લિવિંગસ્ટને 60 રન બાદ સતત બે બોલમાં દુબે-બ્રાવોની વિકેટ ઝડપી : 181ના ટાર્ગેટ સામે ચેન્નઈ 36/5 પર ફસડાયા બાદ 126માં સમેટાયું : રાહુલ ચાહરની 25 રનમાં 3 વિકેટ
લિવિંગસ્ટનની 32 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથેની 60 રનની ઈનિંગ બાદ રાહુલ ચાહર સહિતના બોલરોની શિસ્તબદ્ધ બોલિંગને સહારે પંજાબ કિંગ્સે ચેન્નાઈ સામેની આઇપીએલ ટી-20માં 54 રનથી વિજય મેળવ્યો હતો. જીતવા માટેના 181 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ચેન્નાઈનો ધબડકો થયો હતો અને તેમણે માત્ર 36 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. દુબે (57) અને ધોની (23)ની જોડીએ છઠ્ઠી વિકેટમાં 62 રન જોડયા હતા, પણ તેઓ ટીમને ઉગારી શક્યા નહતા અને આખરે 18 ઓવરમાં 126માં સમેટાતા હારી ગયા હતા. લિવિંગસ્ટને એક જ ઓવરમાં સતત બે બોલમાં દુબે અને બ્રાવોને આઉટ કરીને ચેન્નાઈની જીતની આશા સમાપ્ત કરી હતી.
જીતવા માટેના 181 રનના ટાર્ગેટનો પીછો કરવા માટે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નાઈએ ધરખમ શરૃઆતની જરુર હતી. જોકે આઉટ ઓફ ફોર્મ ગાયકવાડ (1)ને રબાડાએ આઉટ કર્યો હતો. જે પછી ઉથપ્પા 13 રને અને મોઈન અલી ખાતુ ખોલાવ્યા વિના જ વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. કેપ્ટન જાડેજાને પણ ખાતું ખોલાવે તે પહેલા અર્ષદીપે આઉટ કરતાં ચેન્નાઈએ 23 રનમાં ચાર વિકેટ ગુમાવતા તેમના કેમ્પમાં સોંપો પડી ગયો હતો. રાયડુ 13 રન આઉટ થતાં ચેન્નાઈ 36/5 પર ફસડાયું હતુ.