મહાશિવરાત્રિ મેળો-2026 : ખર્ચમાં પારદર્શિતા લાવવા અને ભ્રષ્ટાચાર રોકવા વિરોધ પક્ષના નેતાની કલેક્ટરને રજૂઆત
ભ્રષ્ટાચારનો હવાલો આપી વિપક્ષે સ્પેશિયલ ઑડિટ અને સર્વપક્ષીય સમિતિની માંગ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જૂનાગઢના ભવનાથ તળેટીમાં આગામી મહાશિવરાત્રી મેળાના આયોજન પૂર્વે જ ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા લલિત પરસાણાએ જિલ્લા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરી આગામી મેળામાં જનતાના ટેક્સના પૈસાનો દુરુપયોગ રોકવા અને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા માટે સ્પેશિયલ ઓડિટ તેમજ ખાસ સમિતિની રચના કરવાની માંગ કરી છે.
ભૂતકાળના મીની કુંભ મેળામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો…
વિપક્ષી નેતાએ પોતાની રજૂઆતમાં 2019 ના મિની કુંભ મેળાના ઉદાહરણો ટાંકીને તંત્ર પર આકરા પ્રહાર કર્યા છે. 2019 માં મિની કુંભ મેળા દરમિયાન કરોડો રૂપિયાના ખર્ચે જે ટેન્ટ બનાવવામાં આવ્યા હતા, તેનો કોઈ જ ઉપયોગ થયો ન હતો અને સાધુ-સંતોએ પણ તે સમયે તંત્રની બેદરકારી અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. આક્ષેપ કરવામાં આવ્યો છે કે 2019 ના મેળામાં ખર્ચાયેલી રકમનો મોટો હિસ્સો મુસાફરોની સુવિધા માટે વપરાવાને બદલે ભ્રષ્ટાચારમાં હોમાઈ ગયો હતો, જેનાથી મહાશિવરાત્રી મેળાની ગરિમાને ઠેસ પહોંચી હતી.
ઓડિટ રિપોર્ટમાં બહાર આવેલી નાણાકીય અનિયમિતતાઓ…
2020-21 ના સરકારી ઓડિટમાં મિની કુંભ મેળાના ખર્ચ અંગે કુલ 17 જેટલા ગંભીર વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે. ઓડિટમાં બહાર આવેલી કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.
1 વોલ પેઈન્ટિંગ અને ફ્લેક્સ ફ્રેમિંગ: ભવનાથ વિસ્તારની દીવાલોમાં 17,668 ચોરસ ફૂટ વોલ પેઈન્ટિંગ અને 16,800 ચોરસ ફૂટ ફ્લેક્સ બેનર માટે અંદાજે રૂ. 54 લાખનું બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
2 મર્યાદા કરતા અનેકગણો ખર્ચ: ઠરાવની જોગવાઈ મુજબ આ કામગીરી રૂ. 5,00,000 ની મર્યાદામાં કરવાની હતી, પરંતુ વાસ્તવમાં રૂ. 54,07,099 નું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું.
3 ટેન્ડર પ્રક્રિયામાં ’સેટિંગ’ નો આક્ષેપ: ટેન્ડરોનો દૈનિક પેપરોમાં પ્રચાર કરવાને બદલે માત્ર અમદાવાદની એજન્સીઓ સાથે ટેલિફોનિક ’સેટિંગ’ કરીને ભાવો મંગાવવામાં આવ્યા હતા. જો આ ભાવો જૂનાગઢ કે અન્ય શહેરોમાંથી મંગાવાયા હોત તો વ્યાજબી દરે કામ થઈ શક્યું હોત.
4 વેરાની કપાતમાં બેદરકારી: પાલ ઈવેન્ટ એજન્સી પાસેથી વસૂલવા પાત્ર 2% ટી.ડી.એસ. (રૂ. 91,646) અને 10% ઇન્કમ ટેક્સ (રૂ. 4,58,228)ની કપાત કરવામાં આવી નહોતી.
નિયમોનો ઉલાળિયો અને દસ્તાવેજોનો અભાવ…
રજૂઆતમાં જણાવાયું છે કે વહીવટી તંત્રના નીચેના અધિકારીઓ સરકારી પરિપત્રો અને નિયમોને નેવે મૂકીને ’ઘરની પેઢી’ ચલાવતા હોય તેમ ટેન્ડરોની વહેંચણી કરે છે. ગ્રાન્ટના યુ.ટી.સી. રજૂ કરાયા નથી, બચત રકમની વિગતો ફાઈલ પર નથી અને સ્થળ પર થયેલી કામગીરીનું વેરિફિકેશન કે રી-વેરિફિકેશન પણ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, મેળા બાદ બેનરોનું સ્ટોક રજિસ્ટર નિભાવવામાં આવ્યું નથી કે બેનરો સ્ટોરમાં જમા પણ લેવામાં આવ્યા નથી.
આગામી મેળા માટે વિપક્ષની મુખ્ય માંગણીઓ…
આગામી 15/02/2026 ના રોજ યોજાનારા મેળામાં આવી ભૂલો ન થાય તે માટે લલિત પરસાણાએ એવી માંગણી કરી છે કે, મેળા દરમિયાન લાઈટિંગ, મંડપ, કલાકારો અને પાણી જેવી સુવિધાઓ પાછળ જે પણ ખર્ચ થાય તેની વિગતો સોશિયલ મીડિયા અને પ્રેસ દ્વારા લોકો સમક્ષ મૂકવી જોઈએ. તેમજ મેળાના ખર્ચ અને ટેન્ડરિંગ પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે જિલ્લાના તમામ ધારાસભ્યો, ઉચ્ચ અધિકારીઓ અને તમામ રાજકીય પક્ષોના પ્રમુખોની એક સંયુક્ત સમિતિ બનાવવી જોઈએ. દરેક ખરીદી અને સેવાની પ્રક્રિયા સરકારી ધારાધોરણો મુજબ અને પારદર્શક રીતે થવી જોઈએ. મેળામાં થયેલા તમામ ખર્ચનું ઝીણવટભર્યું સ્પેશિયલ ઓડિટ કરાવવું જોઈએ જેથી ભ્રષ્ટાચારને કોઈ અવકાશ ન રહે. વિપક્ષ નેતા લલિત પરસાણાએ ભાર પૂર્વક જણાવ્યું છે કે આ પવિત્ર સ્થળ પર થતા મેળામાં જનતાના ટેક્સના પૈસાનો ગેરવહીવટ અટકે અને સાધુ-સંતો તથા યાત્રીકોને પૂરતી સુવિધાઓ મળે તે સુનિશ્ર્ચીત કરવું તંત્રની જવાબદારી છે. વહીવટી તંત્ર આ બાબતે યોગ્ય નિર્ણય લે તેવી માંગ સાથે આ લેખિત રજૂઆત કરવામાં આવી છે.



