BCCIએ બેઠકને સ્થગિત કરી
બીસીસીઆઇએ સાઉથ આફ્રિકાના આગામી પ્રવાસ માટે પસંદગી સમિતિની બેઠકને સ્થગિત કરી દીધી છે. પ્રવાસને આગળ વધારતા પહેલાં બોર્ડ ભારત સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યું છે. ઓમિક્રોન વાઇરસના કારણે સાઉથ આફ્રિકાને જોખમી દેશ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. જોકે ભારતની એ-ટીમ હાલમાં સાઉથ આફ્રિકામાં છે અને બીજી બિનસત્તાવાર ટેસ્ટ પણ રમી રહી છે. કાનપુર ખાતેની પ્રથમ ટેસ્ટ બાદ પસંદગી સમિતિની બેઠક યોજવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તેને છેલ્લી ઘડીએ રદ કરવામાં આવી છે.
ભારતની નેશનલ ટીમે આઠમી ડિસેમ્બરે સાઉથ આફ્રિકા રવાના થવાનું છે પરંતુ હજુ સુધી ખેલાડીઓને ટ્રાવેલિંગ અંગેની કોઇ માહિતી પણ આપવામાં આવી નથી. રોહિત, બુમરાહ, રિષભ પંત, શમી તથા લોકેશ રાહુલ જેવા ખેલાડીઓ પણ બાયો-બબલમાં પ્રવેશવા માટે બોર્ડની સૂચના અંગ રાહ જોઇ રહ્યા છે.
- Advertisement -
અગાઉ ખેલાડીઓને ત્રીજી ડિસેમ્બરથી મુંબઇમાં ક્વોરન્ટાઇન થવાનું છે તેવો નિર્દેશ કરવામાં આવ્યો હતો. બીજી તરફ સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રાલયે ભારતીય ટીમને પૂરા પ્રવાસ દરમિયાન ઉચ્ચ સ્તરીય બાયો-બબલ આપવાની ખાતરી આપી છે.