ખાસ-ખબર સંવાદદાતા
‘નાબાર્ડ’ના રાજકોટના અધિકારી મહેશ પટોળીએ નિવૃત્તિ સમયે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકીને રૂપિયા 50 હજારનું દાન આપી સમાજમાં નવો ચીલો ચાતર્યો છે, અને પોતાની નિવૃત્તિને યાદગાર બનાવી છે.
મહેશ પટોળીએ નિવૃત્તિ સમયે કલેકટર અરૂણ મહેશ બાબુની મુલાકાત લીધી હતી અને તેમણે પોતાની નિવૃત્તિને યાદગાર બનાવવા સામાજિક કલ્યાણના ભાગરૂપે કલેકટર પાસે માર્ગદર્શન માગ્યું હતું જે અન્વયે કલેકટરએ તેમને સૂચન કર્યું હતું કે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર એક ગરીબ પરિવારની સાત વર્ષની દીકરીને તમે આર્થિક મદદ કરી શકો તો તમારી નિવૃત્તિ સાર્થક થશે, અને દીકરીને મદદરૂપ થવાનો સાત્વિક આનંદ મળશે. મહેશભાઇએ કલેકટરનું આ સૂચન તરત જ અમલમાં મુકયું અને 7 વર્ષની દીકરીના ખાતામાં રૂપિયા 50 હજારની રકમ દીકરીના શિક્ષણ અર્થે નિવૃત્તિના છેલ્લા દિવસે જમા કરાવી સાત્વિક આનંદના સહભાગી બન્યા. આ દીકરી ‘મુખ્યમંત્રી બાલ સેવા યોજના’ની લાભાર્થી છે.