કોલસાના ઢગલાં ઉપર બાળક સૂતો હતો ત્યારે માથે કોલસો પડ્યો અને મોત નિપજ્યું બાદમાં મૃતદેહ પણ ટ્રકમાં ટીંબડી પહોંચ્યો!
ખાસ-ખબર સંવાદદાતા
વાંકાનેરના રાતાવીરડા નજીક આવેલ કોલસાના કારખાનામાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા 5 વર્ષીય બાળકનો મૃતદેહ કોલસાના ઢગલા નીચેથી મળી આવ્યો છે. આ ઘટનામાં બાળક કારખાનામાં કોલસાના ઢગલા ઉપર સૂતો હતો ત્યારે માથે કોલસો પડવાથી તેનું મોત થયું હોવાનું ખુલ્યું છે અને બાળકનો મૃતદેહ ટ્રકમાં કોલસા સાથે મોરબીના ટીંબડી ગામ નજીકના કારખાનામાં જતો રહેતા તે કારખાનામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે.
- Advertisement -
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ વાંકાનેરના રાતાવીરડા ગામ નજીક આવેલ શ્યામ કોલ નામના કારખાનામાં કામ કરતા પવન કૈલાશભાઈ નીંગવાલના પુત્ર રિતિક નામનો પાંચ વર્ષીય બાળક ગુમ થતા પિતાએ પોલીસમાં અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે વાંકાનેર સી.પી.આઈ, મોરબી એલ.સી.બી તેમજ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે તપાસ ચલાવી હતી જેમાં કારખાનાના સી.સી.ટી.વી. ફૂટેજની તપાસ કરતાં બપોરના 2 વાગ્યાના અરસામાં બાળક કોલસાના ઢગલામાં સુઈ ગયો હતો અને તે દરમિયાન કોલસાનો પ્લાન્ટ શરૂ થતાં ક્ધવેયર બેલ્ટ મારફત કોલસાનો વધુ જથ્થો તેના પર ધસી પડતાં દટાઈ જવાથી બાળકનું મોત નિપજ્યું હતું બાદમાં કોલસાનો જથ્થો અન્યત્ર ટ્રક મારફતે મોકલાયો હતો ત્યાં જીણવટભરી તપાસ હાથ ધરતા મોરબીના ટીંબડી ગામ નજીકના કારખાનામાં પડેલા કોલસાના ઢગલામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ કિસ્સામાં નોંધાયેલ ફરિયાદ મુજબ આ બાળકનું અપહરણ પણ થયું ન હતું અને હત્યા પણ થઈ ન હતી પરંતુ કોલસો અન્યત્ર વહન કરવા જતાં બાળકનો મૃતદેહ પણ અન્ય કારખાનામાં પહોંચી ગયો હતો. કોલસો ભરાઇને ક્યા ક્યા કારખાનામાં પહોંચાડાયો તેની તપાસ કરતાં ટીંબડી નજીકના કારખાનામાંથી બાળકની લાશ મળી આવી હતી અને બાળકના મોતનો ભેદ ઉકેલાયો હતો. આ ઘટનાથી બાળકનાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી
ગઈ છે.