કિન્નર આચાર્ય
હૃદય ઠાલવ્યા વગર ઉત્તમ ડિશ બની જ ન શકે અને જ્યાં ઉત્તમ ખાનપાન હોય ત્યાં મિલન પણ મધુર હોય. શ્રેષ્ઠ ફુડ વિનાની બેઠક એ મીટિંગ માત્ર કહેવાય, મહેફિલ નહીં.
ભોજન પ્રત્યેનાં પ્રેમ જેવો નિર્મળ અને ગાઢ પ્રેમ બીજો એકેય નથી! જ્યોર્જ બર્નાર્ડ શૉએ આ વાક્ય લખ્યું ત્યારે તેમને ખ્યાલ જ હતો કે, જગતમાં ફૂડી લોકોની અને સ્વાદરસિયાઓની બહુમતિ છે. સ્મરણ રહે: સ્વાદરસિયા એટલે ખાઉધરા નહીં, અકરાંતિયા પણ નહીં. સ્વાદરસિયા એટલે એવી વ્યક્તિ જે સ્વાદિષ્ટ ભોજન કરવાનું ક્યારેય ચૂકતી નથી. બ્રેકફાસ્ટથી લઈને ડિનર સુધીનાં દરેક ભોજનમાં જે સ્વાદ શોધે છે અને તેમાં સમાધાનો સ્વીકારતી નથી. અને એવું જ હોવું જોઈએ. સમસ્ત બ્રહ્માંડમાં આ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં ભોજન છે, કૂકિંગ છે, વાનગીઓ છે. હજારો-લાખો લઝિઝ ડિશીસ છે. કોઈએ સત્ય જ કહ્યું છે કે, એક નવી ડિશની શોધ માણસજાતને જેટલી ખુશી આપી શકે, તેટલી ખુશી તો એક નવા ગ્રહની શોધ પણ ન આપી શકે.
- Advertisement -
આજકાલ ઈન્ટરનેટ પર અને પ્રિન્ટ મીડિયામાં સૌથી વધુ શું વંચાય છે? રેસિપી અને વાનગીની વાતો. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શું સૌથી વધુ જોવાય છે? કૂકિંગ અને રેસિપી વિડીયો. માણસને સ્પર્શતી બાબતોમાં ફૂડથી ઉપર બીજું કશું નથી. ફેશન, સેક્સ વગેરે બધું જ તેની બાદમાં આવે છે. કૂકિંગ કરતાં બહેતર કોઈ કળા નથી. તમે અને હું નરી આંખે પ્રેમ ભાળી શકતા નથી પરંતુ સારી ડિશ એ પ્રેમનું દૃશ્યમાન સ્વરૂપ છે. જોઈ શકાય તેવો પ્રેમ એટલે ફૂડ. પ્રેમનું ખાદ્ય સ્વરૂપ એટલે ફૂડ.
આજકાલ કૂકિંગનું- રેસિપીનું માર્કેટ ફૂલગુલાબી છે. પરંતુ ભારતમાં એક પ્રકારની ફાલતું મહિલા ચળવળ પણ ઘણી સ્ત્રીઓનાં દિમાગમાં ચાલી રહી છે. આ મહિલા વર્ગ એવું માને છે કે, રસોઈ એ નિરર્થક વ્યાયામ છે. તેમને લાગે છે કે, ભણતર, સ્પોટર્સ અને ઈત્તર પ્રવૃત્તિઓ જ સર્વસ્વ છે. વાસ્તવિકતા એ છે કે, સ્પોટર્સ અને ઈત્તર પ્રવૃત્તિઓ કરતાં જિંદગીમાં રસોઈનું, ફૂડનું મહત્ત્વ અનેકગણું વધુ છે. એક બીજો પણ ટ્રેન્ડ ચાલ્યો છે: કેટલીક યુવતિઓ તો પોતાને રસોઈ ન આવડતી હોય તેને પણ એક સિદ્ધિ માને છે. આઈ હેવ અ પેશન ફોર નોટ કૂકિંગ જેવાં કુવાક્યો યુવતીઓ ગર્વભેર બોલતી હોય છે. બહાનું પછી કરિઅરનું અપાય છે.
સત્ય એ છે કે, કૂકિંગ કળા ક્યારેય કરિઅર માટે અંતરાય ન બની શકે. અન્ય ક્ષેત્રમાં કાઠું કાઢી ચૂકેલાં અનેક પુરુષો પણ સારા કૂક હોય છે. જો કૂકિંગ એમને સફળ થતાં રોકી ન શકે તો કોઈ મહિલાને કેવી રીતે રોકી શકે? ઈનફેક્ટ, કૂકિંગ સ્વયં એક કરિઅર છે, પ્રોફેશન છે. રેસિપી ક્વિન નિશા મધુલિકા જેવી અગણિત મહિલાઓ એ વાતનું ઉદાહરણ ગણાય.
- Advertisement -
રસોઈકળાને ઉતારી પાડવાની જરૂર નથી. આપણે અગાઉ કહ્યું તેમ એ એક મહાન આર્ટ છે. પેઈન્ટિંગ અને મ્યુઝિક જેવી મહાન કળા. જેમ પેઈન્ટિંગમાં વિવિધ રંગોનો ઈસ્તેમાલ કરીને એક કલાકૃતિ બનાવી શકાય તેમ વિધ-વિધ સામગ્રીઓ થકી માસ્ટરપિસ જેવી ડિશ બનાવી શકાય. એકસરખી સામગ્રી અને મસાલાની કિટ તમે દસ લોકોને આપો, તેમને એકસમાન ચૂલા આપો. દસેયની વાનગીનો સ્વાદ અલગ હશે. જેની ડિશ સર્વોત્તમ, એ સૌથી શ્રેષ્ઠ આર્ટિસ્ટ.
ફૂડ એવું હોવું જોઈએ જે તમે માણી શકો. સહન કરવું પડે તે ફૂડ નથી. અને રસોઈ એક સાધનાથી કમ નથી.
જ્યારે તમે બીજાં માટે, પ્રિયજન માટે કે પરિવારજનો માટે કશુંક ટેસ્ટી બનાવો છો ત્યારે સ્વયંસહજ સમાધિમાં સરી પડો છો. રસોઈ એ એક ધ્યાનાવસ્થા છે. અન્ય માટે કશુંક બનાવવું, પ્રેમથી કોઈને જમાડવા એ એક મહાન યોગ છે. તેનાંથી સ્ટ્રેસ ઘટે છે, અંતરમન પ્રફુલ્લિત થાય છે અને ગજબનાક સંતોષ મળે છે. આવી ભાવના જેને પણ થતી હોય તે ઉત્તમ કૂક જ હોય. કારણ કે, કૂકિંગમાં નમક જેટલી જ મહત્ત્વની કોઈ સામગ્રી હોય તો એ પ્રેમ છે.
કેટલાંક લોકો કહેશે કે, જો એવું હોય તો રેસ્ટોરાંનું ફૂડ સ્વાદિષ્ટ કેમ લાગે છે? બને છે એવું કે, મોટાભાગનાં શફ અને કૂક રસોઈ બાબતે પેશન ધરાવતાં હોય છે, યંત્રવત્ ડિશ તૈયાર કરનારા જૂજ લોકો ત્યાં હોય છે. હૃદય ઠાલવ્યા વગર ઉત્તમ ડિશ બની જ ન શકે અને જ્યાં ઉત્તમ ખાનપાન હોય ત્યાં મિલન પણ મધુર હોય. શ્રેષ્ઠ ફુડ વિનાની બેઠક એ મીટિંગ માત્ર કહેવાય, મહેફિલ નહીં.
એક વાત એ પણ સ્મરણમાં રાખવા જેવી છે કે, ઉત્તમ ફૂડ એટલે ઝાકઝમાળવાળું, ડ્રાયફ્રુટ અને મોંઘીદાટ સામગ્રીથી લથપથ ભોજન નહીં. સિમ્પલ ભોજન પણ શ્રેષ્ઠ હોઈ શકે. ડ્રાયફ્રુટ ઢોસા કે ચીઝ ભેળ કે બદામ લસ્સી એ રસોઈકળાની મજાક છે. આપણે હવે ટુથપેસ્ટમાં જ ડ્રાયફ્રુટ- ચીઝ નાંખવાનુ બાકી રાખ્યું છે. આવા ફ્યુઝન એ કૂકિંગનું ક્રુર અપમાન ગણાય. બી સિમ્પલ. જે વાનગી બનાવીએ તેની આમન્યા જાળવીએ તો ઘણું. પાંઉભાજીમાં કેસર નાંખવાનું ન હોય અને આઈસક્રીમમાં ડુંગળી ન શોભે. સિમ્પલ સાઉથ ઈન્ડિયન ઢોસામાં કે યુપીનાં ભૈયાજીના હાથની સિમ્પલ ભેળમાં જે ટેસ્ટ છે, એ ચીઝ-ડ્રાયફ્રુટમાં નથી.
જેમ પ્રવાસ, પ્રસંગો અને ઉત્સવો આપણાં માટે એક મેમરી બની જાય છે, તેવું જ ઉમદા ફૂડનું પણ હોય. ઉત્તમ ભોજનનો અનુભવ તમે ક્યારેય ભૂલી શકતાં નથી. સ્વાદિષ્ટ ભોજનની આ તાકાત હોય છે. ભોજન જેવાં જ મજેદાર તેનાં સંસ્મરણો હોય છે. કોઈ પ્રસંગમાં, કોઈ પ્રવાસમાં, કોઈ ખાસ અવસરે લીધેલું ટેસ્ટી ભોજન તમે આજીવન ભૂલી શકતાં નથી. ફૂડ એવો વિષય છે કે, તેને ટેસ્ટ કરવા જેવી જ લિજ્જત તેને લગતી વાતોમાં પણ હોય છે. એટલે જ જગતનાં લગભગ તમામ ચિંતકોએ ખાનપાન પર, ફૂડ પર લખ્યું છે.
કોઈએ કહ્યું છે કે, જો તમે તમારું રસોડું ઓર્ગેનાઈઝ કરી શકો તો જીવન પણ કરી શકો છો. મને ટેકનોલોજી પર ત્યાં સુધી શ્રદ્ધા નથી જ્યાં સુધી હું સ્વાદિષ્ટ વ્યંજનો ડાઉનલોડ ન કરી શકું! આવા ચબરાકિયાં આમ તો હજારોની સંખ્યામાં મળી રહે, પરંતુ વિખ્યાત અમેરિકન કૂક જુલિયા ચાઈલ્ડના કેટલાંક વાક્યો ખરેખર ચોટદાર છે. થોડાં નમુના જોઈએ: ‘જો તમને બટરથી કેલરીનો ડર લાગતો હોય તો વાનગીમાં ક્રીમ ઠાલવો!’ ભારતીય સંદર્ભમાં કહેવું હોય તો કહી શકાય કે, બટરથી ડર લાગતો હોય તો દેશી ઘી ઠાલવવું! એમણે કહ્યું છે કે, ‘ફેટ ગિવ્ઝ થિંગ્સ ફ્લેવર!’ વાત સાચી પણ છે. સ્નિગ્ધ પદાર્થોનાં ગુણ તો આપણાં વેદોમાં પણ ગવાયા છે.
વાસ્તવમાં ડાયેટિંગ એટલે તમને નહીં ભાવતી વસ્તુઓ ખાવાનાં દિવસો જ હોય છે. વાસ્તવમાં માવા-મલાઈથી ભરપુર ભોજન જ જગતને જીવવાલાયક અને બહેતર-સુંદર બનાવે છે. આજકાલની કેટલીક આળસુ સ્ત્રીઓનાં ઘરમાં રસોડું હોય છે જ એટલાં માટે કે એ મકાન સાથે આવ્યું હોય છે. સત્ય એ છે કે, ભારતીય પરિવારોને જોડી રાખવા પાછળ કિચનની ભૂમિકા બહુ મહત્ત્વપૂર્ણ છે. રસોડું હોય છે જ પરિવારને એક કરવા માટે. કારણ કે, સંબંધોને જોડી રાખવા માટે સ્વાદિષ્ટ ભોજનથી વધુ મહત્ત્વનું પરિબળ ભાગ્યે જ બીજું કોઈ હશે.
પશ્ચિમના કોઈ વિચારકે હેપ્પીનેસની વ્યાખ્યા આપી છે: અ ગૂડ બેન્ક એકાઉન્ટ, અ ગૂડ કૂક એન્ડ અ ગૂડ ડાયેજશન. ભારતીય સમાજજીવનને ધ્યાને રાખીને જો હેપ્પીનેસની વ્યાખ્યા આપવી હોય તો કહી શકાય કે, ‘એક તગડું બેન્ક બેલેન્સ, ઉમદા ભોજન બનાવતી પત્ની અને ઉત્તમ સ્વાસ્થ્ય. એક આઈરિશ કહેવત થોડામાં ઘણું બધું કહી જાય છે: જ્યાં ઉત્તમ વાનગીઓ હોય ત્યાં એકદમ ખડખડાટ અને ચળકતું હાસ્ય જોવા મળે છે! કેટકેટલી અદ્ભુત વાતો વાંચવા મળે છે કૂકિંગ અંગે! કહે છે, જ્યારે તમે બેકિંગ કરતા હોય ત્યારે ઇન્સ્ટ્રકશનને ફાલો કરો, કૂકિંગ કરતા હો ત્યારે અંતરાત્માનું માનો!
અને છેલ્લી વાત: રસોડું એટલે શું? જવાબ છે:
ઘરનો આત્મા!