 લાખ વ્યાજે લીધા હતા ખોડુએ પહેલાથી જ 40 હજાર કાપીને 1.60 લાખ આપ્યા હતા. અને તેને એક દિવસનું ધરાર મોડુ કરાવીને રોજના 40 હજાર વ્યાજના માંગ્યા હતા. જ્યારે બિલ્ડર જીતેન્દ્ર મારૂનો શીશાંગ ગામે આવેલા હોલિડે સિટીમાં આવેલો સ્વિમીંગપુલ અને એક ફ્લેટ પચાવી પાડ્યો અને જ્યારે અન્ય એક કેસમાં ખોડુનો ત્રાસ એટલી હદે વધી ગયો કે, સોની વેપારીએ આત્મહત્યા કરવી પડી. સોની વેપારી નિલેશ રાજપરા પાસેથી 2 લાખનું 90 હજાર વ્યાજ ઉઘરાવતો અને પેનલ્ટીના દસ હજાર અલગથી. આવી રીતે ખોડુએ આવા કેટલાય નાના મોટા વેપારીને પોતાની નફાખોરી વ્યાજની સિસ્ટમમાં ફસાવીને લૂંટી લીધા છે.
અરજદારોની અરજી પ્રમાણે ખોડુ એવું કહેતો ફરે છે કે, પોલીસ સ્ટેશન મારા મામાનું ઘર છે. તે કાંઈ મારૂં બગાડી નહીં શકે. અને જ્યારે પણ કોઈ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ રજૂઆત કરવા જાય ત્યારે તે પહેલાથી જ ત્યાં હાજર રહેતો અને પોલીસ સ્ટેશનમાં પણ અરજદારોને દબાવતો. આટઆટલા ત્રાસ પછી ખોડુ વિરૂદ્ધ કાર્યવાહી થતી નથી વાસ્તવિકતા અનેક પ્રકારની શંકાને જન્મ આપે છે.
- Advertisement -
જાણો પાસા વિશે..
આ અધિનિયમ અંતર્ગત પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ)ના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ ઈંઙઈ તથા આર્મ્સ એકટ હેઠળના ગુનાઓ આચરનારી વ્યકિત, મિલકત ચોરી, ભયજનક હોય તેવી વ્યકિત, ખાનગી અને સરકારી મિલ્કત પચાવી પાડે તેવા પ્રોપર્ટી ગ્રેબર વ્યકિત તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલા ગુનેગાર વિરૂદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.