યુવતીએ કહ્યું, સંચાલિકા એક હજાર લેતી અને અમને રૂા. 500 આપતી !
રાજકોટ અને કોલકાતાની યુવતીને મુક્ત કરાવી
ખાસ-ખબર સંવાદદાતા
ગોંડલના પોશ સ્ટેશન પ્લોટ વિસ્તારમાં છેલ્લા છ માસથી ધમધમી રહેલા કૂટણખાના ઉપર પોલીસે દરોડો પાડી દેહવિક્રયના કારોબારનો પર્દાફાશ કર્યો છે. કૂટણખાનું ચલાવતી મહિલા અને દલાલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેશન પ્લોટમાં કુટણખાનુ ધમધમી રહ્યું હોવાની બાતમી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખાને મળતા ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા ની સૂચના મુજબ સ્ટેશન પ્લોટ શેરી નંબર 4 ખાતે ચંદ્રિકા રમેશભાઈ ગોઢકિયા ભાડાના મકાને ડમી ગ્રાહક મોકલી દરોડો પાડવામાં આવતા કુટણખાનું ઝડપાયું હતું. જ્યાં રાજકોટ અને કોલકાત્તાની બે યુવતીઓ દેહવિક્રય કરતા મળી આવી હતી. જેથી સંચાલિકા ચંદ્રિકા અને દેહવિક્રયના ધંધાની દલાલી કામ કરતા ચિરાગ અશોકભાઈ ટાંકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે સંચાલિકા ચંદ્રિકા એક ગ્રાહક પાસેથી 1000 રૂપિયા લેતી હતી અને બન્ને યુવતીઓને પાંચસો રૂપિયા આપતી હતી. દિવસ દરમિયાન પાંચથી સાત ગ્રાહકો રોજિંદા દલાલ ચિરાગ શોધી લાવતો હતો.