અર્ધાથી સવા બે ફુટ સુધીનાં નવા પાણી 24 કલાકમાં ઠલવાયા
ગુજરાતમાં હવે ચોમાસાનો પ્રવેશ થઇ ચુકયો છે અને છેલ્લા કેટલાંક દિવસોથી ઠેર-ઠેર વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ, મોરબી, દ્વારકા અને સુરેન્દ્રનગરનાં પાંચ ડેમોમાં નવા નીરનાં શ્રીગણેશ થયા છે.
- Advertisement -
રાજકોટ સિંચાઇ વર્તુળનાં ફલડ કંટ્રોલ રૂમનાં જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમ્યાન પાંચ ડેમોમાં સવા બે ફુટથી માંડી અર્ધો ફૂટ જેટલા નવા નીર આવ્યા છે. રાજકોટ જિલ્લાનાં 25 ડેમો પૈકી આજી 3 અને ન્યારી 2 ડેમમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વરસાદનાં પગલે નવું પાણી આવ્યું છે. સિંચાઇ વિભાગનાં જણાવ્યા મુજબ આજી 3 ડેમમાં દોઢ ફુટ જેટલું નવા પાણી આવેલ છે. આ આવક છેલ્લા ર4 કલાક દરમ્યાન થવા પામી છે. આ નવા પાણીની આવક સાથે આજી 3 ડેમની સપાટી 14.90 ફુટે પહોંચી છે. તેમજ રાજકોટનાં જ ન્યારી 2 ડેમમાં પણ છેલ્લા 24 કલાક દરમ્યાન સવા બે ફુટ નવા નીરની આવક થઇ છે. ન્યારી 2 ડેમમાં સવા બે ફુટ નવું પાણી આવતા ડેમની સપાટી 2.60 ફુટ થવા પામી છે.
આ ઉપરાંત મોરબી જિલ્લાનાં બંગાવડી ડેમમાં પણ પોણા બે ફૂટ જેટલું નવું પાણી ઠલવાયુ છે. ડેમમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 1.64 ફુટ નવું પાણી આવ્યું છે. જયારે દ્વારકા જિલ્લાનાં વેરાડી-2 ડેમમાં દોઢ ફુટ અને સુરેન્દ્રનગરનાં વઢવાણ ભોગાવો-1 (નાયકા), ડેમમાં છેલ્લા 24 કલાકમાં અર્ધો ફુટ નવા નીરની આવક થવા પામી છે.