મનની પ્રક્રિયાઓને સાક્ષીભાવે જોતા રહો, એને ચિત્તશક્તિનો વિલાસ સમજીને એનું નિરીક્ષણ કરતા રહો
મોર્નિંગ મંત્ર
– ડૉ.શરદ ઠાકર
– ડૉ.શરદ ઠાકર
હમણાં ‘ચિત્તશક્તિ વિલાસ’ પુસ્તકનું પુન: વાંચન ચાલી રહ્યું છે. પૂ. શ્રી મુક્તાનંદબાબા કહે છે કે ધ્યાન દરમ્યાન ક્રિયાઓ થતી હોય તો થવા દો, મન ભટકતું હોય તો ભટકવા દો. આજ-કાલ હું એવું જ કરું છું. મનને વિચારશૂન્ય કરવાનો પ્રયત્ન કરતો નથી. જો કે વાવાઝોડાંની જેમ ત્રાટકતા વિચારો મહદંશે શમતા જાય છે.
જે. કૃષ્ણમૂર્તિ પણ કહે છે કે ધ્યાનમાં વિચારશૂન્ય બનવાનું ફરજિયાત નથી, મનમાં તો નિરંતર ભિન્ન ભિન્ન વિચારો ઉદ્ભવશે જ કારણ કે મનનો એ સ્વભાવ છે. ચિત્તશક્તિ વિલાસમાં પૂ. બાબા કહે છે કે મનની પ્રક્રિયાઓને સાક્ષીભાવે જોતા રહો, એને ચિત્તશક્તિનો વિલાસ સમજીને એનું નિરીક્ષણ કરતા રહો. ધ્યાનમાં જે વિચારો ચાલતા રહે છે એને હું ‘objectively’ એટલે કે ત્રીજી વ્યક્તિ તરીકે નીરખતો રહું છું અને મારા મનના આયામોને સમજતો રહું છું.
- Advertisement -
મનમાં રાજસી વિચારો આવે કે સાત્ત્વિક, એને હું તટસ્થ રીતે અવલોકતો રહું છું. પછી એનું પૃથક્કરણ કરું છું કે મારા મનમાં ખરાબ વિચારો શા માટે આવ્યા અને શુભ વિચારો શા માટે આવ્યા? મારો આત્મા આ વિશે શું કહે છે? આત્મા હંમેશાં વિશુદ્ધ હોય છે. આત્માનો અવાજ તમને જે કહે તે અવશ્ય સ્વીકારો. આ રીતે ધ્યાનમાં બેસવાથી મનમાં એ વાતનો અફસોસ નહીં વ્યાપે કે હું વિચારશૂન્ય કેમ થઈ શકતો નથી? ધીમે ધીમે આપમેળે વિચારોની સંખ્યા ઓછી થતી જશે.