‘આ બાળક મારૂ નથી’ કહી પતિએ પરિવારના સૂરમાં સૂર પુરાવ્યો
સાસરીયાઓ ઘરકામ જેવી બાબતોમાં મેણાટોણા મારી ટોર્ચર કરતા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના ભકિતનગર સર્કલ પાછળ આનંદનગર વિસ્તારમાં માવતરને ત્યા રહેતી અને એમબીએ સુધીનો અભ્યાસ કરનાર જાનકીબેન નામની 32 વર્ષની પરિણિતાએ પતિ જીનેન, સાસુ ભાવનાબેન, સસરા પંકજભાઈ પ્રહલાદભાઈ વ્યાસ અને નણંદ અંજલીબેન વિરૂધ્ધ ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે 2019માં તેના લગ્ન થયા હતા. લગ્નજીવનથી પુત્રની પ્રાપ્તી થઈ હતી. જે હાલ છ માસનો છે. લગ્ન બાદ સંયુકત પરીવારમાં રહેવા ગઈ હતી. ત્રણેક માસ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓએ ઘરકામ જેવી બાબતોમાં મેણાટોણા મારી ટોર્ચર કરવાનું શરૂ કરી દીધું હતું. એટલુ જ નહી જમવાનું પણ સંતાડી દઈ તેને આપતા નથી. લગ્ન બાદ તે નોકરી કરતી હતી. જેને કારણે પતિ, સાસુ, સસરા તેની પાસે પૈસા માંગતા હતા. એક વખત સાસુ, સસરાએ કહ્યું કે ત્રણ લાખ રૂપીયા આપો જેથી લગ્નનું દેણું ભરાઈ જાય. બાદમાં લોકરમાં રાખવાને બહાને તેના દાગીના પણ લઈ લીધા હતા. જે પરત આપ્યા નથી.
પતિ સાથે તેને સારૂ ભળતું હોવાથી નણંદ જોઈ શકતા નહીં. પતિને તેની બાજુમાં બેસવા દેતા નહીં. જો તે પતિની બાજુમાં બેઠા હોય તો હાથ પકડી ઉભી કરતા. સાથોસાથ પતિને તેના વિરૂધ્ધ ચડામણી પણ કરતા. તે ગર્ભવતી થયાની જાણ થતા સાસુએ કહ્યું કે તારે નોકરી કરવી અને મારે ઘરના ઢસરડા કરવાના? પરીણામે આ બાબતે ઘરમાં ઝઘડો થતા પતિ સાથે અમદાવાદના ગોતા વિસ્તારમાં ભાડાના ફલેટમાં રહેવા ગઈ હતી. જેનું ભાડું પણ તે ભરતી હતી. પતિ રવિવાર અને તહેવાર ઉપર તેના સાસરીયામાં જતો હતો. જયાંથી ચડામણી થતા આવીને તેની સાથે ઝઘડાઓ કરતો હતો. સીમંત વખતે તેણે ફોન કરતા સાસુ, સસરાએ કહ્યું કે તમે સમ ખાવો કે આ બાળક જીનેનનું જ છે, આ રીતે બાળક જીનેનનું નથી તેમ કહી ત્રાસ આપતા હતા. પતિ પણ તેમની વાતમાં સુર પુરાવતો હતો. આમ છતાં સીમંત સુધી ત્યાં તે રહી હતી. તમામ ખર્ચાના પૈસા પણ તેણે ચુકવ્યા હતા. સીમંત બાદ તેની માતા અને ભાઈ તેડી ગયા હતા. ત્યારથી પિયરમાં રહે છે. ડીલેવરી વખતે એક વાર પતિ આવ્યો હતો. પછી આવ્યો નથી. પતિએ ત્રણેક મહિના સુધી તેની સાથે ફોનમાં વાતચીત કરી હતી.
એક દિવસ કહ્યું કે મારે બાળકનું ડીએનએ કરાવવું છે. મને લાગે છે કે બાળક મારૂ નથી. જેને કારણે બંને વચ્ચે ઝઘડા થયા હતા. આખરે તેણે ડીએનએ કરાવવા સહમતી દર્શાવી હતી. પરંતુ પછીથી પતિ અને સાસરીયાઓનું વર્તન બદલાઈ ગયું હતું. તેની સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું.