રાજકોટ જિલ્લામાં એક પણ અરજી પેન્ડીંગ નહીં
રાઈટ ટુ એજયુકેશન એકટ હેઠળ ખાનગી શાળાઓમાં ધો. 1 માં પ્રવેશ માટે અરજીઓ કરવાની મુદત પુરી થઈ છે. રાજયમાં કુલ 223243 અરજીઓ આવી હતી તેમાંથી સૌરાષ્ટ્રનાં 11 જિલ્લાઓમાં કુલ 71984 અરજીઓ મળી હતી તેમાંથી 51629 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ જિલ્લામાં તા. 16મીથી ત્રણ દિવસ જિલ્લા કક્ષાએથી નામંજૂર થયેલી અરજીઓમાં દસ્તાવેજોમાં સુધારાઓ કરવાની તક આપવામાં આવી છે. આ યોજના હેઠળ અરજીઓ કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ હતી. આ મુદત પુરી થતા રાજયમાં કુલ 160945 ગરીબ વર્ગનાં બાળકોને ધો. 1 માં પ્રવેશ અપાયો છે તેમાં સૌરાષ્ટ્રમાં 51629 બાળકોનો સમાવેશ થાય છે.
રાજકોટ ગ્રામ્યની 500 જેટલી ખાનગી શાળાઓમાં આરટીઈ હેઠળ કુલ 9215 અરજીઓ મળી હતી તેમાંથી 6779 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે અને 878 જિલ્લા સ્તરેથી નામંજૂર કરવામાં આવી છે જયારે રાજય સ્તરેથી 1558 અરજીઓ કેન્સલ કરવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્યમાં એક પણ અરજી પેન્ડીંગ નથી. અરજીનાં નિકાલ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્રારા વીસ લોકોની ખાસ ટીમ બનાવવામાં આવી હતી. રાજકોટ જિલ્લા પંચાયત હસ્તકની શિક્ષણ સમિતિનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ ગત વર્ષ કરતા ચાલુ વર્ષેે આશરે 3000 અરજીઓ વધુ મળી છે.
- Advertisement -
ગરીબ પરિવારનાં બાળકો પણ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરી શકે તે માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. ગ્રામ્યમાં વાર્ષિક 1.20 લાખની અને શહેરોમાં 1.50 લાખની વાર્ષિક આવક ધરાવતા પરિવારનાં બાળકોને આ યોજના હેઠળ પ્રવેશ આપવામાં આવે છે. રાજયમાં આ વર્ષે જે અરજીઓ આવી હતી તેમાંથી 30357 કેન્સલ કરવામાં આવી હતી અને 11375 અરજીઓ પેન્ડીંગ છે. મોરબી જિલ્લામાં 3891 અરજીઓ મંજૂર કરાઈ છે જયારે જામનગર ગ્રામ્યમાં 1860 અને શહેરમાં 2742, જૂનાગઢ જિલ્લામાં 5663, અમરેલીમાં 3860, ગીર સોમનાથમાં 3884 અને દેવભૂમી દ્રારકામાં 1526 અરજીઓ મંજૂર કરવામાં આવી છે.