ટ્રેડ ડીલ ફ્રીઝ
USAની દાદાગીરીથી યુરોપ પણ કંટાળ્યું!
- Advertisement -
જ્યારે પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર જોખમ હોય, ત્યારે વેપારની સામાન્ય કામગીરી ચાલુ રાખવી અશક્ય છે: બર્ન્ડ લેંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકા અને યુરોપ વચ્ચેના સંબંધોમાં અત્યારે ભારે કડવાશ જોવા મળી રહી છે. દાવોસ ખાતેની બેઠકમાં યુરોપના નેતાઓએ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યે પોતાનો સખત રોષ પ્રગટ કર્યો, તો વળતા પ્રહારમાં ટ્રમ્પે પણ મંચ પરથી આકરા શબ્દોમાં જવાબ આપ્યો હતો. ઇતિહાસમાં પહેલીવાર ટ્રમ્પના ‘ઇગો’ સામે યુરોપ પણ એ જ અંદાજમાં જવાબ આપી રહ્યું હોય તેમ જણાય છે.
ટ્રમ્પના ભાષણથી ઉશ્ર્કેરાયેલા યુરોપિયન યુનિયને તાત્કાલિક મોટો ‘ટ્રેડ બોમ્બ’ ફોડીને વળતો જવાબ આપ્યો છે. યુરોપિયન સંસદની વ્યાપાર સમિતિના વડા બર્ન્ડ લેંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા પ્રશ્ર્ન ઉઠાવ્યો છે કે, વર્તમાન પરિસ્થિતિને જોતા હવે અમેરિકા અને યુરોપના સંબંધોમાં અપેક્ષા રાખવા જેવું કંઈ બચ્યું છે ખરું?
યુરોપિયન સંસદની વ્યાપાર સમિતિના વડા બર્ન્ડ લેંગે સત્તાવાર જાહેરાત કરી છે કે અમેરિકા અને યુરોપિયન યુનિયન વચ્ચેનો વેપાર કરાર હવે ‘આગામી સૂચના સુધી મોકૂફ’ રાખવામાં આવ્યો છે. ગ્રીનલેન્ડ વિવાદ અને ટેરિફના મુદ્દાઓને ટાંકીને તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘બંને પક્ષો વચ્ચેનો આ વેપાર સોદો હવે સત્તાવાર રીતે અટકી પડ્યો છે.’ મંગળવારે એક મહત્ત્વનું નિવેદન આપતા તેમણે કહ્યું કે, ‘અમે ટર્નબેરી કરાર સાથે જોડાયેલી તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. જ્યારે આપણી પ્રાદેશિક અખંડિતતા અને સાર્વભૌમત્વ પર જોખમ હોય, ત્યારે વેપારની સામાન્ય કામગીરી ચાલુ રાખવી અશક્ય છે.’



