રોલેક્સ રિંગ્સના કિંગ’સ સાથેની રસપ્રદ વાતો
પચીસ એકરમાં ફેલાયેલી ફેકટરી, સાતસો કરોડની અદ્યતન મશીનરી, બે હજાર સાતસો કર્મચારીનો સ્ટાફ, અગિયારસો કરોડનું ટર્નઓવર
વિશ્વની લીડિંગ કાર તેમજ ઓટોમોબાઇલ કંપનીઓનો કસ્ટમર બેઝ ધરાવે છે
– હિમાદ્રી આચાર્ય દવે
રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ મશીનરી અને તેના કમ્પોનન્ટ બનાવવાનું હબ છે. જે દુનિયાભરમાં મશીનરીના અલગ અલગ ટાઈપના કમ્પોનન્ટ્સ પૂરા પાડે છે. રાજકોટમા મશીનરીની અનેક સેલ્ફ ડ્રાઇવ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે કે જેની પ્રોડક્ટ જુદી જુદી કંપનીની ફાઈનલ પ્રોડક્ટમાં વપરાય છે.
સમયાનુસારના પરિવર્તનો, ચોકસાઈ અને પ્રતિબદ્ધતા થકી મોશન એન્જિનિયરિંગને ઉત્કૃષ્ટતા તરફ લઈ જતી રાજકોટની એક કંપની રોલેકસ રિંગ્સ લિમિટેડ, કે જે ફોર્જેડ એન્ડ મશીનરી કંપોનંટ્સ બનાવતી ઇન્ડસ્ટ્રી છે, જે ફોર્જિંગ અને મશીનિંગમાં નિપુણતા ધરાવે છે. પોતાની ચાર દાયકા જૂની ગુણવતાની રેપ્યુટેશનને કારણે દુનિયાભરની લાર્જ સાઈઝડ, ઓટોમોટિવ કંપની તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝને તેના ગ્રાહક બનવા આકર્ષી શકી છે. રોલેક્સ રિંગ્સ ભારતમાં કસ્ટમાઈઝડ કંપોનાંટ્સ કે જે, મોટાભાગે અન્ય કંપનીની મશીનરીઝના ઈન બિલ્ટ પાર્ટ્સ, ટ્રાન્સમિશન પાર્ટ્સ વગેરેના અગ્રણી ઉત્પાદકોમાંનું એક છે. જેના ગ્રાહકો વિશ્વભરમાં ફેલાયેલા છે.
- Advertisement -
રોલેક્સના માલિક અને ચેરમેન શ્રી મનીષ મહાડેક સાથેની મુલાકાત દરમ્યાનની વાતચીતના અંશો અહી રજુ કર્યા છે.
સૌપ્રથમ તો તેમના કુટુંબ અને નાનપણ વિશે પૂછતા મનીષભાઈ કહે છે કે તેમનું કુટુંબ પહેલા ઝારખંડમાં સ્થિત હતું. 1974માં ઇન્દિરા ગાંધીએ માઈનીંગના વ્યક્તિગત/અંગત માલિકી હકક રદ કરીને તેને જાહેરક્ષેત્રમાં કનવર્ટ કરી એ અરસા સુધી એમનાં પિતા માઈનિંગના ક્ષેત્રે જોબ કરતા હતાં. મનીષભાઈ તથા તેમના ત્રણ ભાઈઓ રાજકોટમાં અભ્યાસ માટે આવ્યા અને અહીં જાગનાથ પાસેની નંદવાણા બ્રાહ્મણ બોર્ડીંગમાં રહિને અભ્યાસ કરતા હતા.
એ દરમિયાન મનીષભાઈ લના મોટાભાઈએ ફક્ત આઠ હજારના રોકાણથી, રાજકોટના ગોંડલ રોડ પર , એક નાના રૂમમાં ચાર લેથ મશીન મૂકી કામ શરૂ કર્યું, જ્યાં અન્ય કંપનીઓ માટે જોબવર્ક કરવામાં આવતું. મનીષભાઈ કહે છે કે એ વખતે ડીઝલ એન્જિનનો જમાનો હતો અને અમે તેના સ્પેરપાર્ટ બનાવતા હતા. ત્યારબાદ અમુક વર્ષો પછી અમે બેરિંગની રીંગ બનાવવાનું શરૂ કર્યું. 1994માં ઓર્ગેનાઇઝર સેક્ટર તરીકે આ ફર્મને એસ્ટાબ્લિશડ કરી.
- Advertisement -
તેમની કંપનીનો વિકાસ ક્રમશ: કેવી રીતે થતો ગયો તેના જવાબમાં શ્રી મનીષભાઈ જણાવે છે કે પ્રોડકટની ગુણવત્તા અને ડિઝાઇન પરફેકશનને હંમેશા વળગી રહેવાને કારણે 1998માં તેમને બ્રાઝિલ સ્થિત એક કંપનીનું પહેલું એક્સપોર્ટ ક્ધસાઇનમેન્ટ મળ્યું. અને ત્યારબાદ યુરોપના બે દેશમાં પણ તેમની પ્રોડક્ટ એક્સપોર્ટ થવા લાગી. મનીષભાઈ કહે છે કે ધીરે ધીરે તેમની ફર્મ પ્રગતિ કરવા લાગી અને 2003-2004 માંતો અઢીસોથી ત્રણસો કરોડનું ટર્નઓવર થઈ ગયું જેમાંનો સિતેર ટકા હિસ્સો બહારના દેશોમાં એક્સપોર્ટનો રહ્યો. 2003માં જાપાનીઝ મશીનરી ઇમ્પ્લાંટ કરી જેના થકી ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો. સમય જતાં, 2009માં ફરી ખૂબ જ મોટું એક્સપાંશન કર્યું, જે અંતર્ગત અમેરિકન ઇકવિટી તરફથી ચારસો કરોડનું ફંડ રોકાણ થયું! ત્યારબાદ ગયા ઓગસ્ટમાં પબ્લિક ઈશ્યું પણ આવી ગયો, જેમાં નવસો રૂપિયે કંપનીએ આપેલા શેરનો ભાવ અત્યારે સાડા બારસો-તેરસો જેવો રહે છે.
પ્રોડકટની ગુણવત્તા અને ડિઝાઇન પરફેકશનને હંમેશા વળગી રહેવાને કારણે 1998માં તેમને બ્રાઝિલ સ્થિત એક કંપનીનું પહેલું એક્સપોર્ટ ક્ધસાઇનમેન્ટ મળ્યું અને ત્યારબાદ યુરોપના બે દેશમાં પણ તેમની પ્રોડક્ટ એક્સપોર્ટ થવા લાગી….
ટ્રાન્સમિશન કંપોનન્ટ્સ, ઓટોમોબાઇલ્સ, ટુ વ્હીલર- ફોર વ્હીલર, રેલવે, વિંડમિલ, અર્થ મુવિંગ ઇકવિપમેન્ટ્સ, ટેકસટાઇલ, મરીન, એરોસ્પેસ, ડિફેન્સ, ઓઇલ એન્ડ નેચરલ ગેસ, વગેરે ક્ષેત્રે, એકબીજાથી ઘણી ભિન્ન અને વિવિધતા વાળી પ્રોડક્ટ રેન્જ પૂરી પાડવાની ક્ષમતા વિશે પૂછતાં શ્રી મનીષભાઈ કહે છે કે અમારે ત્યાં 20ળળથી માંડીને 1000ળળની સાઈઝના કંપોનેન્ટ્સ બને છે. આવી કસ્ટમાઈઝડ, વર્સેટાઈલ, પ્રોડક્ટ માટે અમે ત્રણ ચાર અલગ વિભાગ કરી નાખ્યાં છે. દરેક વિભાગના હેડને અમુક પાવર આપવામાં આવ્યો છે જેથી તેઓ તેમના સ્વતંત્ર નિર્ણયો લઈ શકે. વળી, અહીં પ્રોડકટના ટૂલ અને ડાઈઝ બનાવવાની ઈન હાઉસ કેપેસિટી છે, જેમાં બસ્સો માણસોનો સ્ટાફ છે. કંપનીએ જ્યારે કોઈપણ નવી મશીનરીની ખરીદી કરે ત્યારે, તેની ડિઝાઇન, તેની વિક્રેતા કંપની પાસેથી લીધેલી હોય છે. એટલે ભવિષ્યમાં નવી ડિઝાઈન બનાવતી વખતે એક કોન્સેપ્ટ કલિયર હોય છે કે શું અને કેવી રીતે બનાવવું, અથવા કેવી રીતે મોડીફીકેશન કરવું. યુરોપ કે બહારના દેશોમાંથી મશીનરી લઈએ ત્યારે, અહીથી સ્ટાફને તે ચલાવવાની તાલીમ લેવા માટે મોકલીએ છીએ. સાતસો કરોડની મશીનરી કે ઇકવીપમેંટનું ઈન્ફરાસ્ટ્રક્ચર ધરાવતી આ ફર્મની મોટાભાગની મશીનરી જાપાન, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડથી ખરીદવામાં આવી છે. પોતાની પ્રોડકટની ગુણવત્તા વિશે પૂછતાં શ્રી મનીષભાઈ કહે છે કે અમારી સાતસો કરોડની મશીનરીમાંની મોટાભાગની મશીનરી ઓટોમેશન વાળી છે. જેમા ભૂલ થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા રહે છે.
યુરોપ, જાપાન અને દુનિયાના વિકસિત દેશોમાં જે ટેકનોલોજી વાપરવામાં આવે છે, એ જ ટેકનોલોજી અમારી ફર્મમાં અમે વાપરીએ છીએ.અમે આટલો બહોળો, આંતરરાષ્ટ્રીય ગ્રાહકવર્ગ ધરાવીએ છીએ, જ્યાં પ્રોડકટની ગુણવત્તા એ પહેલી શરત હોય છે. ગુણવત્તામાં જરા પણ બાંધછોડ તેઓ બિલકુલ ચલાવી ન લે અને મોટા મોટા અસાઇમેન્ટ કેન્સલ કરવા પડે. અમે તેમની આ કસોટીમાંથી પાર ઉતર્યા છીએ એટલે પ્રોડકટની ગુણવત્તા વિશે આપને સમજાઈ જશે.
રો મટીરીયલથી લઈને મેન્યુફેક્ચરિંગ, રિવ્યૂ પ્રોડક્ટ ટેસ્ટિંગ અને ફાઈનલ પ્રોડક્ટ ટેસ્ટિંગ. વગેરે જેવા અનેક ટેસ્ટિંગથી પસાર થઈને પ્રોડક્ટ બહાર નીકળે છે. વળી અદ્યતન, કોમ્પ્યુટરાઈઝડ CAD, CAM અને CAE ટેકનોલોજીના ઉપયોગથી આધુનિક ટ્રેન્ડ સાથે અપડેટ થઈને પ્રોડક્શન કરીએ છીએ. જે એક્યુરસી તેમજ એકસાથે બલ્ક પ્રોડક્શનને પ્રાત્સાહિત કરે છે. આંતરરાષ્ટ્રીય ઓટોમોબાઇલ કંપની, કાર કંપની અને અન્ય મેન્યુફેકચરિંગ કંપની.. વગેરેને તમારી કઈ બાબતો તમારી તરફ આકર્ષે છે, જેનાથી તમે બજારની હરીફાઈ વચ્ચે પણ અડગ હિસ્સો મેળવી શકો છો, તેના જવાબમાં મનીષભાઈ કહે છે કે પ્રોડકટની ગુણવત્તા અને ડિઝાઇન પરફેક્શન અને અલગ અલગ જાતના કે અલગ અલગ સાઇઝના બેરિંગની ગ્રાહકની ડિમાન્ડ, અંડર વન રુફ, એક જ છત સંતોષાતી હોય તેવી ઇન્ડિયાની એકમાત્ર ટ્રેડિંગ કંપની છે.
કાર, મોટી બસ ટ્રકમાં જરુરી તેમજ અન્ય કમ્પોનન્ટ બનાવતી વિખ્યાત આંતરરાષ્ટ્રીય કંપનીઓને ખૂબ જ વિશાળ, મોટા જથ્થામાં અને અલગ અલગ સાઈઝના કમ્પોનન્ટની જરૂર પડતી હોય છે તે તમામને સંતોષી શકે તેવું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેઓ ધરાવતા હોવાને કારણે, તે ઉપરાંત સમયની પ્રતિબદ્ધતા, પ્રોડકટની ગુણવત્તા ઉપરાંત કસ્ટમર કંપની સાથે કેળવાયેલા રિલેશન્સ, અને તેમણે મેળવેલી વિશ્વાસનીયતા…
આ બધી બાબતોને કારણે વિશ્વની વિખ્યાત કાર કંપનીઓ રોલેક્સની કસ્ટમર છે. તેઓ આગળ કહે છે, અમારી પાસે દરેક મહિનાનો વર્કિંગ પ્લાન હોય છે કે ક્યારે કેટલું પ્રોડક્શન થશે. અમારો એ નિયમ છે કે જેટલું કરી શકીએ એટલું જ કમિટ કરવુ. ક્યારેક કોઈ કારણસર ગ્રાહકની ડીલેવરીમાં મોડું થવાનું છે એવું લાગે તો અમે તે કંપનીને પહેલા ઇન્ફોર્મ કરીએ છીએ.
તેઓ આગળ કહે છે કે વિશ્વની લિડિંગ ટ્રેડિંગ કંપનીઓ તેમની કસ્ટમર છે. જેમાંના અમુક તો પચ્ચીસ પચ્ચીસ વર્ષના જુના ગ્રાહક છે, એકવાર અમારી સાથે કમિટેડ થયેલા એકપણ ગ્રાહક અમે ક્યારેય ગુમાવ્યા નથી. એકવાર કોઈ કંપની સાથે ડીલ થાય પછી સાત આઠ વર્ષ કંટિન્યું રહે છે કારણકે એપ્રુવલ માટે, સેમ્પલ ડેવલપમેન્ટ તેમજ ટુલ…આ બધા પાછળ ગ્રાહકે કરેલા ખર્ચને કારણે અમારી ડીલ લાંબા સમય માટેની હોય છે. વળી અમારા કસ્ટમર્સ મલ્ટિનેશનલ કંપનીઓ છે કે જેની ફર્મ એક કરતાં વધારે દેશોમાં આવેલી હોય. તેના કારણે કોઈ પણ કંપનીનો કોઈ એક દેશમાં બિઝનેસ મળે એ પછી એ જ કંપનીની અન્ય દેશમાં રહેલી કંપની પણ અમારો એપ્રોચ કરે છે અને અમારો કસ્ટમર વર્ગ વધતો જાય છે. આ રીતે વિશ્વસ્તરે વિસ્તૃત ધંધો રહ્યો છે. ગ્રાહક કંપનીઓ સાથે સંબંધો પણ ખૂબ ભાગ ભજવે છે ઉપરાંત આજના સમયની વાત કરીએ તો આઉટસોર્સિંગ હબ ગણાતા ચીનમાં તેમના સ્થાને હવેલી વિશ્વના દેશો ભારતમાં સોર્સીગ કરવાનું પસંદ કરે છે.
ચાલીસ વરસની દીર્ઘયાત્રા દરમિયાન આવેલા સંઘર્ષો અને તેમાંથી કેવી રીતે બહાર નીકળ્યા તે વિશે પૂછતાં શ્રી મનીષભાઈ કહે છે કે જ્યારે અમે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે શરૂ શરૂમાં લઘણી તકલીફ રહેતી. 1996 આસપાસ આવેલી ક્રાઇસિસ વખતે તેઓ લોકોને કહેતા કે અમારા પર ભરોસો રાખીને અમને બેસવા દેશો તો કામ કરીને તમને પૈસા ચૂકવી શકીશું. ખૂબ જ આત્મબળ તેમજ અથાગ મહેનતથી તેઓ એમાંથી હેમખેમ બહાર નીકળી ગયા. આ ઉપરાંત 2009માં કરેલા એક્સપાન્શન પછી વિશ્વસ્તરે મદી આવી. વળી અમારી કંપનીના ટર્નઓવરનો સિત્તેર ટકા હિસ્સો તો એક્સપોર્ટ બિઝનેસમાંથી આવતો હોવાથી આ અમારા બિઝનેસ ભાંગી પડ્યો. પરંતુ ધીમે ધીમે અમારો જૂનો કસ્ટમરબેઝ કે જેને અમારા પર પૂરો ભરોસો હતો તેમની ડીમાંડ ફરી શરૂ થઈ. અમે કમાયેલી રેપ્યુટેશનને કારણે બેન્ક સેક્ટર તેમજ અમારા સાથે જોડાયેલી કસ્ટમર કંપનીઓએ અમારામાં વિશ્વાસ દાખવ્યો. જેના કારણે અમે આ પરિસ્થિતિમાંથી હેમખેમ પાર પડી ગયા.
સમર્પણ, પરિશ્રમ, કમિટમેંટ, અને તે પૂરું કરવાની તત્પરતા આ બધા વગર, આજે આપની ફર્મ જ્યાં ઉભી છે ત્યાં ન હોત.. આ વિષે આપને શું કહેવું છે એમ પૂછતાં તેઓ કહે છે કે, આ બધું તો ખરું જ, ઉપરાંત અમારા કુટુંબમાં રહેલી પ્રેમભાવના સૌથી અગત્યનું કારણ. હું મારા ભાઈઓમાં પાંચમાં નંબર પર છું છતાં આ કંપનીનો ચેરમેન છું. મારા 76 વર્ષની ઉંમરના મોટાભાઈ આજે પણ ત્રણ-ચાર કલાક ઓફિસે આવીને બેસે છે અને મારા ભાઈઓના ચાર દીકરા એટલે કે મારા ભત્રીજાઓ આ ફર્મમાં સક્રિય છે. આ પરથી તમે અમારા ફેમિલી બોર્ડિંગ વિશે અનુમાન લગાવી શકશો. અમે બધા ભાઈઓ માનીએ છીએ કે આપણે અને આપણા બાળકો એ બધા આપણું એક જ કુટુંબ છે કુટુંબમાં ક્યારેય કોઈએ પૈસાને વધુ મહત્વ આપ્યું નથી.
કોણે કેટલું વધતુ ઓછું વાપર્યું એવા હિસાબથી કે સરખામણીમાં ઉતરતા નથી. મારો એક ભત્રીજો પ્રોડક્શનનું કામ સંભાળે છે બીજો ભત્રીજો માર્કેટિંગનું કામ સંભાળી લે છે. પરચેઝ અને નાણાંકીય બાબતોના નિર્ણય હું લઉં છું અને અમે બધા જ કોઈના પણ કાર્યક્ષેત્રમાં ઇન્ટરફીયરન્સ કરતા નથી. હા, કોમ્યુનિકેશનના ભાગરૂપે કંપની ગતિવિધિઓથી એકબીજાને માહિતગાર કરતા રહીએ છીએ. આજે પણ બપોરે એક ટેબલ પર જમીએ છીએ ત્યારે માહિતીની આપ-લે હંમેશા થતી હોય છે. મારા છોતેર વરસના મોટાભાઈને નવી ટેકનોલોજીથી અપડેટ થવામાં કોઈ અણગમો નથી. તેઓ ઉત્સાહથી નવી નવી વાતોને અપનાવી લેવા હંમેશા તૈયાર હોય છે.
રોલેકસ, ખૂબ વિશાળ કદની કંપનીને સફળતાપૂર્વક ચલાવવા માટે, સ્ટાફ, ટેકનોલોજી વગેરે તો હોય જ પણ એ બધા વચ્ચે ખૂબ જ સફળતાપૂર્વક કોઓર્ડનેશન કરી શકે એવી સફળ લિડરશીપ પૂરી પાડતા શ્રી મનીષ ભાઈ તેમની સફળ લીડરશિપની વાત કરતાં કારીગરો સાથેનો તેમના વ્યવહાર વિશે કહે છે કે તેઓ ક્યારેય સ્ટાફ સામે અહમ કે ઘમંડથી પેશ નથી આવતાં. પણ તેમની સાથે તેમના જેવા થઈ, આત્મીયતા કેળવીને ધાર્યું પરિણામ મેળવી શકે છે.
કોવિડ વખતે લોકડાઉન વખતે આ કંપનીના એકપણ કારીગરે ગામ છોડી તેના રાજ્ય ભણી માઇગ્રેટ કરવું પડે એ એવો સમય તેમણે નથી આવવા દીધો. તેઓ કહે છે કે હલોકડાઉનના મહિનાઓમાં કંપનીના સ્ટાફના પરિવાર સહિત અઢારસો માણસોનું ભોજન કંપનીના રસોડે રોજ સવાર-સાંજ બનતું હતું. ઉપરાંત તેઓએ છસ્સો-સાતસો કર્મચારીઓને રહેવા માટે રહેણાંક પુરા પાડયા છે. કર્મચારીઓના મેડીક્લેમ, લાઈફ ઇન્શ્યોરન્સ, બધા પ્રત્યે કંપની તકેદારી કેળવે છે. સ્ટાફ સાથેનું આત્મીય વર્તન અને સમયને પામી જવાનું તેમનું વિઝન, આ બે બાબતો તેમની લીડરશીપ અને સફળતાનું કારણ છે.
પર્યાવરણ બાબતે જાગરૂકતા દાખવવાના ભાગ રુપે ઈન્ડસ્ટ્રીમાં થતા વોટર વેસ્ટને રિસાયકલ કરીને રિયુઝ કરવામાં આવે છે તેમજ સોલિડવેસ્ટનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામાં આવે છે. નવી પેઢીના બિઝનેસ કરતાં યુવાનો તેમજ સાહસીકોને તમે શું સલાહ આપશો, આ સવાલના જવાબમાં મનીષભાઈ કહે છે કે, કોઈ પણ પરિસ્થિતિમાં વિચલીત થવું નહીં. હંમેશા એમ વિચારવું કે મેં જે ઇચ્છયું છે એ મેળવવા માટે મારે બધું જ કરી છૂટવાનું છે. જે કામ કરવાનું નક્કી કર્યું હોય તેની પાછળ પડી જવું. અને બિઝનેસમાં નફો મળવા લાગે ત્યારે સમજ્યા વગર ડાયવર્સિફિકેશન ન કરીને તે જ ધંધામાં નફાનું રોકાણ કરવું. ખૂબ જ પરિપક્વતા અને સમજણપૂર્વક જ ડાયવર્સિફિકેશન કરવું. કોઈપણ વિપરીત પરિસ્થિતિમાં ગભરાઈ જઈને, ચિંતા કરવામાં પોતાની શક્તિનો વ્યય કરવા કરતા તે પરિસ્થિતિમાંથી નીકળવા બાબતે તે શક્તિ વાપરવી.
ખુબ જ સાલસ અને સરળ સ્વભાવ ધરાવતા મનીષભાઈની સાથે વાત કરતાં એ સવાલ ચોક્કસ થાય કે તેઓ આટલા બધા ડાઉન ટુ અર્થ કેવી રીતે રહી શકે છે તેના જવાબમાં તેઓ કહે છે કે જીવનની અનેક તડકી છાયડી જોયા પછી એ વાત હંમેશા યાદ રાખું છું કે આપણે પણ ક્યારેક નાના માણસ હતા. આ વાત યાદ રાખી હંમેશા નાના માણસને માન આપું છું.બજુના સંબંધીઓ કે જેઓ આજે બહુ મોટું સ્થાન ન ધરાવતા હોય તે છતાં પણ તેમની સાથે પહેલા જેવી જ આત્મીયતાથી સબંધ નિભાવુ છું. મેં મારા ભાઈને ભઠ્ઠીમાં કામ કરતા જોયા છે અને મેં પણ ખૂબ મજુરી કામ કર્યા છે . એક સાઈકલમાં અમે ત્રણ ભાઈઓ બેસીને ચલાવતાં… આ બધુ યાદ છે એટલે હું નાના માણસની તકલીફ તો આજે પણ સમજી શકુ છું.
અનેક સેવાભાવી સંસ્થાઓમાં, મંદિરોમાં, હોસ્પિટલમાં, આર્થિક સહાય કરવી એ તેમની ગમતી પ્રવૃત્તિ છે એવું તેઓ કહે છે. કોવિડ વખતે એસ.એન.કે. સ્કૂલમાં ચારસો સાડા ચારસો બેડનું કોવિડ સેન્ટર બનાવ્યું હતું જેમાં બધાની ખૂબ જ સારવાર થઈ હતી. સાવ શૂન્યમાંથી આટલું વિશાળ સર્જન… ચાલીસ વર્ષની યાત્રા અને ક્યારેય ન ધારેલી સફળતા… આ બધું જોઇને હવે શું મહત્વકાંક્ષા છે, તેના જવાબમાં મનીષભાઈ કહે છે કે મારા છોતેર વર્ષના ભાઈ ખૂબ જ રાજી થઇને એમ કહે કે વિશ્વની પ્રખ્યાત કંપનીઓ, આપણા ગ્રાહક હોય તેનાથી મોટી સફળતા શી હોય શકે! આ સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. તેમ છતાં, બિઝનેસમાં હજુ ઘણા સ્કોપ છે. હવે અમે ઇલેક્ટ્રિક કાર પર કામ કરવા વિચારી રહ્યા છીએ. નાના રૂમમાં બીજાનું જોબવર્ક કરવાની શરૂઆતથી લઈને આજે 25 એકરમાં ફેલાયેલી અમારી રોલેક્સ ફર્મ એની સફળતામાં કુટુંબનો સંપ એ પાયાનું પરિબળ છે એમ તેઓ હંમેશા માને છે.
સામાન્ય રીતે કુટુંબના લોકો બિઝનેસ સાથે કરતા હોય અને પ્રોફિટ મળવા લાગે ત્યારે બધા અલગ થવા લાગે જ્યારે અમારા કુટુંબમાં આથી વિપરીત બન્યું છે જેમ જેમ બિઝનેસ વધતો ગયો તેમ તેમ અમારુ પરસ્પર બોન્ડીંગ વધતું ગયું છે. જેનો અમને ખૂબ આનંદ છે. અમારો પરસ્પર પ્રેમ અને આદરની ભાવના એ ઈશ્વર કૃપા તો ખરી જ.. સાથોસાથ અમારા મા-બાપના સંસ્કાર અને મોટાભાઈની અમારા માટેની પરવા અને પ્રેમનું પરિણામ છે. હ્યુન્ડાઈ, જનરલ મોટર્સ, તેમજ વિશ્વસ્તરની અનેક લીડીંગ કંપનીઓ તરફથી અનેક એવોર્ડ્સ અને સર્ટિફિકેટ મેળવી ચૂકેલી આ કંપનીની સફળતા, કુટુંબસંપ, સમર્પિતતા, સ્ટાફ પ્રત્યે આત્મીયતા, મહેનત, દીર્ઘ્રદૃષ્ટિ અને દૃઢનિશ્ચયીપણાનું પરિણામ છે.