કેન્દ્રીય મંત્રીનું મુલાકાત બાદ કાર્યવાહી થતાં અનેક તર્કવિતર્ક
ભાજપનાં નેતા અને બિલ્ડરની હોટલમાં તપાસ ન થતાં રોષ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાસણ પંથકમાં આવેલી હોટલ, રિસોર્ટમાં જીએસટીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યાં છે. શનિવારથી હોટલ, રિસોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. જીએસટીની 30 ટીમ દ્વારા 30 જેટલી હોટલ,રિસોર્ટમાં તપાસ કરવામાં આવી રહી છે. તેમજ તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી સાસણ આવ્યાં હતાં. તેમની મુલાકાત બાદ જીએસટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરતા આ પંથકમાં અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે. ગીર જંગલની ઓળખ એશિયાટીક સિંહ છે. તેને નિહાળવા વિશ્ર્વભરમાંથી પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓનાં ઘસારનાં કારણે સાસણ ગીર પંથકમાં હોટલ, રિસોર્ટ, ફાર્મ હાઉસ ઉભા કરી દેવાયા છે. રજા અને તહેવારોનાં દિવસોમાં હોટલ, રિસોર્ટ ફૂલ થઇ જાય છે. આ વિસ્તારમાં આવેલ હોટલ, રિસોર્ટમાં જીએસટીની ચોરી થતી હોવાની વિગતો સામે આવી હતી. જેના પગલે આ પંથકમાં શનિવારથી જીએસટીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 2017થી જીએસટી લાગુ કરાયો ત્યારથી લઇ અત્યાર સુધીનાં તમામ રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યાં છે. શનિવારથી શરૂ થયેલી તપાસ આજે પણ ચાલી રહી છે. આ પંથકમાં આવેલી હોટલ, રિસોર્ટમાં મોટા પાયે ટેકસચોરીની વિગતો બહાર આવે તેવી સંભાવનાં છે. આ ઉપરાંત તાજેતરમાં કેન્દ્રીય વન મંત્રી સાસણની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારે હોટલ, રિસોર્ટનાં માલિકો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત બાદ અચાનક જીએસટીની ટીમ સાસણ પંથકમાં ઉતરી પડતા અનેક તર્કવિતર્ક થઇ રહ્યાં છે. તેમજ ભાજપનાં નેતા અને બિલ્ડરની હોટલ કે રિસોર્ટમાં તપાસ ન થતા અનેક સવાલો ઉભા થયા છે. વગદારની હોટલોમાં તપાસ ન થતા અન્ય લોકોમાં રોષ જોવા મળ્યો છે.
સિંહ દર્શનની પણ ફરિયાદ
સાસણ પંથકમાં આવેલી હોટલ, રિસોર્ટમાં આવતા પ્રવાસીઓ માટે સિંહ દર્શનની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ પ્રવાસીઓને સિંહ દર્શન કરાવતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે.
ચૂંટણી પહેલાં તપાસનો અર્થ શું?
વિધાન સભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે સાસણ પંથકમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, ચૂંટણી પહેલા હોટલમાં તપાસ કરી તંત્ર શું સાબીત કરવા માંગે છે.