કલાજગત અને કથાજગતના મહાનુભાવોની હાજરીથી પ્રસંગ બન્યો યાદગાર
સંતો, કથાકારો, ગાયક કલાકારો અને રાજકીય અગ્રણીઓએ આપ્યા આશીર્વાદ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રસિદ્ધ લોકગાયક દેવ ભટ્ટના બંને બાળકો ભવ્ય અને પરમની યજ્ઞોપવિત વિધિ 11 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આધ્યાત્મિક માહોલમાં યોજાઈ હતી. ધાર્મિક પરંપરા અને સાંસ્કૃતિક સૌંદર્યથી ભરપૂર આ પ્રસંગે કથાજગત, કલાજગત અને સમાજના અગ્રણીઓની વિશેષ હાજરી રહી હતી, જેને કારણે સમગ્ર કાર્યક્રમ યાદગાર બની ગયો હતો. આ પાવન યજ્ઞોપવિત વિધિ ભાગવતાચાર્ય અશોકભાઇ ભટ્ટની પાવન નિશ્રામાં યોજાઈ હતી. પ્રસંગમાં મા કનકેશ્વરી દેવી, જિજ્ઞેશદાદા, રાધારમણ સ્વામી, વિવેક સ્વામી, હીરેનભાઇ શાસ્ત્રી, કનૈયાલાલ ભટ્ટ, મીરાબેન ભટ્ટ, ભાવિન અક્ષ મનુબાપુ, પ્રકાશાનંદ મહારાજ અને ભાવેશભાઇ શાસ્ત્રી સહિતના અનેક કથાકારો અને સંત મહાત્માઓએ ઉપસ્થિત રહીને દેવ ભટ્ટના બંને બાળકોને આશીર્વાદ આપ્યા હતા. આ સાથે ગુજરાતના ગૌરવવંતા કલાકારો કીર્તીદાન ગઢવી, સાંઇરામ દવે, ગીતાબેન રબારી, બ્રિજરાજદાન ગઢવી, જિજ્ઞેશ કવિરાજ, ઉમેશ બારોટ, જયદેવ ગૌસાઇ, ફરીદા મીર, લલિતા ઘોડાદા, નીતીન દેવકા, ધર્મેશ બારોટ, ડેવીન ઓડેદરા, સાગરદાન ગઢવી, રાજદાન ગઢવી, મયુર દવે, ભાવેશ રામ આહીર, અનિરુદ્ધ આહીર, મિલન મેર અને દીપક જોશી સહિતના કલાકારોએ સ્વર, રાસ અને ગરબાની જમાવટ કરી હતી. ખાસ કરીને આખું રાજકોટનું કલાજગત હાજર રહીને દેવ ભટ્ટ પરિવાર પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી. યજ્ઞોપવિતના આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના ભાજપના મંત્રી જીતુભાઇ વાઘાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દેવ ભટ્ટ પરિવારે કથાજગત અને કલાજગતમાં વર્ષોથી જે સંબંધો અને સ્નેહ કમાવ્યો છે, તેનું જીવંત પ્રતિબિંબ આ પ્રસંગે જોવા મળ્યું હતું. અંતમાં શાસ્ત્રી અશોકભાઇ ભટ્ટ, દેવભાઇ ભટ્ટ અને દર્શનભાઇ ભટ્ટે આમંત્રણને માન આપી હાજર રહેલા તમામ સંતો, કલાકારો અને મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.



