પ્રાઇવેટ બસમાં રાજકોટ આવતા મુસાફરોનું ગોંડલ ચોકડી ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરતી રાજકોટ મહાનગરપાલિકા
કોરોના સંક્રમણ ચેઈન તોડવા માટે રાજકોટ બહારથી આવતા મુસાફરોનું સ્થળ પર જ ચેકઅપ કરાશે: મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ
- Advertisement -
કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરોનું બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. થોડા દિવસો પહેલા ગ્રીનલેન્ડ ચોકડી ખાતે શરૂ કરવામાં આવ્યા બાદ આજ તા. ૨૧-૦૯-૨૦૨૦ ના રોજ પ્રાઇવેટ બસમાં રાજકોટ આવતા મુસાફરોનું ગોંડલ ચોકડી ખાતે સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી જે-તે મુસાફરને કોરોના પોઝિટિવના લક્ષણો જણાયે સારવાર આપવામાં આવે છે તેનાથી અન્ય વ્યક્તિઓને ચેપ લાગતો અટકાવી શકાય છે, વહેલું નિદાન, સારી સારવારના ધ્યેય સાથે સી સાથે મળીને રાજકોટને કોરોના મુક્ત બનાવીએ, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનરશ્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની બહારથી આવતા મુસાફરો માટે એસ.ટી. બસ સ્ટેશન અને ગ્રીનલેન્ડ ચોકડી ખાતે મહાનગરપાલિકા દ્વારા ચેકઅપ કામગીરી કરવામાં આવી જ રહી છે. ઉપરાંત આજથી ગોંડલ ચોકડી ખાતે પણ મનપાની ટીમ દ્વારા જે લોકો શહેરની બહારથી આવે છે તેમનું હેલ્થ ચેકઅપ સ્થળ પર જ કરવામાં આવે છે. સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગ દરમ્યાન જો કોઇ પણ મુસાફરને શંકાસ્પદ લક્ષણો જણાય છે તો તેમને જરૂરી સારવાર અર્થે ખસેડવામાં આવે છે.
આ કામગીરી કરવાથી કોરોના પોઝિટિવ દર્દીથી ફેલાતો ચેપ અટકાવી શકાય છે. જે વ્યક્તિઓને કોરોના પોઝિટિવ નોંધાય છે તેમને પ્રાથમિક તબક્કામાં જ સારવાર આપી શકાય છે. લોકોએ ટેસ્ટીંગ કરાવવાથી ગભરાવાની જરૂર નથી. પ્રાથમિક તબક્કામાં નોંધાયેલ કોરોનાથી સંકરણ અને સારવાર બંને આસાન બને છે, તેમ મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.