ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં ઢાલ રોડ પર મહિલાનાં પર્સમાં ચેકો મારી સોનાનાં દાગીનાની ચોરી થઇ હતી. આ ઘટનામાં પોલીસે ગોંડલની એક મહિલા અને પુરૂષને ઝડપી લીધા છે.
બનાવની મળતી વિગત મુજબ વંથલી તાલુકાનાં લુશાળાનાં લાભુબેન હમીરભાઇ મુછડીયા જૂનાગઢ આવ્યાં હતાં. ત્યારે ઢાલ રોડ ઉપર મહિલાનાં પર્સમાં ચેકો મારી અજાણ્યા શખ્સો રૂપિયા 28 હજારનાં દાગીનાની ચોરી કરી ગયા હતાં. આ અંગે એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. જેના પગલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનમાં એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઇ એમ. એમ. વાઢેર અને ટીમ દાગીનાં ચોરી કરનારને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી. ત્યારે દાગીનાની ચોરી કરનાર સકકરબાગ પાસેથી જૂનાગઢ બહાર નિકળી જવાની વેતરણમાં હોવાની બાતમી મળી હતી. બાતમની આધારે પોલીસ પહોંચી હતી અને ગોંડલનાં કાનો રાજુભાઇ સાસકીયા અને સોનલબેન ઉર્ફે સબુ અજયભાઇ રાઠોડને પકડી પાડ્યાં હતા. બન્નેની પુછપરછ કરતા દાગીનાની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. તેમજ પોલીસે 28 હજારનાં દાગીના કબજે કર્યા હતાં.