બાયપાસ ઉપરનું આ ફાટક બંધ થતાં એક કિમી સુધી ટ્રાફિકજામ
24 કલાકમાં 10થી વધુ વખત ફાટક બંધ થાય : ભારે હાલાકી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરમાં રેલ્વે ફાટકની સમસ્યા માથાનાં દુ:ખાવા સમાન બની છે. ફાટક મુકત જૂનાગઢની વાતો વર્ષોથી થઇ રહી છે. પરંતુ હજુ સુધી નકકર પરિણામ આવ્યું નથી. જૂનાગઢનાં બાયપાસ ઉપર આવેલુ ચોબારી ફાટક માથાનાં દુ:ખાવા સમાન બન્યું છે. 24 કલાકમાં 10 થી વધુ વખત ફાટક બંધ થાય છે. ફાટક બંધ થતા એક કિમી સુધીનો ટ્રાફિકજામ થઇ રહ્યો છે. જૂનાગઢ શહેરમાં રેલ્વે ફાટક આવેલા છે. જૂનાગઢમાં રેલ્વે ફાટકને લઇ ટ્રાફિક સર્જાય છે. પરંતુ જૂનાગઢ શહેરમાં તાજેતરમાં પોલીસ દ્વારા રેલ્વે ફાટકને લઇને ટ્રાફિક ન થાય તે માટે ઝુંબેશ હાથ ધરી છે. ફાટક બંધ થયા બાદ સામ-સામે આવી જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે મહદઅંશે ટ્રાફિકમાં ફાયદો થયો છે. પરંતું જૂનાગઢનાં બાયપાસ ઉપર ઝાંઝરડા અને મધુરમ ચોકડી વચ્ચે આવલું ચોબારી ફાટક માથાનાં દુ:ખાવા સમાન બન્યું છે. ઝાંઝરડા ચોકડી ઉપર દવાખાન શરૂ થતા અહીં ટ્રાફિક વધ્યો છે. બહારથી આવતા લોકો બાયપાસનો ઉપયોગ કરતા થયા છે. પરિણામે વાહનની અવર જવર વધી છે. જૂનાગઢ બાયપાસ ધમધમતો રહે છે. પરંતુ ચોબારી ફાટક બંધ થતા લોકોએ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. આ ફાટક બંધ થાય ત્યારે ફાટકની બન્ને બાજુ એક – એક કિમીની લાંબી વાહનની લાઇન લાગી જાય છે. ધણી વખત તો મધુરમ ચોકડી સુધી વાહનોનાં થપ્પા લાગી જાય છે. દિવસમાં 10 થી વધુ વખત આ ફાટક બંધ થાય છે. પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોબારી ફાટકની સમસ્યા વહેલી તકે હલ થાય તેવી માંગ ઉઠી છે. આ ફાટકનાં કારણે સમયનો ધુમાડો થઇ રહ્યો છે. બાયપાસ ઉપરથી ભારે વાહન પસાર થતા હોવાનાં કારણે ઝાંઝરડા અને મધુરમ ચોકડી પર દિવસભર ટ્રાફિક જોવા મળે છે. ખાસ કરીને સવાર અને સાંજનાં સમયે વધુ ટ્રાફિક રહે છે. મધુરમ રોડ ઉપર દિવસનાં વધુ ટ્રાફિક થઇ રહ્યો છે.
કારણ : રેલ્વે ફાટક પાસે મોટા સ્પીડબ્રેકર
ચોબારી ફાટક પાસે ટ્રાફિક થવાનાં અનેક કારણ છે. ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડીથી વાડલા ફાટક સુધી કોમર્શિયલ એપાર્ટમેન્ટ બન્યા, ઝાંઝરડા ચોકડી પર દવાખાના શરૂ થયા જેના કારણે લોકોની અવર જવર વધી છે. ઉપરથી મોટા ચાર સ્પીડબ્રેકર બનાવાયા છે. ફાટક બંધ થયા બાદ વાહન વ્યવહાર ચાલુ થાય ત્યારે સ્પીડબ્રેકરનાં કારણે ટ્રક અને અન્ય વાહન ખુબ જ ધીમા ચાલે છે. આ ઉપરાંત ફાટક બંધ થતા વાહન સામે – સામે આવી જાય છે. ટ્રાફિક અને વાહન વચ્ચેથી પસાર થાય એટલે વધુ ટ્રાફિક થઇ રહ્યો છે.
ઉકેલ : પોલીસ મૂકવી, સ્પીડબ્રેકર દૂર કરવા
અહીં વાહન વધુ પ્રમાણમાં સામ સામે આવી જતા હતા એટલે અહીં ડીવાઈડર મૂકવામાં આવ્યાં છે. છતાં પણ વાહન સામ-સામે આવી જાય છે. જૂનાગઢ શહેરમાં ફાટક બંધ થાય ત્યારે પોલીસ હાજર રહે છે અને વિરુધ્ધ દિશામાં આવતા વાહનને દંડ કરવામાં આવે છે. તેમ ચોબારી ફાટક ઉપર પણ પોલીસ મૂકવાની જરૂર છે. તેમજ વાહનને રોકતા બીનજરૂરી સ્પીડબ્રેકર દૂર કરવા જોઇએ. મોટાભાગે તો સ્પીડબ્રેકર અને ખાડાનાં કારણે વધુ ટ્રાફિક થાય છે.
- Advertisement -
નવો બાયપાસ કાર્યરત થયા બાદ રાહત મળશે
જૂનાગઢનાં નવા બાયપાસનું કામ ચાલી રહ્યું છે. મોટોભાગનું કામ પૂર્ણ થઇ ગયું છે. નવો બાયપાસ કાર્યરત થયા બાદ હયાત બાયપાસ ઉપરથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે. ભારે વાહન નવા બાયપાસ ઉપર જતા રહેશે. તેમજ જૂનાગઢમાં કામ નથી તેવા લોકો અને સીધા સોમનાથ તરફ જતા લોકો પણ નવા બાયપાસનો ઉપયોગ કરશે. પરિણામે જૂનાગઢનાં હયાત બાયપાસ ઉપર ટ્રાફિકનો ઘટાડો થશે.