વેસ્ટર્ન ઝવેર મોલની ગેરકાયદેસર બાંધકામ મંજૂરી સામે વાંધા અરજી
જૂનાગઢનાં ભ્રષ્ટ તત્કાલિન સીટી ઈજનેર લલિત વાઢેરે કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં કોલેજ રોડ ઉપર સૌથી મોટા વેસ્ટર્ન ઝવેર મોલનું નિર્માણ થઈ રહ્યું છે. આ મોલનાં બાંધકામની ગેરકાયદેસર રીતે મંજૂરી આપ્યાની અરજી થતાં ખળભળાટ મચી ગયો છે. મનપાનાં ભ્રષ્ટ તત્કાલિન સીટી ઈજનેર લલિત વાઢેરે રહેણાંક હેતુની જમીનમાં કોમર્શિયલ બાંધકામની મંજૂરી આપ્યાનાં આક્ષેપ થયા છે. જૂનાગઢનાં એડવોકેટ એન્ડ વ્હીસલ બ્લોઅર સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ મુખ્યમંત્રીથી લઈ એસીબી નિયામકને જૂનાગઢમાં ચાલતા બાંધકામને લઈ અરજી કરી છે.
અરજીમાં સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ કહ્યું છે કે જૂનાગઢનાં તત્કાલિન સીટી ઈજનેર અને નગર નિયોજક લલિત વાઢેર દ્વારા તેમના કાળમાં અનેક બાંધકામને ગેરકાયદેસર મંજૂરી આપવામાં આવી છે. લલિત વાઢેરે ભ્રષ્ટાચાર કરી રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામની મંજૂરી આપી છે. અનેક રજૂઆત છતાં શહેરી વિકાસ કચેરી દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા છે.
- Advertisement -
જૂનાગઢમાં સીટી સર્વેનંબર 292/1 પૈકી 1 ટી.પી. સ્કીમ નંબર 2 પર ગેરકાયદેસર અને ભ્રષ્ટ રીતે આ જમીન રહેણાંકની હોવા છતાં વેસ્ટર્ન ઝવેર મોલ નામના કોમર્શિયલ કોમ્પલેક્ષની મંજૂરી આપવામાં આવી છે. આ જમીન તત્કાલિન કલેકટર બુચ દ્વારા રહેણાંકના હેતુ માટે બીનખેતી કરી હતી, આમ છતાં તત્કાલિન સીટી ઈજનેર લલિત વાઢેર અને તત્કાલિન કમિશનર દ્વારા સત્તાનો દુરૂપયોગ કરી કોમર્શિયલ બાંધકામને મંજૂરી આપી દીધી છે. આ બાંધકામને મંજૂરી આપનારે ફોજદારી ગુનો કર્યો છે. આ ઉપરાંત એક વર્ષ માટેની મંજૂરી પૂર્ણ થઈ છે. હવે ફરી રીન્યુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ બાંધકામને કોઈપણ સંજોગોમાં મંજૂરી મળી શકે નહીં. આ બાંધકામ અટકાવવામાં નહીં આવે અને ફરી રીન્યુ કરવામાં આવશે તો જવાબદાર અધિકારીઓની વિરૂદ્ધ એન્ટી કરપ્શન એક્ટ હેઠળ અને હાઈકોર્ટમાં જવાની ફરજ પડશે.