P.I. માથુકિયાની તાત્કાલિક બદલી
ગંગોત્રી ઓઈલ મીલના માલિકને માર મારી દાગીના લૂંટી લીધા : લૂંટારુ ગેંગમાં 7થી 8 શખ્સો હોવાનું અનુમાન
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પંથક જાણે રેઢુ પટ હોય તે રીતે દિન પ્રતિદિન ચોરીના બનાવો વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હળવદ પંથકમાં તસ્કરોને જાણે પોલીસનો ભય જ ન હોય તે રીતે તસ્કરીને અંજામ આપી રહ્યા હોય હળવદ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે અને ઉદ્યોગકારો તથા વેપારીઓમાં પણ અવારનવાર બનતા આવા બનાવોને પગલે રોષ ભભૂકી ઉઠ્યો છે ત્યારે સોમવારે મોડી રાત્રે હળવદ માળીયા હાઈવે ઉપર આવેલ ઔદ્યોગિક વિસ્તારને નિશાન બનાવીને લૂંટારું ગેંગે આંતક મચાવ્યો હતો અને ગંગોત્રી ઓઈલ મિલના માલિકને માર મારી રોકડ દાગીના લૂંટી ગયા હતા જોકે આ લૂંટારું ટોળકીએ વિસ્તારના આઠ કારખાનામાં લૂંટ મચાવી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ સોમવારે મોડી રાત્રે હળવદ માળીયા હાઈવે પર આવેલ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં લૂંટારુ ટોળકીએ આતંક મચાવ્યો હતો અને આઠ કારખાના ધમરોળી નાખ્યા હતા જેમાં ક્રિષ્ના પેકેજીંગ, ગંગોત્રી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, જલારામ પ્રોટીન્સ, બેસ્ટ ફુડ પ્રોટીન્સ એન્ટીલીયા સહિતના આઠ કારખાનામાં લૂંટ મચાવીને લૂંટારુઓ અંધારામાં ઓગળી ગયા હતા. આ સાથે ગંગોત્રી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝમાં ત્રાટકેલી લૂંટારુ ગેંગનો માલિક અને મજુરો દ્વારા પ્રતિકાર કરવામાં આવતા લૂંટારુઓ તેમને માર મારીને રોકડ અને દાગીના સહિતની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા જોકે લૂંટના આ બનાવમાં કેટલી માલ મતાની ચોરી થઈ છે તે તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે. આ ઉપરાંત સનસનીખેજ લૂંટના આ બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં પાંચેક લૂંટારુઓ દેખાય છે અને પાઈપ, ધોકા તેમજ અન્ય હથિયારો સાથે ત્રાટકેલી આ ગેંગમાં સાતથી આઠ શખ્સો સામેલ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
પોલીસને પડકાર ! સતત પાંચમા દિવસે નવા માલણીયાદ ગામેથી અજાણ્યા ઈસમો યુવતીનો ચોટલો કાપી ગયા
મંગળવારે રાત્રે હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે પંચાયત વિસ્તારમાં રહેતા વિષ્ણુભાઈ ખીમાભાઈ ડાભીનો પરિવાર ફળીયામાં સૂતો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમોએ તેના ઘરમાં ઘૂસીને ખાખાખોરા કર્યા હતા પરંતુ કંઈ હાથ ન લાગતા અંતે વિષ્ણુભાઈની દીકરીનો ચોટલો કાપીને ફરાર થઈ ગયા હતા ત્યારે તસ્કરોને જાણે પોલીસનો કોઈપણ પ્રકારનો ભય જ ન હોય તેમ હળવદ પંથકને ધમરોળી રહ્યા છે.
વેપારીઓનાં પ્રચંડ આક્રોશને પગલે ઢીલી નીતિ ધરાવતા પીઆઈ માથુકિયાની બદલી
હળવદ પોલીસ મથક આમ પણ વિવાદોમાં ઘેરાયેલું છે ત્યારે કામગીરીમાં ઢીલી નીતિ અને ખુબ જ ઓછો અનુભવ ધરાવતા પી.આઈ. કે.જે. માથુકિયાને 2019માં હળવદ પોલીસ મથકનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો ત્યારથી હળવદ પંથકમાં પોલીસની ધાક ઓસરાઈ જતી જોવા મળી હતી તે દરમિયાન સોમવારે હળવદના ઔદ્યોગિક વિસ્તારમાં લૂંટારુ ટોળકીએ આતંક મચાવતા પોલીસની નિષ્ક્રિયતા સામે ઉદ્યોગકારો અને વેપારીઓમાં પ્રચંડ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો જેથી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પી.આઈ કે.જે. માથુકિયાની તાબડતોબ બદલી કરીને તેમને મોરબી ખાતે લિવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે જયારે મોરબી ખાતે લિવ રિઝર્વમાં રહેલા પીઆઈ એમ.વી. પટેલને હળવદના નવા પીઆઈ તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.