ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા રણનીતિને વધુ ધારદાર બનાવવાની કવાયત ચાલી રહી છે. તાજેતરમાં જ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રાજકોટમાં સભાને સંબોધન કરીને ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંક્યું હતું. દરમિયાન આજે કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી આજે રાજકોટ આવી પહોંચી છે. જ્યાં શહેરના હેમુગઢવી હોલ ખાતે 1200 જેટલા કોંગી આગેવાનો અને કાર્યકરોની બેઠક શરુ થઇ છે. આ અંગે કોગ્રેસના ગુજરાત પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ’75મી આઝાદીની ઉજવણી ભાગ રૂપે દાહોદ બાદ આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક શરૂ થઈ છે.આજની બેઠકમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્રભારી તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, વિપક્ષ નેતા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પ્રદેશના નેતાઓ રહ્યા હાજર રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે આજે રણનીતિ નક્કી કરવા આવશે અને ગુજરાતમાં 125 સીટ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.’
જયારે હાર્દિક પટેલ અને નરેશ પટેલ મુદ્દે બોલવાનું ટાળ્યું હતું.
કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા
- Advertisement -
આજે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, સહપ્રભારી રામકિશન ઓઝા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષી નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપરાંત દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ રાજકોટ આવી પહોંચ્યા હતા અને અહીં હેમુ ગઢવી હોલમાં મહત્ત્વની બેઠક કરી હતી. આ બેઠકમાં પાટીદાર ફેક્ટર ઉપરાંત ગઈકાલે જ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના રાજીનામાનો મુદ્દો પણ અગ્રસ્થાને રહેવા પામ્યો છે.