વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, ‘ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની હોલોગ્રામ પ્રતિમા ઈતિહાસનો બહુપ્રતીક્ષિત સુધારો’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125 મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય રાજધાનીના ઈન્ડિયા ગેટ ખાતે તેમની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે નેતાજીની આ હોલોગ્રાફિક પ્રતિમાના અનાવરણની પ્રશંસા કરતા કહ્યું કે, તે ઇતિહાસનો લાંબા સમયથી રાહ જોવાતો સુધારો છે. તેમણે ટ્વિટર પર કહ્યું કે આ ન્યૂ ઈન્ડિયાનો સંદેશ છે.
- Advertisement -
વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના ટ્વીટમાં કહ્યું કે, ‘ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની હાજરી ઇતિહાસમાં લાંબા સમયથી રાહ જોવાતી સુધારણા છે. સામ્રાજ્યવાદ સામે લડનાર અને સંસ્થાનવાદનો અંત લાવવા દબાણ કરનાર નેતાને યોગ્ય રીતે ઓળખવામાં આવે છે. દુનિયા સાથે વ્યવહાર કરતી વખતે આપણે આપણી જાત પ્રત્યે સાચા રહીશું.’
નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કર્યા પછી એક સભાને સંબોધતા, વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 2047 માં દેશની આઝાદીના 100 મા વર્ષ પહેલા વિશ્વની કોઈ પણ શક્તિ ‘નવા ભારત’ ના નિર્માણનું લક્ષ્ય પ્રાપ્ત કરતા અટકાવી શકશે નહીં.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આપણે નેતાજી બોઝની ‘કેન ડુ’ અને ‘વીલ ડુ’ ની ભાવનામાંથી પ્રેરણા લઈને આગળ વધવું પડશે. સુભાષચંદ્ર બોઝે આપણામાં આઝાદ અને સાર્વભૌમ ભારત હોવાનો આત્મવિશ્વાસ જગાવ્યો અને બ્રિટિશ શાસકોને ગર્વ, સ્વાભિમાન અને હિંમત સાથે કહ્યું કે, તેઓ આઝાદીની ભીખ નહીં માંગે પણ તેને હાંસલ કરશે. આ એક ઐતિહાસિક દિવસ છે, એક ઐતિહાસિક સ્થળ છે. આ પ્રતિમા આપણા રાષ્ટ્ર પ્રત્યેના તેમના યોગદાન માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છે. સ્વતંત્રતા સંગ્રામમાં લાખો દેશવાસીઓની તપસ્યા સામેલ હતી; પરંતુ તેમના ઈતિહાસને પણ સીમિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ આજે આઝાદીના દાયકાઓ પછી દેશ તે ભૂલોને સુધારી રહ્યો છે.’
- Advertisement -
વડાપ્રધાન મોદીએ તેમના પ્રવચનમાં બિરસા મુંડાના સન્માનમાં આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી, આ ઉપરાંત ડૉ. ભીમ રાવ આંબેડકર સાથે સંકળાયેલા ઐતિહાસિક સ્થળોના નિર્માણ અને પ્રચાર માટે, સરદાર પટેલની યાદમાં સ્ટેચ્યુ ઑફ યુનિટીનું નિર્માણ, ભૂતકાળની ભૂલોને સુધારવા જેવા પગલાંનો ઉલ્લેખ કર્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘લોકો હવે આઝાદીના 100 મા વર્ષમાં નેતાજીના સપનાને સાકાર કરવાનું લક્ષ્ય રાખશે.’ તેમની સરકારે આંદામાનમાં એક ટાપુનું નામ નેતાજીના નામ પર રાખવાનો અને તેમની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું પણ નક્કી કર્યું છે.
આ મહાન હોલોગ્રામ પ્રતિમા 30,000 લ્યુમેન 4K પ્રોજેક્ટર દ્વારા સંચાલિત કરવામાં આવશે. એક અદ્રશ્ય 90 % પારદર્શક હોલોગ્રાફિક સ્ક્રીન એવી રીતે મૂકવામાં આવી છે કે તે મુલાકાતીઓને જોઈ શકાતી નથી. સરકારે કહ્યું છે કે, હોલોગ્રામની અસર બનાવવા માટે તેના પર નેતાજીની 3ડી તસવીર મૂકવામાં આવશે. આ પ્રતિમાનું કદ 28 ફૂટ ઊંચું અને 6 ફૂટ પહોળું છે.