કોરોના મહામારીના કારણે જીએસટીની આવકમાં થયેલા ધરખમ ઘટાડાના પગલે રાજ્યોનો હિસ્સો આપવામાં કેન્દ્ર સરકાર દ્વારા થઈ રહેલા વિલંબ અને રાજ્યોની આર્થિક કટોકટીનો ઉકેલ શોધવા પર ચર્ચા કરવા ગુરુવારે દિલ્હીમાં જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક યોજાઈ હતી.
જીએસટી કાઉન્સિલની ૪૧મી બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં કેન્દ્રીય મહેસૂલ સચિવ અજય ભૂષણ પાંડેએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના કારણે જીએસટીની આવક પર ગંભીર અસર પડી છે. ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષમાં જીએસટીની આવકમાં રૂપિયા ૨.૩૫ લાખ કરોડની ઘટ પડશે. તેથી રાજ્યોને અપાતા જીએસટી વળતરનો તફાવત ચાલુ વર્ષે વધીને અંદાજે રૂપિયા ૨.૩૫ લાખ કરોડ રહેશે. પાંડેએ જણાવ્યું હતું કે, રાજ્યોને ચૂકવાતું જીએસટી વળતર અંદાજિત રૂપિયા ૩ લાખ કરોડ છે અને સેસમાંથી થતી આવક રૂપિયા ૬૫,૦૦૦ કરોડ અંદાજવામાં આવી છે. જેના પગલે રાજ્યોને ચૂકવાતા વળતરનો તફાવત રૂપિયા ૨.૩૫ લાખ કરોડ રહેશે. જીએસટીના અમલના કારણે વળતરની ઘટ રૂપિયા ૯૭,૦૦૦ કરોડ અંદાજવામાં આવી છે. બાકીની ઘટ કોરોના મહામારીના કારણે ઊભી થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ ૨૦૨૦થી જુલાઈ ૨૦૨૦ સુધી રાજ્યોને ચૂકવવા પાત્ર કુલ જીએસટીનું વળતર રૂપિયા ૧.૫ લાખ કરોડ થાય છે કારણ કે એપ્રિલ અને મે મહિનામાં જીએસટી પેટે ભાગ્યે જ સરકારને કોઈ આવક થઈ છે.
- Advertisement -
રાજ્યોને અપાયેલા બે વિકલ્પ
રાજ્યો રિઝર્વ બેન્ક પાસેથી વાજબી વ્યાજદરે રૂપિયા ૯૭,૦૦૦ કરોડ ઉધાર લે અને આ રકમ જીએસટીના અમલના પાંચ વર્ષ પૂરા થાય ત્યારે વર્ષ ૨૦૨૨ના અંતે સેસમાંથી થયેલી આવકમાંથી ચૂકવવાની રહેશે.
રાજ્ય સરકારો સ્પેશિયલ વિન્ડો અંતર્ગત ચાલુ વર્ષની સંપૂર્ણ ઘટની રૂપિયા ૨.૩૫ લાખ કરોડની રકમ રિઝર્વ બેન્કનો સંપર્ક કરી ઉધાર લઈ લે.