ક્લાસ-1 અધિકારી યશરાજસિંહની ભૂલે બે જિંદગી અને એક પરિવાર તબાહ કર્યો: અમદાવાદના જજીસ બંગલો વિસ્તારમાં બનાવ સમયે ઘરમાં માતા હાજર હતા
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
- Advertisement -
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા ગછઈં ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી)મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્ની રાજેશ્ર્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.
આ મામલે વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે ગછઈં ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા.
108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે.
માતા અને 108ની ટીમ સામે જ યશરાજસિંહે આત્મહત્યા કરી
અનેક વખત વાહન ફૂલ સ્પીડમાં ચલાવતા હોવાથી શક્તિસિંહ ગોહિલે ઠપકો પણ આપ્યો હતો. કોઈપણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે નહોતો. બંને પરિવાર ખૂબ ખુશ હતા. પત્નીના મોતનો આઘાત લાગતા તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી હતી. પોતાની માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરી હતી. જે દરમિયાન 108ની ટીમે બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.



