વિદેશીઓ માટે ભારત હંમેશાથી આશ્ચર્યનો વિષય રહ્યું છે. એક એવો દેશ, જ્યાં પુષ્કળ ગરીબી છે, બેકારી છે, બેહાલી છે આમ છતાં અહીંના લોકો સમૃદ્ધ છે! સાંસ્કૃતિક પરંપરાઓ, ધર્મ અને રીતિ-રિવાજોના બળ પર આ રાષ્ટ્ર વિકસ્યું છે.
– પરખ ભટ્ટ
અભાવો વચ્ચે જીવતાં હોવા છતાં અહીંની પ્રજાનું આંતરમન સંતોષી છે. આ બાબત કોઈપણ નવા આગંતુકને નવાઈ પમાડે એવી છે. ઔરંગઝેબથી શરૂ કરીને મોહમ્મદ ગઝની સુધીના તમામ મુઘલ શાસકો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના નોકરિયાતના સ્વરૂપમાં ભારત પર કબજો જમાવી ચૂકેલા અંગ્રેજોના મનમાં પણ કદાચ આ બાબતે અચરજ પેદા થયું હશે.
ભારતના રાજા-મહારાજાઓની શૌર્યગાથાઓ આપણે ત્યાં ખાસ્સી પ્રચલિત છે. આજથી હજારો વર્ષ પહેલાનાં ભારતવર્ષના ઇતિહાસમાં તેમની વીરતાના ગુણગાન ગાવામાં આવ્યા છે. પરંતુ અમુક રાજવીઓ એવા પણ થઈ ગયા, જેમના માટે યુદ્ધનું મેદાન યમરાજના સાક્ષાત અવતાર સમું પ્રતીત થવા લાગ્યું હતું. મીટ માંડો ને દૂર દૂર સુધી ફક્ત લાશોના ઢગલા જ દેખાય, ત્યારે કોઈપણ સંવેદનશીલ શાસકના મનમાં એક પ્રશ્ર્ન ઉદભવે કે આવા નરસંહાર પછી પ્રાપ્ત થયેલો વિજયમુગટ મારા શા કામનો? સૈનિકોના મૃતદેહોથી રક્તરંજિત થઈ ગયેલી આવી જ એક યુદ્ધભૂમિએ બૌદ્ધત્વના સર્વશ્રેષ્ઠ અનુયાયીને જન્મ આપ્યો. સમ્રાટ અશોક!
- Advertisement -
અંગ્રેજી લેખક એચ.જી.વેલ્સ પોતાના પુસ્તક ‘આઉટલાઇન ઓફ વર્લ્ડ હિસ્ટ્રી’માં લખે છે, ઇતિહાસના પાનાં પર દફન થયેલા લાખો શાસકોમાં સમ્રાટ અશોકનું સ્થાન ધ્રુવ તારા સમાન છે! કલિંગના યુદ્ધ બાદ સમ્રાટ અશોક રણભૂમિ પર આવ્યા ત્યારે તેમનું હૃદય ખૂબ વિચલિત થઈ ગયું હતું.
છિન્નભિન્ન થઈ ગયેલા 1 લાખથી વધુ મૃતદેહો, માંસ આરોગવા માટે આકાશમાં ચકરાવા લેતાં ગીધ, લોહીથી લથબથ શરીરની દુર્ગંધ અને ક્ષત-વિક્ષત આત્માઓની અનુભૂતિ! સમ્રાટે તત્કાળ યુદ્ધનો માર્ગ ત્યજીને બુદ્ધનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો. મલય, સેલોન, ઇન્ડોનેશિયા, નેપાળ, ચીન, તિબેટ, મોંગોલિયા સુધી તેમણે બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો.
પ્રાણી, પશુ કે અન્ય જીવો પ્રત્યે સમભાવ રાખવાથી માંડીને ભોજનમાં ફક્ત શાકાહારી ખોરાક આરોગવાનો તેમણે પ્રજાજનોને અનુરોધ કર્યો હતો. આત્માનુભૂતિના એ સમય દરમિયાન સમ્રાટ અશોકને એ હકીકતનો પણ અહેસાસ થઈ ગયો કે મનુષ્ય જાતિ પાસે હાલ જે વિજ્ઞાન અને ધર્મના સમન્વયથી રચાયેલું સાંયોગિક જ્ઞાન છે, એની માવજત થવી જરૂરી છે.
- Advertisement -
અયોગ્ય હાથોમાં સોંપાયેલી સત્તા વિશ્વસંહારક પૂરવાર થઈ શકે છે. અને આ વિચાર સાથે જન્મ થયો, નવ સભ્યોના અજ્ઞાત રહસ્યમયી સંગઠનનો! ધ સિક્રેટ ઓર્ગેનાઇઝેશન ઓફ નાઇન મેન!
વેદ-પુરાણ, ઉપનિષદ અને તમામ ઋષિમુનિઓના પૌરાણિક જ્ઞાનને નવ અલગ-અલગ વિભાગોમા વહેંચી નાંખવામાં આવ્યા. દરેક ભાગના દળદાર પુસ્તકો બન્યા.
સમગ્ર ભારતવર્ષના નવ ધુરંધરોને એ પુસ્તકો આપીને જીવનપર્યંત એની રક્ષાનું દાયિત્વ સોંપવામાં આવ્યું. ઉંમરના આખરી પડાવ પર જ્યારે તેઓ પોતાની જવાબદારીમાંથી નિવૃત થવા ઇચ્છે ત્યારે પુસ્તકને સંગઠનના આગામી સભ્યને આપવાની તાકીદ સાથે નવે-નવ સભ્યોને વિશ્વના જુદા જુદા ખૂણે મોકલી દેવાયા, જેથી ભવિષ્યમાં એમના પર કોઈ સંકટ પેદા ન થાય. ફક્ત આટલું જ નહીં, જીવનકાળ દરમિયાન પ્રત્યેક સભ્ય પોતાની પાસે રહેલાં પુસ્તકમાં નવી માહિતીઓનો ઉમેરો પણ કરશે, એવી સૂચના આપવામાં આવી. એકબીજા સાથે સંવાદ સાધવા માટે ખાસ પ્રકારની ભાષાનું પણ નિર્માણ થયું.
સમ્રાટ અશોકના દાદા એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. આજના સમયના કલકતા અને મદ્રાસ વચ્ચે સ્થિત કલિંગ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે સમ્રાટ અશોકે પુષ્કળ યુદ્ધો લડ્યા. ઇસુપૂર્વે 270ની સાલમાં રચાયેલા સમ્રાટ અશોકના કથિત રહસ્યમય સંગઠને છેલ્લા અઢી હજાર વર્ષોની અંદર કેટકેટલી સંસ્કૃતિના ઉત્થાન અને અધ:પતન જોયા. પરંતુ સમ્રાટ અશોક તરફથી એમને સ્પષ્ટ સૂચના હતી કે, તેઓ દરેક ઘટનાનાં મૂક સાક્ષી બનશે. એમાં ખલેલ કે દખલગીરી કરવાની એમની પાસે છૂટ નહોતી! એમનું કાર્ય ફક્ત પોતાની પાસે રહેલા અમર્યાદિત પૌરાણિક જ્ઞાનના રક્ષણ કરવાનું હતું. આ પડાવ પર સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એ નવ પુસ્તકોમાં એવું તે શું સમાયેલું હતું, જેના માટે આપણે આટલી ચર્ચા કરી રહ્યા છીએ? સૌપ્રથમ તો એ જાણી લો કે, નવ ગ્રંથોના તમામ વિષયો પર સંશોધન કરવાનું કામ તો દૂર, આધુનિક ટેક્નોલોજી એ અંગેનો વિચાર સુદ્ધાં નથી કરી શકી!
(1) કૂટનીતિ : પહેલા પુસ્તકમાં વૈચારિક યુદ્ધને અંજામ આપવા માટેની ટેક્નિક્સનું જ્ઞાન સમાવિષ્ટ છે. આખા રાષ્ટ્રો અને સમાજના બૃહદ વર્ગના લોકોના મનોમસ્તિષ્કમાં કોઈ એક સ્વતંત્ર વિચારધારા કબજો જમાવી લે તો શું પરિણામ આવે? હિટલર-મુસોલિની જેવા શાસકો કદાચ દરેક સદીમાં પેદા થવા માંડે, જે ફક્ત કોઈ પ્રદેશ પૂરતા સીમિત ન રહીને સમગ્ર વિશ્વ પર રાજ કરવાની ક્ષમતા ધરાવતાં હોય! ઘણા લોકો એવું માને છે કે ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે!
(2) શરીરવિજ્ઞાન : શરીરના કોઈ નિર્ધારિત ભાગ પરનો સ્પર્શ વ્યક્તિને મૂર્છાવસ્થા અપાવી શકે? જી હાઁ, બેશક. બીજા પુસ્તકમાં શરીરને લગતાં વિજ્ઞાનની સમજ આપવામાં આવી છે. ઝેર બનાવવાની પદ્ધતિથી માંડીને ફક્ત હળવા સ્પર્શના માધ્યમથી દુશ્મનને મૌતને ઘાટ ઉતારી શકવાનું ખતરનાક કૌશલ્ય એમાં શીખવવામાં આવ્યું છે. ‘જુડો’ માર્શિયલ આર્ટ્સને એમાંની જ એક પદ્ધતિ તરીકે સ્વીકારવામાં આવે છે. મોડર્ન વર્લ્ડમાં ઘેર-ઘેર પ્રચલિત સ્પા અને એક્યુપંક્ચર પણ શરીરવિજ્ઞાનની જ સમજ આપે છે ને?
(3) માઇક્રોબાયોલોજી : ત્રીજા ગ્રંથનો સીધો સંબંધ બાયોટેક્નોલોજી અને માઇક્રોબાયોલોજી સાથે છે, જે સૂક્ષ્મ જીવજંતુઓના વિજ્ઞાન આધારિત જ્ઞાન ધરાવે છે. એક માન્યતા એવી પણ છે કે, કોલેરાની રસી આ પુસ્તકની મદદ લઈને જ વિકસાવવામાં આવી હતી, જેણે માનવજાત માટે વરદાનરૂપ કાર્ય કર્યુ હતું. બેક્ટેરિયા કે વાઇરસને રોગના ઉપચાર માટે ઉપયોગમાં લેવાની વિવિધ પદ્ધતિઓનો એમાં ખાસ ઉલ્લેખ છે. કેટલાક લોકોનું ધારણા છે કે, ગંગા નદીને આવા જ ફાયદાકારક માઇક્રોબ્સના માધ્યમ વડે શુદ્ધ કરવામાં આવી છે, જેના લીધે એ ક્યારેય મેલી નથી થતી!
(4) રસાયણ શાસ્ત્ર : તાંબુ કે પિત્તળ જેવી સામાન્ય ધાતુને બીજી સોનામાં ફેરવી શકવાની ક્ષમતા ધરાવનાર પૌરાણિક જ્ઞાનનો સમાવેશ ચોથા પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ધર્મગ્રંથોમાં સૂચવ્યા મુજબ, પહેલાના સમયમાં અમુક મંદિરોને ભરપૂર માત્રામાં સોનામહોરો મળ્યા રાખતી હતી, પરંતુ તેના મૂળ સ્ત્રોત વિશે કોઈને ય ખ્યાલ નહોતો. તો શું શક્ય છે કે આ કાર્ય માટે પૌરાણિક રસાયણ શાસ્ત્રનો ઉપયોગ થતો હોય? જેના પર કદીય ક્ષાર નથી જામતો એવા દિલ્હી સ્થિત લોહસ્તંભ વિશે આપનું શું માનવું છે?
(5) કમ્યુનિકેશન : આકાશગંગાની અન્ય પૃથ્વીઓ પરના જીવ કે અન્ય બ્રહ્માંડો સાથે સંપર્ક સાધવા માટેના નુસખાઓ વિશે પાંચમા પુસ્તકમાં ઝીણવટપૂર્વકની માહિતી છે. આજથી બે હજાર વર્ષ પહેલા પરગ્રહવાસીઓના અસ્તિત્વ અંગે એ સમયની પ્રજાને જરાસરખી પણ શંકા નહોતી એવું અહીં સ્પષ્ટ જણાઈ આવે છે.
(6) ગુરૂત્વાકર્ષણ : ગુરૂત્વાકર્ષણ બળની વિરૂદ્ધ જઈ શકવાના રહસ્ય વિશે છઠ્ઠા પુસ્તકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. એ સમયમાં પુષ્પક વિમાન સહિતના અન્ય ઉડી શકે એવા ઉડ્ડયનયાનની બનાવટમાં આ પુસ્તકમાંની પદ્ધતિઓનો ઉપયોગ થયો હોવો જોઈએ. ઋષિ ભારદ્વાજના ‘વૈમાનિક શાસ્ત્ર’માં તો કેટલાક એવા વિમાનો અને ઉડ્ડયન-પદ્ધતિઓ વિશે વાત કરવામાં આવી છે, જ્યાં સુધી પહોંચવાનું ગજું આપણા આધુનિક એરોનોટિક્સ પાસે પણ નથી!
(7) વિશ્વ-ઉત્પત્તિ : બ્રહ્માંડના અજ્ઞાત રહસ્યો અને વિશ્વની ઉત્પત્તિ પાછળના કારણોની સમજ સાતમા પુસ્તકમાં અપાઈ છે. તદુપરાંત, પ્રકાશની ગતિ કરતા વધુ ઝડપે કાર્ય કરી શકે એવા રોકેટ્સ, સ્પેસ અને ટાઇમના પરિમાણોને ધાર્યા મુજબ ઉપયોગમાં લેવાની પદ્ધતિ, બે જુદા જુદા પરિમાણ વચ્ચે પ્રવાસ ખેડી શકવાના રહસ્યો અને ટાઇમ-ટ્રાવેલ જેવી આધુનિક વિજ્ઞાનની કલ્પનાઓને વાસ્તવિકતામાં બદલતા સિદ્ધાંતોથી ભરપૂર છે આ પુસ્તક!
(8) પ્રકાશ : કુદરતી પ્રકાશના સ્વભાવની ઊંડાણપૂર્વક સમજ સમ્રાટ અશોકના આઠમા પુસ્તકમાં સમાવિષ્ટ હોવાની ધારણા છે. પ્રકાશની ગતિ વધારી કે ઘટાડી શકવાના સિદ્ધાંતો તથા વ્યક્તિની ઇચ્છા મુજબ તેને વાળી શકવા માટેના પ્રમેયો અને ત્યારબાદ તેનો ઘાતક લેઝર-લાઇટ તરીકે ઉપયોગમાં લેવાની ટેક્નિક્સનો એમાં સમાવેશ થયો છે.
(9) સમાજશાસ્ત્ર : સંસ્કૃતિઓના ઉત્થાન અને પતન વિશેની જાણકારી આપતો આ ગ્રંથ, અન્ય પુસ્તકોની સરખામણીમાં મહત્વનો એટલા માટે કહી શકાય કેમકે અહીં સમાજના અલગ અલગ સમુદાયો વિશેની વાત કરવામાં આવી છે. કોઈપણ સંસ્કૃતિનો નાશ પામવાનો અથવા અધ:પતનનો સમય ચોકસાઈપૂર્વક માપી તથા સમયસર રોકી શકાય છે, એ જ્ઞાન છેલ્લા પુસ્તકમાં સમાવિષ્ટ છે.
ચાણક્યનું અર્થશાસ્ત્ર સમ્રાટ અશોકના પહેલા પુસ્તકનો અંશ માત્ર છે !
તમામ પુસ્તકોના જ્ઞાનને રહસ્ય રાખવાના વચન સાથે સંગઠનના નવ અજ્ઞાત સભ્યો સમય-સમયાંતરે જરૂર પડ્યે એમાંના કેટલાક રહસ્યોનો ખુલાસો કરતા આવ્યા છે. ફ્લાઇટ અને એરોનોટિક્સ વિશેની વાત થઈ રહી હોય કે પછી અણુબોમ્બની, દરેક નવી શોધ પાછળ એમની છૂપી મદદ મળતી આવી છે એવું ઇતિહાસકારોનું માનવું છે. શારીરિક ચિકિત્સા માટેના પ્રેશર પોઇન્ટ્સ અને માર્શલ આર્ટ્સના જુદા જુદા સ્વરૂપો પણ આનું જ પરિણામ છે! કોલેરા અને પ્લેગની રસીની શોધ ન થઈ હોત તો સમગ્ર માનવજાતનું નિકંદન નીકળી જતાં વાર ન લાગી હોત!
મુદ્દો એ છે કે, આધુનિક સમાજને સમ્રાટ અશોકના આ છૂપા સંગઠન વિશેની વાત આખરે મળી ક્યાંથી? શું ખરેખર આ કોઈ કપોળકલ્પિત વિચાર છે કે પછી અણીશુદ્ધ વાસ્તવિકતા? ઇતિહાસમાં આ અંગે કેટલાક ખુલાસાઓ થયા છે, જેમાં એ બાબત પૂરવાર થઈ છે કે દુનિયાના સૌથી જૂના અને ખૂફિયા ગણાતાં આ સંગઠનના અસ્તિત્વને સાવ નકારી દેવા જેવું તો નથી જ!
ગર્બર્ટ દ’ઔરલિયાકમાં દસમી સદીમાં જન્મેલા પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય)નો કિસ્સો ખાસ ટાંકવા જેવો છે. ભારતના પ્રવાસે આવતાં પહેલા તેમણે થોડો સમય સ્પેનમાં ગાળ્યો હતો. તેઓ જ્યારે ભારતના પ્રવાસે આવ્યા ત્યારે અહીંની સંસ્કૃતિ અને ધર્મનો આસ્વાદ માણીને અભિભૂત થઈ ગયા. થોડા વર્ષો ભારતભૂમિ પર વ્યતિત કરીને તેઓ ફરી પોતાના દેશ પરત ફર્યા, પરંતુ ખાલી હાથે નહીં! તેમની પાસે પિત્તળની ધાતુથી બનેલી એક ખોપરી હતી, જે અત્યારના રોબોટિક-હેડ સાથે મેળ ખાતી હતી. તેને કોઈ પ્રશ્નો પૂછો ત્યારે એ ‘હા’ કે ‘ના’માં જવાબ આપતી હતી. પોપ સિલ્વેસ્ટરની ખ્યાતિ રાતોરાત વધી ગઈ. એ સમયના લોકો માટે જાદુ સમાન એ ખોપરી કોઈ અજાયબીથી કમ નહોતી. એવું માનવામાં આવે છે કે પોપ સિલ્વેસ્ટરે આ ખોપરીનું નિર્માણ સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનના સભ્યો પાસેથી જરૂરી જ્ઞાન મેળવ્યા બાદ કર્યુ હતું.
આટલેથી વાત અટકતી નથી. ભારતમાંથી પરત ફર્યાના થોડા જ સમયની અંદર પોપ સિલ્વેસ્ટરનું આકસ્મિક અને રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું. એવું કહેવાય છે કે તેઓ આ બોલતી ખોપરીનો રાઝ વિશ્વ સમક્ષ ખૂલ્લો મૂકવાની તૈયારીમાં હતાં. તેમને આ જ્ઞાન ક્યાંથી લાધ્યું અને ભવિષ્યમાં આગામી નવી પેઢી આવી બોલતી ખોપરીઓ કેવી રીતે બનાવી શકે એ વાતનો તેઓ ખુલાસો કરવાના હતાં. પરંતુ તેમના મૃત્યુની સાથે એમનું રહસ્ય ત્યાં જ દફન થઈ ગયું. બોલતી ખોપરીને તોડી-ફોડીને વિખેરી નાંખવામાં આવી, જેના લીધે તેનું મિકેનિઝમ સમજવાનો કોઈ અવસર ઉભો જ ન થયો!
‘કમ્પ્યુટર્સ એન્ડ ઑટોમેશન’ના 1954ની સાલના અંકમાં પોપ સિલ્વેસ્ટરની આ શોધનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં લખ્યું છે કે, ‘બેશક, પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) પાસે એમના સમયની સરખામણીમાં એવી અત્યાધુનિક મિકેનિકલ ચીજ હતી, જેના નિર્માણ માટે મોડર્ન-સાયન્સની આવશ્યકતા પડે એમ હતી, જે એ વખતે ઉપલબ્ધ નહોતું!’
પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) એકમાત્ર એવા વ્યક્તિ નહોતાં, જેમને પૌરાણિક સમયના ભારતનું જ્ઞાન હાંસિલ થયું હોય! કેટલીક માન્યતા મુજબ, ભારતના સ્પેસ પ્રોગ્રામ માટે જાણીતાં નામો-વૈજ્ઞાનિકો જેવા કે, જગદીશચંદ્ર બોઝ અને વિક્રમ સારાભાઈને પણ લોકો સમ્રાટ અશોકના ખૂફિયા સંગઠનનો હિસ્સો માને છે, કારણકે ભારતમાં આધુનિક વિજ્ઞાનની નીંવ રાખનારા વૈજ્ઞાનિકોમાં તેમનો ફાળો અત્યંત મહત્વનો રહ્યો છે. તદુપરાંત, ફ્રેન્ચ કેમિસ્ટ અને માઇક્રોબાયોલોજિસ્ટ લુઇસ પેસ્તરને પણ સંગઠનના કેટલાક સભ્યો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યા હોવાની વાત મળી આવી છે.
19મી સદીમાં ફ્રેન્ચ લેખક જેકલ્લિયોટે એ સમયના પોતાના પુસ્તકમાં ઊર્જા, રેડિયેશન અને સાયકોલોજીકલ વોરફેર વિશે ઊંડાણપૂર્વકની ચર્ચા કરી હતી. એમના પર પણ સંગઠનના સભ્યોનો હાથ હોવાની ધારણા બાંધવામાં આવી હતી. સમ્રાટ અશોકના રહસ્યમય સંગઠનની આ ખૂફિયા વિગતો બહાર પાડનાર વ્યક્તિઓમાં સૌથી મહત્વનું નામ છે, તેલ્બત મુન્ડીનું! જેણે નવે-નવ પુસ્તકોની વિગતો અને સંગઠનના ઇતિહાસ વિશેની છૂપી બાબતો ખોળી કાઢવાનું કામ કર્યાનો ઇતિહાસમાં ઉલ્લેખ છે. તેલ્બત મુન્ડીએ પોતાના જીવનના 25 વર્ષો ભારતમાં સેવા આપતી ‘બ્રિટિશ પોલીસ ફોર્સ’માં વીતાવ્યા હતાં. તેણે ભારતના ખૂણે-ખૂણામાં ભ્રમણ કરીને સંગઠન વિશે જાણકારી મેળવવાનો દાવો કર્યો હતો. પોતાના પુસ્તક ‘નાઇન અનનોન મેન’ (ગઈંગઊ ઞગઊંગઘઠગ ખઊગ)માં તેલ્બતે પોતાની શોધખોળ વિશેની સમગ્ર બાબતો પર પ્રકાશ પાડ્યો છે.
સમ્રાટ અશોકે વાસ્તવમાં આવું કોઈ સંગઠન બનાવ્યું હતું કે પછી આ કોઈના મગજે ઉપજાવી કાઢેલી વાતો છે? હજુ સુધી કોઈ નક્કર પુરાવાઓ નથી મળી શક્યા, જે સંગઠનના અસ્તિત્વને સ્વીકૃતિ આપી શકે. આમ છતાં એટલું તો નક્કી છે કે ઇતિહાસ ક્યારે ય જૂઠી વાતો ન કરે. આટલા બધા લોકોના અનુભવો અને એમની વાતો ફક્ત એક કલ્પના કેવી રીતે હોઈ શકે?
ભારતના મહાન વૈજ્ઞાનિકો જગદીશચંદ્ર બોઝ, વિક્રમ સારાભાઈ અને 10મી સદીમાં થઈ ગયેલા પોપ સિલ્વેસ્ટર (દ્વિતીય) પાસે વિશ્ર્વને અભિભૂત કરી મૂકે એવા રહસ્યો હોવાનો દાવો ઘણાં જાણકારોએ કર્યો છે. સમયથી આગળ અને માનવ મગજની કલ્પનાને પેલે પાર કહી શકાય એવી અવનવી ખોજ તથા ચીજ-વસ્તુઓ એમની પાસે જોવા મળી હતી. શું ખરેખર આ વાતનો સંબંધ આજથી અઢી હજાર પહેલા નિર્માણ પામેલા એક ખૂફિયા સંગઠન સાથે છે?