15 વર્ષના આકાશ મનોજે શોધેલા ‘સાયલેન્ટ હાર્ટએટેક’ને ઓળખનારા યંત્રનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
તામિલનાડુના વતની એવા 15 વર્ષની ઉંમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મૂકી દીધી છે. આકાશ મનોજ નાનો હતો ત્યારથી એને મેડિકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો, ત્યારે 13 વર્ષની વયે એ મેડિકલ સાયન્સના જર્નલ વાંચવા માટે બેંગ્લોરની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સની લાઇબ્રેરીમાં નિયમિત રીતે જતો હતો.
આકાશને એના દાદા સાથે ખૂબ મનમેળ હતો. દાદાજીને હાઇ બ્લડપ્રેશર અને ડાયાબીટિસ હતું પણ તબિયત ખૂબ સારી હતી. એક વખત આકાશના દાદાનું અચાનક આવેલા હૃદયરોગના હુમલાને કારણે અવસાન થયું. હાર્ટએટેક સાવ અચાનક આવ્યો આથી યોગ્ય સારવાર આપવામાં આવે તે પહેલા જ દાદાનું અવસાન થયું. દાદાની વિદાયથી આકાશ ખૂબ દુ:ખી થયો.
- Advertisement -
હાર્ટએટેક એટેક માટેના બાહ્ય લક્ષણો જેવા કે છાતીમાં દુ:ખાવો થાય, ડાબા હાથમાં દુ:ખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે… વગેરેને કારણે માણસને એટેકની ખબર પડી જાય અને કદાચ સમયસર સારવાર પણ મળી જતા માણસ બચી પણ જાય. પણ ઘણી વખત આવા બાહ્યલક્ષણો જોવા મળતા નથી પણ હૃદય ચોક્કસ પ્રકારના સિગ્નલ આપતું હોય છે. જો હૃદયના આ શાંત સિગ્નલને ઓળખી શકાય તો માણસની સમયસર સારવાર થઈ શકે અને એનો જીવ બચાવી શકાય.
આકાશે આ બાબતમાં સંશોધન ચાલુ કર્યું. 10માં ધોરણમાં અભ્યાસ કરનારા આ છોકરાને મેડિકલ સાયન્સમાં પહેલેથી રસ પડતો હોવાથી એણે આ બાબતે સંશોધન શરૂ કર્યું. આકાશ મનોજનું એક ધ્યેય હતું કે મારે એવું સાધન બનાવવું છે જે સાયલન્ટ હાર્ટએટેકને ઓળખી અને એની જાણ કરી શકે. સામાન્યમાં સામાન્ય માણસ પણ એનો ઉપયોગ કરી શકે એવું સસ્તુ પણ બનાવવું છે જેથી લાખો લોકો એનું અમૂલ્ય જીવન બચાવી શકે.
આકાશે ખૂબ મહેનત કરીને એક ચીપ તૈયાર કરી. આ ચીપને હાથના કાંડા પર અથવા તો કાનની પટ્ટી પર લગાડવાની. ચીપમાં રહેલ પોઝિટિવ ઇલેક્ટ્રીકલ તરંગો હૃદયમાંથી ઉત્પન થતા ઋઅઇઙ3-પ્રોટીન નામના નેગેટિવ પ્રોટીનને પોતાના તરફ ખેંચે જ્યારે નેગેટિવ પ્રોટીનની માત્રા વધી જાય ત્યારે તે પેલી કાંડા પર લગાવેલી ચીપ પરથી ખબર પડી જાય. આ હાર્ટએટેક આવવાના લક્ષણો છે. જો 6 કલાકમાં માણસને યોગ્ય સારવાર આપી શકાય તો એનું અમૂલ્ય જીવન બચાવી શકાય. 15 વર્ષના આ બાળકે શોધેલા ‘સાયલેન્ટ હાર્ટએટેક’ને ઓળખનારા યંત્રનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
- Advertisement -
મોટું કામ મોટા માણસો જ કરી શકે એવું ન હોય. મોટા કામ કરવા માટે ઉંમર નાની હોય તો ચાલે પણ સંકલ્પ મોટો હોવો જરૂરી છે.