ફક્ત સ્પર્ધકોએ જ નહીં, હોસ્ટના બિઝનેસ મેનેજરે પણ મેસેજ-મેઈલ કર્યા પણ જવાબ ન મળ્યો !
છેલ્લા સવા વર્ષથી સવાલોના સવા કરોડ ગેમ શો ક્યારે શરૂ થશે એ અંગે સ્પર્ધકો આયોજકોને મેસેજ-મેઈલ કરી રહ્યા હતા. ફક્ત સ્પર્ધકો જ નહીં, આ ગેમ શોના હોસ્ટના બિઝનેસ મેનેજર પણ આયોજકોને પૂછી રહ્યા હતા કે આખરે આ શો શરૂ ક્યારે થશે? છેલ્લા સવા વર્ષથી સતત સવાલોના સવા કરોડ ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલે તન્વી પ્રોડક્શન વિમલ પટેલને શો ક્યારે શરૂ થશે? શૂટિંગ ડેટ, સ્ક્રીપ, એગ્રીમેન્ટમાં ચેન્જ વગેરેના અસંખ્ય મેસેજ-મેઈલ કર્યા પણ તન્વી પ્રોડક્શન વિમલ પટેલ દ્વારા તેમને કોઈ જ જવાબ મળ્યો ન હતો. અંતે 15 માર્ચે આ ગેમ શોનું શૂટિંગ શરૂ થવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ અચાનક આયોજકોએ 15 માર્ચના શરૂ થનારુ ગેમ શોનું શૂટિંગ રદ્દ કરી દીધું હતું અને પછી પણ સિદ્ધાર્થ રાંદેરિયા કે તેમના બિઝનેસ મેનેજરને ફરી ગેમ શો ક્યારે શરૂ થશે તેની ચોક્કસ સમય, સ્થળ, તારીખ જણાવી શક્યા નહતા.
શૂટિંગ કેન્સલ થયાની જાણ સિદ્ધાર્થ રાંદેરિયાને બહારથી થાય છે!
સવાલોના સવા કરોડ ગેમ શોના 15 માર્ચથી શરૂ થનારા શૂટિંગ માટે હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા, તેમના બિઝનેસ મેનેજર વિજય રાવલ અને ગેમ શોના લેખક વિનોદ સરવૈયાની ફ્લાઈટ ટિકિટ અને મેકઅપમેન તેમજ હેલ્પરની પણ ટ્રેનની ટિકિટ બૂક થઈ ચૂકી હતી. આયોજકો અને હોસ્ટ વચ્ચે 15 માર્ચથી રાજકોટના એક રિસોર્ટમાં 50 એપિસોડનું શૂટિંગ શરૂ કરવાનું નક્કી થઈ ચૂક્યું હતું. સિદ્ધાર્થ રાંદેરિયાએ આ માટે એક મહિના સુધીના તેમના બધા જ પ્રોગ્રામ કેન્સલ કર્યા હતા. અચાનક જ 6 માર્ચના રોજ સિદ્ધાર્થ રાંદેરિયાને બહારથી જાણ થાય છે કે, ગેમ શોનું શૂટિંગ કેન્સલ થઈ ગયું છે. તેમના બિઝનેસ મેનેજર વિજય રાવલ આ અંગે સત્ય જાણવા માટે જ્યારે વિમલ પટેલને ફોન કરે છે ત્યારે વિમલ પટેલ કહે છે કે, 15 માર્ચથી શૂટિંગ નહીં થઈ શકે, અમારા સ્પોન્સરસ ખસી ગયા છે. સિદ્ધાર્થ રાંદેરિયાએ પોતાના વ્યસ્ત શૂટિંગ શેડ્યુઅલમાંથી તન્વી પ્રોડક્શનના વિમલ પટેલના ગેમ શો માટે એક મહિના જેટલો સળંગ સમય આપ્યો અને અંતે અચાનક ગેમ શોનું શૂટિંગ કેન્સલ થતા તેમને એક મહિનો જેટલા સમય સુધી ઘરે બેસી રહેવું પડ્યું હતું.
- Advertisement -
તન્વી પ્રોડક્શન દ્વારા સ્પર્ધકોને શો શરૂ ન થવાનું કારણ ખોટું આપવામાં આવ્યું!
સવાલોના સવા કરોડ ગેમ શો છેલ્લા સવા વર્ષથી કોઈને કોઈ પ્રકારે શરૂ થઈ રહ્યો ન હતો. અંતે 15 માર્ચથી આ ગેમ શોનું શૂટિંગ શરૂ થવાનું હતું પરંતુ આ ગેમ શો 15 માર્ચથી શરૂ થઈ શક્યો ન હતો. આ અંગે સ્પર્ધકોએ જ્યારે ગેમ શો ક્યારે શરૂ થશે તેની તપાસ કરી હતી ત્યારે આયોજકો તરફથી તમામ સ્પર્ધકોને 23 એપ્રિલના રોજ એક ઈમેઈલ કરી જણાવવામાં આવ્યું હતું કે, ગેમ શોના હોસ્ટ વિદેશ છે એટલે શો શરૂ થઈ શક્યો નથી. હોસ્ટ વિદેશથી પરત ફરશે ત્યારે હોસ્ટને અનુકુળ તારીખ મુજબ ગેમ શો શરૂ કરવામાં આવશે. હકિકતમાં ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાએ ગેમ શોના શૂટિંગ માટે 15 માર્ચથી એક મહિનાની તારીખ આપી હતી. અગાઉથી જ ગેમ શોનું શૂટિંગ, સમય, સ્થળ, કોસ્ટયુમ બધું જ નક્કી હતું. ટિકિટ પણ બૂક થઈ ગઈ હતી પરંતુ આ ગેમ શો શરૂ કરવા માટે સ્પોન્સર ન મળતા તન્વી પ્રોડક્શન દ્વારા ગેમ શો મુલત્વી રાખવામાં આવ્યો હતો અને સ્પર્ધકોને શો શરૂ ન થવાનું કારણ ખોટું આપી તમામ દોષનો ટોપલો હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા પર ઢોળી દેવામાં આવ્યો હતો.
તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે કરેલી છેતરપીંડીમાં સિદ્ધાર્થ રાંદેરિયા સામેલ નથી
સિદ્ધાર્થ રાંદેરિયા અને તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ વચ્ચે સવાલોના સવા કરોડ અંગે સૌ પ્રથમ એક એગ્રીમેન્ટ થયો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકો પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવશે નહીં. પાછળથી તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે આ ગેમ શો અને તેના હોસ્ટના નામ પર રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવાની શરૂ કરી ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ નવો એગ્રીમેન્ટ બનાવવાની માંગણી કરી હતી અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, સિદ્ધાર્થ રાંદેરિયા ક્યાંય પણ લોકો પાસેથી પૈસા ઉઘરાવશે નહીં અને આર્થિક વ્યવહારમાં સામેલ પણ થશે નહીં. તેઓ માત્ર શોનું સંચાલન જ કરશે. જોકે સવાલોના સવા કરોડ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકો પાસેથી 1200-1200 રૂપિયા ઉઘરાવી હવે ગેમ શો શરૂ ન કરતા તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે હજારો લોકો સાથે કરેલી છેતરપીંડીમાં સિદ્ધાર્થ રાંદેરિયાનું પણ નામ ચર્ચાર્ય રહ્યું છે પરંતુ આ છેતરપીંડીમાં ક્યાય સિદ્ધાર્થ રાંદેરિયા સામેલ નથી.
તન્વી પ્રોડક્શનવાળા વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયા
પાસે ખોટું બોલી એગ્રિમેન્ટ કરાવ્યો હતો
તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે જ્યારે સિદ્ધાર્થ રાંદેરિયા સાથે સવાલોના સવા કરોડ ગેમ શો હોસ્ટ કરવા જણાવ્યું હતું ત્યારે એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. આ એગ્રીમેન્ટ કરતા સમયે પણ વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયાને ખોટું બોલ્યું હતું. વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયાને કહ્યું હતું કે, સવાલોના સવા કરોડ ગેમ શો કોન બનેગા કરોડપતિ જેવો જ એક ગેમ શો હશે, જે ફક્ત ગુજરાતીઓ માટે હશે અને આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકો પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવશે નહીં. આમ, વિમલ પટેલની વાતોમાં આવી સિદ્ધાર્થ રાંદેરિયાએ એગ્રીમેન્ટ પણ સહી કરી હતી પરંતુ જ્યારે તન્વી પ્રોડક્શનના વિમલ પટેલે આ ગેમ શો અને તેના હોસ્ટના નામ પર રજીસ્ટ્રેશન ફી ઉઘરાવવાની શરૂ કરી ત્યારે સિદ્ધાર્થ રાંદેરિયાએ નવો એગ્રીમેન્ટ બનાવવાની માંગણી કરી હતી અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, ભવિષ્યમાં આ ગેમ શોના આયોજકો કોઈ આર્થિક ઉચાપત કે કૌભાડ કરે તો તેમાં હોસ્ટ જવાબદાર નહીં રહે.